દલિત સમાજ માટે દેશમાં શાંતિથી જીવન જીવવું જાણે દોહ્યલું બની રહ્યું હોય તેમ સતત તેમના પર અત્યાચારની ઘટનાઓ બનતી રહે છે. આવી જ એક ઘટનામાં કેટલાક જાતિવાદી તત્વોએ શાકભાજી વેચીને પરિવારનું ગુજરાન ચલાવતા એક દલિત યુવકને રસ્તામાં રોકીને તેને ‘બોલ, અમે તારા બાપ છીએ’ કહીને લાકડી-દંડાથી ઢોર માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતા પોલીસે તપાસ શરૂ કરી છે.
યુપીના શાહજહાંપુરની ઘટના
મામલો જાતિવાદ માટે કુખ્યાત ઉત્તરપ્રદેશનો છે. અહીંના શાહજહાંપુરના જૂના પૈના ગામમાં શાકભાજી વેચતા એક દલિત યુવાનને કેટલાક ગુંડાઓએ લાકડીઓથી માર માર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસ કાર્યવાહીમાં આવી અને આરોપીની ધરપકડ કરાઈ. આ ઘટના એક જૂના કેસ સાથે જોડાયેલા વિવાદને કારણે બની હતી. માર મારતી વખતે, જાતિવાદી તત્વોએ દલિત યુવકને ‘તમે મારા બાપ છો’ કહેવા માટે મજબૂર કર્યો હતો.
આ પણ વાંચો: ‘મોદી સરકારમાં સૌથી વધુ ગૌમાંસ એક્સપોર્ટ થાય છે’ – ઇન્દ્રનીલ રાજ્યગુરુ
યુવકને ‘બાપ’ કહેવા મજબૂર કરી માર માર્યો
આ ઘટના સિધૌલી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના પૈના બુઝુર્ગ ગામમાં બની હતી, જ્યાં એક ગુંડાએ શાકભાજી વેચતા એક દલિત યુવાનને લાકડીઓથી માર માર્યો હતો. વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે દેખાતું હતું કે આરોપી યુવકને માર મારતો હતો અને તેને ‘બાપ’ કહેવાની માંગ કરતો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં જ સૌ કોઈ ચોંકી ગયા હતા,એ પછી પોલીસે કાર્યવાહી કરવાની ફરજ પડી હતી.
હુમલા પાછળ જૂનો કાનૂની વિવાદ જવાબદાર
મીડિયા રિપોર્ટ મુજબ, પીડિત દલિત યુવક અચલ કુમાર પડોશી ગામ પૈના ખુર્દનો રહેવાસી છે. તેને પહેલેથી જ કેટલાક ઉચ્ચ જાતિના લોકો સાથે કાનૂની વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન જ્યારે અચલ અચાનક શાકભાજી વેચવા માટે પૈના બુઝુર્ગ ગામમાં પહોંચ્યો, ત્યારે ચુટક્કે સિંહ અને તેના સાથીઓએ તેને ઘેરી લીધો. ત્યારબાદ તેઓએ તેને લાકડીઓથી માર મારવાનું શરૂ કર્યું. વીડિયોમાં, અચલ પોતાનો બચાવ કરવાનો પ્રયાસ કરતો જોવા મળે છે, પરંતુ જાતિવાદી તત્વો તેના પર હુમલો કરવાનું ચાલુ રાખે છે.
વીડિયો વાયરલ થતા આરોપીની ધરપકડ કરાઈ
એક ગ્રામવાસીઓએ મારામારીનો વીડિયો રેકોર્ડ કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો. જેમ જેમ વીડિયો વાયરલ થયો, તેમ તેમ આ ઘટના પર લોકોનો રોષ વધતો ગયો. એ પછી પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પીડિતાની ફરિયાદના આધારે કાર્યવાહી શરૂ કરી.
આ પણ વાંચો: ફૂટબોલ રમીને પરત ફરી રહેલી 14 વર્ષની આદિવાસી દીકરી પર રેપ
પોલીસ અધિકારી પ્રવીણ મલિકે જણાવ્યું કે પીડિત યુવક અચલ કુમારે ફરિયાદ નોંધાવી હતી કે અજિત અને પૈના ખુર્દના ત્રણ લોકોએ તેના પર હુમલો કર્યો હતો. ફરિયાદના આધારે, સિધૌલી પોલીસ સ્ટેશનમાં કલમ 443/25 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસે આરોપીની ધરપકડ કરી
વધુમાં, અધિકારીએ જણાવ્યું કે આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે એક જૂનો કેસ અને બંને પક્ષો વચ્ચેનો વિવાદ આ ઘટના પાછળનું કારણ હતું. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને પીડિત યુવકની તબીબી તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: ‘અકસ્માત વધે તો સરકાર શું કરે? ગ્રહોની ચાલ જોઈને ઘરેથી નીકળો?’











