વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં એક દલિત યુવતી સાથે એક પટેલ ડોક્ટરે લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યા બાદ તેને તરછોડી દેતા હોબાળો મચી ગયો છે. મૂળ દાહોદના વતની અને હાલ વડોદરાના તરસાલી વિસ્તારમાં પોતાનું ખાનગી ક્લિનિક ચલાવતા 32 વર્ષીય ડૉક્ટર વિકાસ પટેલે એક 28 વર્ષીય અનુસૂચિત જાતિની બ્યુટી પાર્લર સંચાલિકા યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી તેનું લાંબા સમય સુધી શારીરિક અને માનસિક શોષણ કર્યું હોવાની વિગતો બહાર આવી છે.
આ કમનસીબ ઘટનાનો પ્રારંભ ત્યારે થયો હતો જ્યારે યુવતીને અકસ્માતે વીજ કરંટ લાગ્યો હતો અને તે સારવાર મેળવવા માટે ડૉક્ટર વિકાસના ક્લિનિકે ગઈ હતી. સારવાર દરમિયાન ડૉક્ટરે યુવતીની લાચારીનો લાભ લઈ તેની સાથે નિકટતા કેળવી હતી અને ધીમે ધીમે આ પરિચયને પ્રેમ સંબંધનું રૂપ આપ્યું હતું. ડૉક્ટરે પોતે પત્નીથી છૂટાછેડા લીધેલા (ડાઈવોર્સી) હોવાનું જણાવી યુવતીને લગ્ન કરવાની પાકી ખાતરી આપી હતી, જેના કારણે યુવતી તેના પર આંધળો વિશ્વાસ કરવા લાગી હતી.

આ પણ વાંચો: પાટણના ચંદ્રુમાણામાં દલિતના વરઘોડા પર બુટલેગરનો તલવારથી હુમલો!
લગ્નની લાલચ આપી વારંવાર દુષ્કર્મ આચર્યું
યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, ડૉક્ટર વિકાસ પટેલે લગ્ન કરવાનું ખોટું વચન આપીને તેને વિશ્વાસમાં લીધી હતી. આ લાલચ આપીને તેણે યુવતીને વારંવાર પોતાના ઘરે બોલાવી હતી અને લગ્નની વાત પાકી હોવાનું કહી તેની મરજી વિરુદ્ધ અનેક વખત શારીરિક સંબંધો બાંધ્યા હતા. ડૉક્ટરે યુવતીની લાગણીઓ સાથે રમત રમીને તેને શારીરિક રીતે ભોગવી લીધી હતી. લાંબા સમય સુધી આ પ્રકારનું શોષણ ચાલુ રહ્યા બાદ, જ્યારે યુવતીએ સામાજિક રીતે લગ્ન કરવાની વાત આગળ ધપાવવા દબાણ કર્યું, ત્યારે ડૉક્ટરે અચાનક પોતાનું અસલી રૂપ બતાવ્યું હતું. ડૉક્ટર વિકાસે યુવતી સાથે લગ્ન કરવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો અને તેને તરછોડી દીધી હતી.
ડૉક્ટરના પરિવારે જાતિસૂચક અપશબ્દો કહી અપમાન કર્યું
આ મામલો ત્યારે વધુ વણસ્યો જ્યારે ડૉક્ટરના પરિવારને આ પ્રેમ સંબંધની જાણ થઈ હતી. ડૉક્ટરના પરિવારે યુવતીને સ્વીકારવાને બદલે તેની સાથે અત્યંત અમાનવીય વ્યવહાર કર્યો હતો. યુવતીના આક્ષેપ મુજબ, ડૉક્ટરના પરિવારે વિકાસના લગ્ન અન્ય કોઈ સ્થળે નક્કી કરી દીધા હતા, જેનો તેણે ઉગ્ર વિરોધ કર્યો હતો. આ વિરોધ કરવા બદલ ડૉક્ટરની બહેને યુવતીને ગાળો ભાંડી માર માર્યો હતો. સૌથી આઘાતજનક બાબત એ છે કે, ડૉક્ટરના માતા-પિતાએ યુવતીની જ્ઞાતિ વિશે અત્યંત તિરસ્કારપૂર્ણ અને જાતિવાચક અપમાનજનક ટીપ્પણીઓ કરી હતી. ‘અમારી જ્ઞાતિ ઊંચી છે અને તું નીચી જ્ઞાતિની છો, તારી સાથે લગ્ન ન થઈ શકે’ કહીને યુવતીને માનસિક રીતે તોડી પાડવામાં આવી હતી. જાતિવાદી માનસિકતાના આ વરવા પ્રદર્શન સામે છેવટે યુવતીએ ન્યાયની આશા સાથે પોલીસના દ્વાર ખખડાવ્યા હતા.
આ પણ વાંચો: કેરળમાં નોકરીના માત્ર 4 મહિનામાં દલિત પૂજારીએ રાજીનામું આપ્યું

એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ
પીડિત યુવતીએ આખરે હિંમત પૂર્વક ગોરવા પોલીસ સ્ટેશનમાં ડૉક્ટર વિકાસ પટેલ, તેની બહેન અને માતા-પિતા વિરુદ્ધ લેખિત ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલાની ગંભીરતા સમજીને તુરંત જ આઈપીસીની દુષ્કર્મની કલમો તેમજ એસસી એસટી (એટ્રોસિટી) એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. આ કેસની તપાસની સંવેદનશીલતા જોતા ઉચ્ચ પોલીસ અધિકારી એસસી-એસટી સેલના એસીપી સી.બી. સોલંકીને સમગ્ર તપાસ સોંપવામાં આવી છે. એસીપી સોલંકીએ મીડિયાને માહિતી આપી હતી કે, આરોપી ડૉક્ટર હાલ પોલીસ ધરપકડથી બચવા ફરાર થઈ ગયો છે, પરંતુ તેને ઝડપી લેવા માટે અલગ-અલગ ટીમો બનાવીને દરોડા પાડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો: સુરતના સ્વામીનારાયણ મંદિરમાંથી બે વિદ્યાર્થીનીઓના મૃતદેહ મળ્યાં











