ગુજરાતના ગામડાઓની તાસીરથી જે લોકો વાકેફ છે તેમણે એક બાબત ચોક્કસ નોંધી હશે. જ્યારે પણ ગામ પાદરમાંથી પસાર થાવ ત્યારે સવર્ણોના સ્મશાન એકદમ સ્વચ્છ, હરિયાણા અને પાકાં રોડરસ્તાથી જોડાયેલા હશે. જ્યારે દલિતોના સ્મશાન ક્યાં છે તે પણ શોધવું પડે તેવી સ્થિતિ થાય છે. મોટાભાગના ગામડાઓમાં આજની તારીખે પણ દલિતોના સ્મશાન સુધી પહોંચવા માટે પાકા રસ્તા નથી, સ્મશાનમાં પાણી, શૌચાલય, અંતિમક્રિયા માટે જરૂરી અન્ય સુવિધાઓનો પણ અભાવ જોવા મળે છે. પરિણામે ચોમાસાની સિઝનમાં સૌથી વધુ સમસ્યા સર્જાય છે.
વરસાદી પાણી અને કાદવકીચડના કારણે સ્મશાન સુધી પહોંચવું કઠિન બની જાય છે. છેવટે અંતિમક્રિયા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ફરજ પડે છે અથવા સ્મશાન સુધી પહોંચી શકાય તેવા વાહનોમાં કે પાણી વચ્ચેથી પસાર થઈને પહોંચવું પડે છે.
દસાડાના મોટા ઉભડા ગામની ઘટના
આવા ઉદાહરણો ગામેગામ પડ્યાં છે પરંતુ તાજો દાખલો સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના મોટા ઉભડા ગામમાંથી સામે આવ્યો છે. અહીં દલિત સમાજના સ્મશાન તરફ જતા રસ્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસાની સિઝનમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોવાથી દલિતોએ મૃતકની અંતિમક્રિયા માટે ખેતરો વચ્ચે થઈને, ટ્રેક્ટરમાં મૃતદેહને મૂકીને સ્મશાન સુધી પહોંચવું પડે છે.
આ પણ વાંચો: બોલો લો! ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઝડપાઈ!
સ્મશાનના રસ્તે પાણી ભરાઈ જતા ટ્રેક્ટરમાં જવું પડ્યું
ગઈકાલે જ અહીં અનુસૂચિત જાતિના મુક્તિધામ તરફ જવાના રસ્તા પર વરસાદી પાણી ભરાયેલા હોવાથી અંતિમયાત્રા માટે ટ્રેક્ટરનો સહારો લેવો પડ્યો હતો. ગામના 50 વર્ષીય દેવશીભાઈ ચૌહાણનું ગંભીર બીમારીને કારણે અવસાન થયું હતું. પરંતુ સ્મશાન સુધી ચાલીને પહોંચી શકાય તેવો રસ્તો ન હોવાથી પરિવારજનો અને દલિત સમાજે મૃતદેહને ટ્રેક્ટરમાં મૂકીને ખેતરના માર્ગે લઈ જવાની ફરજ પડી હતી.
ગામનો દલિત સમાજ શું કહે છે?
મોટા ઉભડાના સ્થાનિક દલિતોનું કહેવું છે કે, દર વર્ષે ચોમાસા દરમિયાન દલિતોના સ્મશાન તરફ જતા રસ્તા પર પાણી ભરાઈ જાય છે. આ સમસ્યા વર્ષોથી યથાવત છે, આ મામલે અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. સ્મશાન સુધીનો પાકો રસ્તો ન હોવાથી ખાસ કરીને ચોમાસામાં દલિત સમાજની કોઈ વ્યક્તિ મૃત્યુ પામે ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કેમ કે, સ્મશાન સુધીનો આખો રસ્તો વરસાદી પાણીમાં ગરકાવ થઈ જાય છે. જેના કારણે ત્યાં પહોંચવું કપરું બની જાય છે.
અંતે ટ્રેક્ટર જેવા સાધનમાં મૃતદેહને મૂકીને ખેતરો વચ્ચેથી જેમતેમ કરીને સ્મશાને પહોંચવું પડે છે. તેમાં પણ બીક રહે છે કે, કોઈ જાતિવાદી શખ્સ આવીને “મૃતદેહ લઈને અહીંથી કેમ પસાર થયા” તેમ કહીને બબાલ ન કરે. તંત્ર કોઈ ધ્યાન આપતું નથી, જેના કારણે વર્ષોથી અમે આ સમસ્યા વેઠી રહ્યાં છીએ. હાલ આ ઘટનાને લઈને મૃતકના પરિવારજનો અને સ્થાનિક દલિતોમાં ભારે રોષ છે.
આ પણ વાંચો: કોર્ટમાં જુબાની આપનાર દલિત યુવકને બ્રાહ્મણોએ ઘરમાં ઘૂસી માર્યો