ગુજરાતમાં માળી સમાજ દ્વારા સામાજિક ક્રાંતિના પ્રણેતા મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા માતા સાવિત્રીબાઈ ફૂલેને દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ભારત રત્ન’ આપવાની માંગ બુલંદ બની છે. રાજ્યના વિવિધ જિલ્લા મથકોએ માળી સમાજના અગ્રણીઓ એકઠા થઈ રહ્યા છે અને સરકાર સુધી પોતાનો અવાજ પહોંચાડવા જિલ્લા કલેક્ટરોને આવેદનપત્ર સુપરત કરી રહ્યા છે. તાજેતરમાં હિંમતનગર, સુરેન્દ્રનગર અને અરવલ્લી (મોડાસા) ખાતે આ સંદર્ભે મોટા પાયે રજૂઆતો કરવામાં આવી હતી.
ફૂલે દંપતીના યોગદાનને કેવી રીતે ભૂલાય?
આવેદનપત્રમાં જણાવાયું છે કે મહાત્મા જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેએ પોતાનું સમગ્ર જીવન પછાત, દબાયેલા અને વંચિત વર્ગને ન્યાય અપાવવા તથા તેમની પ્રગતિ માટે સમર્પિત કર્યું હતું. ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરે પણ મહાત્મા જ્યોતિરાવ ફૂલેને પોતાના ગુરુ અને પ્રેરણાસ્ત્રોત માન્યા હતા. આ બાબત જ ફૂલે દંપતીના સમાજ સુધારણાના કાર્યોની ગંભીરતા અને મહત્વ દર્શાવે છે.


આ પણ વાંચો: મનુવાદીઓ કેમ જ્યોતિરાવ ફૂલે થી આટલા બધા ડરે છે?
હિંમતનગર, સુરેન્દ્રનગર, અરવલ્લીમાં આવેદનપત્ર અપાયું
હિંમતનગર અને સુરેન્દ્રનગરમાં રજૂઆતો હિંમતનગરમાં સાબરકાંઠા માળી સમાજ દ્વારા અધિક કલેક્ટર કે.એ. વાઘેલાને આવેદનપત્ર આપીને આ માંગણી દોહરાવવામાં આવી હતી. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એવી જ રીતે, સુરેન્દ્રનગર કલેક્ટર કચેરી ખાતે પણ માળી સમાજના આગેવાનો સતિષભાઈ રામી, હરેશભાઈ રામી, મનોજભાઈ રામી અને નટુભાઈ રામી સહિતના આગેવાનોએ ફૂલે દંપતીને મરણોત્તર ભારત રત્ન આપવાની હિમાયત કરી હતી. સમાજનું માનવું છે કે, આ સન્માન માત્ર એક દંપતીનું નહીં પણ સમગ્ર પછાત વર્ગના સંઘર્ષનું સન્માન હશે.


સાવિત્રીબાઈ ફૂલે: મહિલા શિક્ષણની મશાલ
માતા સાવિત્રીબાઈ ફૂલેને આજે પણ બહુજન સમાજ દ્વારા ‘વિદ્યાની દેવી’ તરીકે પૂજવામાં આવે છે. મહાત્મા જ્યોતિરાવ ફૂલેએ તેમને શિક્ષિત કર્યા, જેના પરિણામે સાવિત્રીબાઈ ફૂલે અખંડ ભારતના પ્રથમ મહિલા શિક્ષિકા બન્યા. તેમણે તે જમાનામાં મહિલાઓને ભણાવવા માટે પ્રથમ કન્યા શાળા ખોલી અને ત્યારબાદ આવી 17 જેટલી શાળાઓ શરૂ કરી હતી. તેઓ માત્ર એક શિક્ષિકા જ નહીં, પણ એક ઉત્તમ કવિયત્રી પણ હતા. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘કાવ્ય ફૂલે’ એ સમયે સાહિત્યિક ક્રાંતિ સમાન હતો. સંયુક્ત રીતે કરેલા સામાજિક કાર્યો ફૂલે દંપતીએ સંયુક્ત રીતે સમાજમાં વ્યાપ્ત અનેક કુરિવાજો અને મુશ્કેલીઓ સામે લડત આપી હતી.
આ પણ વાંચો: અંગ્રેજી વિશે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર શું માનતા હતા?

તેમણે નવજાત શિશુઓને બચાવવા માટે આશ્રમની સ્થાપના કરી. ખેતમજૂરો અને કામદારો જે દિવસે કામ કરતા હતા તેમના શિક્ષણ માટે રાત્રિ શાળાઓ શરૂ કરી. નિરાધાર મહિલાઓને આશ્રય અને આત્મનિર્ભરતા પૂરી પાડી. તેમણે મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવા અને તેમને માન-સન્માન સાથે સંપૂર્ણ અધિકારો અપાવવા માટે અસંખ્ય મુશ્કેલીઓ વેઠીને સઘન સંઘર્ષ કર્યો હતો.
અરવલ્લીમાં મહિલાઓએ આવેદનપત્ર પાઠવ્યું
અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપતી વખતે મોડાસા રામી માળી સમાજના ચેરમેન અંજનાબેન રામીએ જણાવ્યું હતું કે, “ભારત સરકાર જ્યારે આ ભારત રત્ન અંગેનો નિર્ણય જાહેર કરશે, ત્યારે દેશના અતિ પછાત અને દબાયેલા વર્ગો સહિત માળી સમાજને સાચો ન્યાય મળ્યો ગણાશે.” આ તકે ડૉ. વાસુદેવભાઈ રામી, રોહિતભાઈ અને અન્ય આગેવાનો સાથે મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી.
સમગ્ર ભારતમાં જ્યારે ફૂલે દંપતીને ભારત રત્ન આપવાની માંગ બુલંદ બની રહી છે, ત્યારે ગુજરાતનો માળી સમાજ પણ એકસૂરે આ માંગને ટેકો આપી રહ્યો છે. પછાત વર્ગના ઉત્થાન માટે જે પાયાનું કામ આ દંપતીએ કર્યું છે, તેના ઋણ સ્વીકાર રૂપે તેમને દેશનું સર્વોચ્ચ સન્માન મળવું જ જોઈએ તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આ પણ વાંચો: જ્યોતિબા ફૂલેને જ્યારે ગાંધીજીએ ‘સાચા મહાત્મા’ ગણાવ્યા..










