અમદાવાદના કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે ઉત્તરાયણના દિવસે એક દલિત યુવકની જાહેરમાં છરી અને લાકડીના ઘા ઝીંકી હત્યા કરી દેવાતા ચકચાર મચી ગઈ છે. મળતી માહિતી મુજબ યુવકની જૂની અદાવતમાં કેટલાક શખ્સોએ હત્યા કરી હતી. ઘટનાની જાણ થતા જ કાગડાપીઠ અને મણિનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લાશનો કબ્જો મેળવી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા.
મામલો શું હતો?
આ ઘટનાની મળતી માહિતી મુજબ, અમદાવાદના અમરાઈવાડીમાં રહેતા 23 વર્ષીય રાહુલ રાઠોડે તેના નાના ભાઈ ચિરાગની હત્યા કરવા બદલ મંથન ઉર્ફે રૂત્વિક પરમાર તથા જયદીપ શાહ, હર્ષિલ શાહ અને વિજય ઉર્ફે વી.પી. પરમાર સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ જણાવ્યા મુજબ આરોપીઓએ સમાધાન કરવાના બહાને ચિરાગને ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે બોલાવીને હુમલો કર્યો હતો.
આ પણ વાંચો: દલિત આધેડને ચોર સમજી ગામલોકોએ માર મારી પતાવી દીધા!
ઉત્તરાયણની રાતે ખૂની ખેલ ખેલાયો
ઉત્તરાયણના રાતે 9.45 વાગ્યા આસપાસ આ ખૂની ખેલ ખેલાયો હતો. આરોપી મંથન અને તેના મિત્રોએ પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું. અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને સમાધાન કરવા માટે મંથને ચિરાગ રાઠોડ અને તેના મિત્ર નયનને કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ ખાતે બોલાવ્યા હતા.
ફૂટબોલ ગ્રાઉન્ડમાં બબાલ કરી છરા-લાકડીઓથી હુમલો કર્યો
ચિરાગ અને નયન ત્યાં પહોંચતા જ આરોપીઓએ તેમની સાથે બોલાચાલી અને ઝઘડો શરૂ કર્યો હતો. જોતજોતામાં મામલો ઉગ્ર બન્યો હતો અને ચારેય શખસોએ ભેગા મળીને ચિરાગને લાકડીઓ વડે માર મારવાનું શરૂ કર્યું હતું. આ દરમિયાન ઉશ્કેરાયેલા મંથન પાસે રહેલી છરી કાઢી ચિરાગના શરીરના જમણી બાજુના પડખામાં ઉપરાછાપરી ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઘવાયેલા ચિરાગનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો: કડીમાં શિક્ષકે ધો-6 ના વિદ્યાર્થીને થપ્પડ મારતા બીજા માળેથી છલાંગ મારી
પોલીસે આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા
હત્યાની જાણ થતા ઝોન 6 ડીસીપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસે ચિરાગના મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યો હતો. હત્યા બાદ ફરાર થયેલા આરોપીની તપાસ માટે અલગ અલગ ટીમ કામે લાગી હતી. ઝોન 6 ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે, જૂની અદાવતમાં સમાધાન માટે બોલાવી હત્યા કરવામાં આવી હતી. આરોપીની ઓળખ થઈ છે જેના આધાર ધરપકડ કરવામાં આવશે. હત્યાની આ ઘટનાને કારણે ફરી એકવાર દલિત સમાજમાં તહેવાર ટાણે જ શોકનું મોજું ફરી વળ્યું હતું.
દલિત-બહુજન સમાજ ગુનાખોરીથી દૂર રહે તે જરૂરી છે
આ ઘટનાને લઈને દલિત સમાજના પ્રબુદ્ધ નાગરિકોમાં ચિંતા ફેલાવી છે. દલિત યુવકો નાની અમથી બાબતોમાં હત્યા કરવા સુધી પહોંચી જાય છે, જેના કારણે તેમના પરિવારોએ ઘણું બધું સહન કરવાનો વારો આવે છે. ફિલ્મો અને રીલ્સ જોઈ દેખાદેખી અને જવાનીના જોશમાં થઈ જતા આવા ગુનાઓ બાદ તેમની પાસે પસ્તાવા સિવાય કોઈ માર્ગ નથી હોતો. પરંતુ ત્યાં સુધીમાં ઘણું બધું મોડું થઈ ચૂક્યું હોય છે. દલિત-બહુજન સમાજના યુવાનો ગુનાખોરીથી જેટલા દૂર રહે તેટલું જ પરિવાર અને સમાજ માટે ફાયદાકારક છે.
આ પણ વાંચો: PM MODIના મતવિસ્તારમાં દલિતોએ જાતે રસ્તો બનાવવો પડ્યો











દુખદ અને નાલેશી ભરી ઘટના