જોષી સાહેબ, કેમ મને પીરસવા નહોતા દેતા એ હવે સમજાય છે’

આભડછેટનો અનુભવઃ ધાનેરાના દેવજીભાઈ પરમાર લખે છે, "જોષી સાહેબ, મધ્યાહન ભોજન પીરસવા કેમ કદી વણકરના છોકરાને નહોતા મોકલતા તે મને હવે સમજાય છે."
experience of untouchability

આભડછેટનો અનુભવઃ  ગયા અઠવાડિયે khabarantar.in પર ઓડિશાની એક આંગણવાડીમાં દલિત રસોઈયાની નિમણૂક થતા સવર્ણોએ તેમના બાળકોને આંગણવાડીમાં મોકલવાનું બંધ કરી દીધું એ સમાચાર વાંચ્યાં અને હું 25 વર્ષ પહેલાના ભૂતકાળમાં સરી પડ્યો. બનાસકાંઠાના ધાનેરા તાલુકાના મારા ગામમાં આજથી 25 વર્ષ પહેલા અમને આંગણવાડીમાં અને પ્રાથમિક શાળામાં અલગ પંગતમાં બેસાડવામાં આવતા તે યાદ આવી ગયું. આજે હું મોટો થયો, સમજણો થયો ત્યારે ખ્યાલ આવે છે કે એ વખતે જે થઈ રહ્યું હતું એ ‘વ્યવસ્થા’ નહોતી, પણ ‘આભડછેટ’ હતી.

એ વખતે હું નાનો હતો, ત્યારે મને ક્યાં ખબર હતી કે ‘આભડછેટ’ એટલે શું? એક બાળક માટે તો આખું ગામ એનું ઘર હોય અને નિશાળ એની દુનિયા. મને યાદ છે, આંગણવાડીમાં જવાનું તો અમારે ક્યારેક જ આવતું. અમારી વણકરવાસની ગલીઓમાં ક્યારેય પેલી સવર્ણ જ્ઞાતિની આંગણવાડી સંચાલિકા બહેનો આવતી જ નહીં. અમને ત્યારે એમ લાગતું કે કદાચ અમારી શેરીના મોતીયા કૂતરાની તેમને બીક લાગતી હશે એટલે નહીં આવતા હોય, પણ આજે સમજાય છે કે તેમને મોતીયાની બીક નહોતી પરંતુ એમની માનસિકતા જ ટૂંકી હતી. સવર્ણોની આંગણવાડી અલગ, અમારી અલગ. ત્યાં રસોઈયા પણ અલગ અને ભોજન પીરસવાની રીત પણ અલગ. એ વખતે તો અમે નાના હતા, બસ એટલું જોતા કે અમને ખૂણામાં બેસાડવામાં આવે છે. અમને એમ કે અમે તોફાન કરતા હોઈશું એટલે, પણ ના… અમારો ગુનો અમારું દલિત હોવું હતો.

નિશાળમાં આવ્યા ત્યારે મધ્યાહન ભોજન યોજના ચાલતી. ઘરે તો ગરીબી એવી કે માંડ રોટલો અને ડુંગળી મળે, એટલે નિશાળમાં જ્યારે ગરમાગરમ દાળ-ભાત બનતા ત્યારે એની સુગંધથી જ અમારી ભૂખ બેવડાઈ જતી. અમને નવાઈ લાગતી કે આટલું સરસ ભોજન દુનિયામાં હોય ખરું? પણ એ ભોજન લેવા માટે જે કિંમત ચૂકવવી પડતી, એ આજે કાળજું ચીરી નાખે છે.

આ પણ વાંચો: ‘અમે ગણપતિ બેસાડ્યા છે, તમે ઘરમાં ન આવતા, ઘર ધોવું પડશે!’

અમારા આચાર્ય જોષી સાહેબ હતા. શિક્ષકોમાં રૂપેરા સાહેબ, પંચોલી સાહેબ, રાવલ સાહેબ, પંડ્યા બેન અને ત્રિવેદી બેન હતા. ટૂંકમાં, આખું શિક્ષક જગત સવર્ણોનું હતું. બ્રાહ્મણ સિવાય કોઈ શિક્ષક નહોતો. એ વખતે તો એ બધું સામાન્ય લાગતું, પણ હવે સમજાય છે કે એ પદ્ધતિસરનું વ્યવસ્થિત માળખું હતું.

રસોઈયા તરીકે એક કોળી મહિલા હતા. એટલે કોળી અને દલિતના બાળકો જ મધ્યાહન ભોજન જમતા. ગામના સવર્ણો તો પૈસાદાર, એટલે એમના બાળકો તો ઘરે જઈને જમે. મધ્યાહન ભોજન તો માત્ર ગરીબ દલિત બાળકો માટે જ હતું. પણ ત્યાં પણ આભડછેટનો ખેલ ખેલાતો. જોષી સાહેબ હંમેશા કોળી છોકરાઓને જ પીરસવા માટે ઊભા રાખતા. કેમ? કારણ કે જો દલિત છોકરો પીરસે તો મધ્યાહન ભોજન ‘અભડાઈ’ જાય! પેલા કોળી છોકરાઓ પણ અમારાથી છેટા ઉભા રહીને ઉપરથી દાળ-ભાત અમારા વાડકામાં નાખતા. અમને એમ લાગતું કે કદાચ હાથ અડી જશે તો દાળ ઢોળાઈ જશે, એટલે સાહેબે ના પાડી હશે. એ વખતે મારા માસૂમ મનને ક્યાં ખબર હતી કે હાથ નહીં, પણ અમારી ‘જાત’ અડી જવાનો એમને ડર હતો.

આ પણ વાંચો: દૂધરેજ વડવાળા મંદિરના પૂજારીએ કરડી નજરે પૂછ્યું, ‘તમે કેવા?’

દલિત બાળકોની લાઈન અલગ, કોળી છોકરાઓની લાઈન અલગ. છોકરીઓમાં પણ એ જ ભેદ. અમે પંગતમાં બેસતા ત્યારે કોળી છોકરાઓ અમારાથી ખાસ્સા દૂર બેસતા. જાણે અમે કોઈ ચેપી રોગ લઈને આવ્યા હોઈએ! જમતી વખતે જ્યારે દાળનો ડોયો અમારા વાસણને અડ્યા વગર ઉપરથી રેડાતો, ત્યારે અમને જરાય નવાઈ નહોતી લાગતી. કેમ કે, એ આભડછેટ છે એ પણ અમને ખ્યાલ નહોતો. આજે જ્યારે ઓડિશામાં એક દલિત યુવતીનો રસોઈયા તરીકે બહિષ્કાર થતો જોઉં છું, ત્યારે એ નિશાળના દિવસો મારી આંખ સામે તરવરે છે. 25 વર્ષ પહેલાં પણ એ જ સ્થિતિ હતી, અને આજે 2026માં પણ એ જ વાસ્તવિકતા છે.

 શિક્ષણ વધ્યું, પણ લોહીમાં પેલી આભડછેટ હજુ એવી ને એવી જ છે. એ વખતે અમે બાળકો હતા, અમને તો બસ પેટ ભરીને જમવા મળે છે, એટલી જ ખબર પડતી હતી. અમને એમ કે આ જ રીત હશે. પણ હવે જ્યારે પાછું વળીને જોઉં છું ત્યારે સમજાય છે કે જે ઉંમરે અમને ‘સમાનતા’ શીખવવાની હતી, એ ઉંમરે જોષી સાહેબ જેવા શિક્ષકોએ અમને ‘અછૂત’ હોવાનો અહેસાસ કરાવ્યો હતો.

આ પણ વાંચો: ‘એ રાત્રે મને ઉંઘ ન આવી, 10 ની નોટ પર છંટાયેલું પાણી તરવરતું રહ્યું’

ઓડિશાની ઘટનાએ મારા એ જખમો તાજા કરી દીધા છે. આજે પણ સમાજ બદલાયો નથી. 25 વર્ષ પછી પણ ભારતની આંગણવાડીઓ અને શાળાઓમાં દલિતો માટેની પંગત અલગ જ છે. જે દાળ-ભાત જોઈને અમને નવાઈ લાગતી હતી, એ જ દાળ-ભાતમાં આજે મને નફરતની ગંધ આવે છે. આઝાદીના આટલા વર્ષો પછી પણ જો એક દલિત મહિલાને રસોઈ બનાવવા બદલ પોતાની જાતિનું અપમાન સહન કરવું પડતું હોય, તો માનવું કે આપણી કેળવણી હજુ અધૂરી છે. મેં તો એ દિવસો કાઢી નાખ્યા, પણ સવાલ એ થાય કે, શું ગુજરાતના ખૂણેખૂણે બેઠેલા દલિત બાળકો હજુ પણ એ જ ‘છેવાડાની પંગત’માં બેસી રહેશે?

દેવજીભાઈ પરમાર, (ધાનેરા, જિલ્લો. બનાસકાંઠા)

આ પણ વાંચો: ઉઠાવો કલમ! અને લખો તમારો ‘આભડછેટનો અનુભવ’

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x