Dalit News: કલ્પના કરો કે, માત્ર 36 સેકન્ડમાં તમારા ચહેરા પર 10થી વધુ થપ્પડ અને એક ડઝન કરતા વધુ જોડાંના ફટકાં પડે તો તમારી હાલત કેવી થાય? જો આ ઘટનાથી કલ્પના માત્રથી તમને કંપારી છુટી જતી હોય કે ગુસ્સો આવતો હોય, તો વિચારો આવું જેની સાથે ખરેખર થયું હશે, તેની શું હાલત થઈ હશે. એક દલિત યુવકને જાતિવાદી ગુંડાઓએ આ રીતે માર માર્યો હતો.
ઉત્તરપ્રદેશના બિજનૌરની ઘટના
મામલો ઉત્તર પ્રદેશના બિજનૌરનો છે. અહીંના ધોકલપુર ગામમાં દવા લઈને પરત ફરી રહેલા એક દલિત યુવકને રસ્તામાં કેટલાક જાતિવાદી ગુંડાઓએ આંતરીને ક્રૂર રીતે માર માર્યો હતો. આરોપીઓએ દલિત યુવકના માથા પર જોડા અને લાતો પણ મારી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ હરકતમાં આવી હતી અને ત્રણ વ્યક્તિઓ સામે કેસ નોંધીને તેમની શોધ શરૂ કરી છે.
36 સેકન્ડના વીડિયોમાં દલિત યુવકને 15 વાર જોડાં માર્યા
આશરે એક મિનિટ અને 36 સેકન્ડ લાંબા વાયરલ વીડિયોમાં, કેટલાક યુવાનો દલિત યુવકને ઘેરી લે છે, પહેલા તેને ગાળો આપે છે, અને પછી વારાફરતી થપ્પડ અને જૂતાથી માર મારે છે. પીડિત વારંવાર હાથ જોડીને માફી માંગતો જોવા મળે છે. તે આરોપીના પગ પકડીને પોતાને છોડી દેવા વિનંતી પણ કરે છે, પરંતુ લુખ્ખા તત્વો તેને માર મારતા રહે છે.
આ પણ વાંચો: ‘કાર પાછી વાળો, દલિત થઈને અમારી સામેથી નીકળવું છે?’
સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આરોપીઓએ પહેલા દલિત યુવકની ટોપી તેના માથા પરથી કાઢી અને પછી વારંવાર તેના ચહેરા અને માથા પર થપ્પડો મારી હતી. પછી એક આરોપીએ તેનું જૂતું કાઢીને યુવકના માથા પર મારવાનું શરૂ કરી દીધું હતું.
દલિત યુવક બીમાર માતા માટે દવા લેવા ગયો હતો
થોડી જ સેકન્ડોમાં પીડિતાના માથા પર દસથી વધુ વખત માર મારવામાં આવ્યો અને એક ડઝનથી વધુ વખત જૂતા મારવામાં આવ્યા. હુમલા દરમિયાન, પીડિત તેની માતાની બીમારીનો ઉલ્લેખ કરતો રહ્યો અને કહેતો રહ્યો કે તે તેની બીમાર માતા માટે દવા લેવા આવ્યો છે અને તરત તેને ઘરે જવાનું છે, પરંતુ આરોપીઓએ તેની કોઈ વાત સાંભળી નહોતી.
જૂની અદાવતમાં માર માર્યાની આશંકા
સૂત્રોના જણાવ્યા અનુસાર, પીડિત ધોકલપુર ગામનો રહેવાસી છે, અને આરોપીઓ પણ તેના જ ગામના છે. પીડિત યુવક વાલ્મિકી સમાજનો છે, અને જ્યારે જાતિવાદી ગુંડાઓ જાટ સમાજના છે. મળતી માહિતી મુજબ, થોડા દિવસ પહેલા દલિત યુવકનો એક જાટ યુવક સાથે ઝઘડો થયો હતો. જેની દાઝ રાખીને આ યુવકોએ દલિત યુવકોને માર માર્યો હતો.
આ પણ વાંચો: દલિત યુવકે અધિકારીઓ સામે પેટ્રોલ છાંટી ખુદને આગ ચાંપી દીધી
આરોપીઓએ જાતે વીડિયો ઉતારી વાયરલ કર્યો
ચોંકાવનારી વાત એ છે કે, આરોપીઓએ જાતે જ દલિત યુવકને માર મારવાનો વીડિયો બનાવ્યો હતો અને વાયરલ કર્યો હતો. જેના પરથી ખ્યાલ આવે છે કે, દલિતોને માર મારવો એ તેમના માટે કેટલી સામાન્ય ઘટના છે. આરોપીઓને તેમની કથિત ઉચ્ચ જાતિના હોવાથી એટલો વિશ્વાસ હશે કે, કાયદો પણ તેમનું કશું બગાડી શકે તેમ નથી. એટ્રોસિટી એક્ટ જેવો મજબૂત કાયદો હોવા છતાં આરોપીઓએ ખૂલ્લેઆમ દલિત યુવકને માર માર્યો તે જ બતાવે છે કે, કાયદાનો કેટલો અને કેવો અમલ થતો હશે.
પોલીસે શું કહ્યું?
આ કેસમાં, પોલીસ અધિકારી સંગ્રામ સિંહે જણાવ્યું હતું કે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધોકલપુર ગામના રહેવાસી કમલ પર હિમાંશુ અને તે જ ગામના બે અન્ય મિત્રો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પીડિતની ફરિયાદના આધારે, પોલીસે ગંભીર કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને આરોપીઓની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: કલેક્ટર-DDO એ નકલી કામ બતાવી રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવ્યો!










