ભાજપની કથની અને કરણીમાં કેટલો મોટો ફરક છે તેનું આ ઉદાહરણ છે. ભાજપ જાહેરમાં બેટી બચાવોની વાત કરે છે પરંતુ તેના ધારાસભ્યે, તેમના જ પક્ષની એક દલિત મહિલા કાર્યકર પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની ફરિયાદ નોંધાઈ હોવા છતાં પોલીસ ધારાસભ્યની ધરપકડ ન કરીને પીડિતાને ન્યાયથી વંચિત રાખી રહ્યાંની રાવ ઉઠી છે. ભાજપની દલિત મહિલા કાર્યકર પર દુષ્કર્મ ગુજારવાના કેસમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને પોલીસ કઈ હદે છાવરી રહી છે તે જાણીને કાયદો વ્યવસ્થામાં વિશ્વાસ ધરાવતી કોઈપણ વ્યક્તિનો ભરોસો ઉઠી જાય તેમ છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભાજપની જ મહિલા કાર્યકર સાથે દુષ્કર્મના કેસના આરોપી પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમારને ગૃહ વિભાગનું સીધું રક્ષણ હોવાથી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવતી નથી. આ કેસની પીડિત મહિલાને ગુરૂવારે માહિતી મળી હતી કે ગજેન્દ્રસિંહ ગાંધીનગરના વાસણા ચૌધરી ગામના એક ફાર્મ હાઉસમાં હાજર છે. જેથી મહિલા ફાર્મ હાઉસ પર પહોંચી હતી અને પોલીસ કંટ્રોલમાં જાણ કરી હતી. પરંતુ, પોલીસ ન પહોંચતા મહિલાએ અંદર જઇને ગજેન્દ્રસિંહ પરમારને ઝડપી લીધો હતો.
પરંતુ ધારાસભ્ય અને તેના ડ્રાઇવરે મહિલા સાથે મારામારી કરી હતી અને કારમાં નાસી છૂટ્યાં હતા. જો કે પીડિતાએ પીછો કરતા હાઇવે પર ગજેન્દ્રસિંહની ક્રેટા કાર સાથે અકસ્માત થતા મહિલાને ઇજા પહોંચી હતી. બીજી તરફ ગજેન્દ્રસિંહ ત્યાંથી ફરાર થઇ ગયો હતો. પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.
ઘટના શું બની હતી?
સમગ્ર બનાવની વિગત એવી છે કે ભાજપની જ દલિત મહિલા કાર્યકર પર દુષ્કર્મના કેસમાં પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ ફરાર છે. છેલ્લાં ઘણાં સમયથી પીડિતાની ફરિયાદ છે કે, તે પોલીસને ધારાસભ્યનું લોકેશન જણાવતી હોવા છતાં પોલીસ તેમની ધરપકડ કરતી નથી. આવું જ કંઈક આજે ફરી બન્યું હતું. ગજેન્દ્રસિંહ પરમાર ગાંધીનગર જિલ્લાના વાસણા ચૌધરી ગામમાં આવેલા એક ફાર્મ હાઉસમાં હોવાની જાણ ફરિયાદી મહિલાને થઇ હતી. જેથી તે ફાર્મ હાઉસ પર પહોંચી હતી. જ્યાં ગજેન્દ્રસિંહ હોવાની ખાતરી થતા તેણે 17 જેટલા કોલ પોલીસ કંટ્રોલરૂમમાં કર્યા હતા. પરંતુ, બે કલાકથી વધારે સમય પસાર થવા છતાંય, પોલીસ ન આવતા મહિલાએ જાતે ફાર્મ હાઉસમાં જઇને ગજેન્દ્રસિંહને ઝડપી લીધો હતો.
આ પણ વાંચો: ધનવાનો શોષણને પોતાનો ઈશ્વરદત્ત અધિકાર સમજે છે
આ સમયે ગજેન્દ્રસિંહે મહિલાને માર મારી ગળુ દબાવવાનો પ્રયાસ કર્યો હતો અને ગજેન્દ્રસિંહના ડ્રાઇવર સંજય ઝાલાએ મહિલાને માથામાં લાકડી મારી હતી. આ દરમિયાન મહિલા સાથે આવેલા એક વ્યક્તિએ તેને બચાવવા જતા તેને પણ માર માર્યો હતો. બાદમાં ગજેન્દ્રસિંહ પરમાર ક્રેટા કારમાં ત્યાંથી નાસી ગયો હતો. જેથી મહિલાએ કારમાં તેનો પીછો કર્યો હતો.
પીડિતાએ દબાણ કરવામાં આવતું હોવાની ફરિયાદ કરી
એ દરમિયાન હાઇવે પર બમ્પ આવતા ક્રેટા કાર ધીમી પડી હતી ત્યારે મહિલાની કાર ક્રેટા સાથે અથડાઈ હતી. ત્યારબાદ અન્ય વાહન આવી જતા ગજેન્દ્રસિંહ કાર લઇને ત્યાંથી નાસી ગયો હતો અને પાંચ કિલોમીટર આગળ કારને ઉભી રાખીને તે અન્ય કારમાં ફરાર થઇ ગયો હતો. અકસ્માતમાં ઇજા થતા મહિલાને સારવાર માટે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઇ જવામાં આવી હતી. જ્યાં તેની સારવાર ચાલી રહી હતી ત્યારે સસ્પેન્ડેડ પીએસઆઇ જી એસ ગોસ્વામી ક્રેટા કારના ચાલક સંજય ઝાલાને લઇને સારવાર માટે આવ્યા હતા. એટલું જ નહી તેણે મહિલા પર દબાણ ઉભું કરવા માટે સેક્ટર-7 પોલીસ સ્ટેશનના સ્ટાફને બોલાવીને ભયનો માહોલ ઉભો કર્યો હતો.
બીજી તરફ મહિલાએ સારવાર લીધા બાદ દહેગામ પોલીસ મથકે પહોંચીને ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, તેના ડ્રાઇવર સંજય ઝાલા, ધારાસભ્યની મદદ માટે આવેલા સસ્પેન્ડેડ પીઆઇ ગોસ્વામી અને વાસણા ચૌધરી ગામમાં આવેલા ફાર્મની માલિકી ધરાવતા વ્યક્તિ વિરૂદ્ધ ફરિયાદ આપી છે.
ગજેન્દ્રસિંહ પરમાર સામે શું કેસ છે?
પ્રાંતિજના ભાજપના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પર તેમના જ પક્ષની દલિત સમાજમાંથી આવતી મહિલા કાર્યકર પર દુષ્કર્મ કરવાનો આરોપ લાગેલો છે. મહિલા કાર્યકર સાથે ગાંધીનગર સેક્ટર-૨૧માં આવેલા સદસ્ય નિવાસમાં દુષ્કર્મ કરવાના મામલે ગત તા. ૧૯મી ઓક્ટોબર ૨૦૨૪ના રોજ હાઇકોર્ટના આદેશ બાદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં મહિલા દલિત સમાજમાંથી આવતી હોવાથી સમગ્ર કેસની તપાસ એસસીએસટી સેલના ડીવાયએસપીને સોંપાઇ હતી.
હાઈકોર્ટે શું કહ્યું હતું?
ગુજરાત હાઇકોર્ટે ફરિયાદ નોંધવાના આદેશની સાથે સ્પષ્ટ તાકીદ કરી હતી કે આ કેસના આરોપી ધારાસભ્ય છે. જેથી કેસમાં પોલીસ રાજકીય દબાણમાં આવ્યા વિના તટસ્થતાથી તપાસ કરે. પરંતુ ગુનો નોંધાયા બાદ ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર હજુ સુધી પોલીસના મત મુજબ ફરાર છે અને અનેક તપાસ કર્યા બાદ તેની કોઇ કડી મળી નથી. જે બાબતને પાંચ મહિના જેટલો સમય થઈ ગયો છે. ફરિયાદી દ્વારા અગાઉ બે વાર પોલીસને આક્ષેપિત ધારાસભ્યની હાજરી અંગે ચોક્કસ માહિતી આપવામાં આવી હતી. પરંતુ, ત્યારે પોલીસે કોઇ કામગીરી કરી નહોતી.
જોધપુર અને આબુમાં પણ ફરિયાદ નોંધાઈ છે
આમ, ગાંધીનગર પોલીસની નિષ્ક્રિયતા અંગે ગૃહવિભાગ, ડીજીપી અને મહિલા આયોગ સહિતમાં રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ, આ અંગે કોઇ કાર્યવાહી થઇ નહોતી. જેથી પિડીત મહિલાએ ગુજરાત હાઇકોર્ટમાં પોલીસ રાજકીય દબાણમાં આવીને કેસની તપાસ ન કરતી હોવાની અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર વિરૂદ્ધ ગાંધીનગર ઉપરાંત રાજસ્થાનમાં આબુરોડ અને જોધપુરમાં ફરિયાદ નોંધાઇ છે. જે કેસમાં પણ પોલીસની કામગીરી શંકાસ્પદ રહી છે.
આ પણ વાંચો: 24 દલિતોને ગોળી મારી દેનાર ત્રણેયને ફાંસીની સજા