રાજકોટમાં યોજાયેલા દલિત સ્વાભિમાન સંમેલનમાં ડો.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરે ગુજરાતને મનુવાદી સંગઠનોનો ગઢ ગણાવીને અહીંની જાતિવાદી વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા હતા. સાથે જ તેમણે ગુજરાત સરકાર પર સરકારી કંપનીઓ અદાણી-અંબાણીને સોંપી દઈ દલિતોના હક-અધિકારો છીનવી લેવાનો પણ આક્ષેપ કર્યો હતો.
મંગળવારે રાજકોટમાં દલિત સ્વાભિમાન સંમેલન યોજાયું હતું. જેમાં કોંગ્રેસ એસસી મોરચાના ચેરમેન રાજેન્દ્રપાલ ગૌતમ અને ડૉ.બાબાસાહેબ આંબેડકરના પૌત્ર ભીમરાવ યશવંતરાવ આંબેડકરની ઉપસ્થિતિમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. ડો. આંબેડકરનાં પૌત્રએ ગુજરાતને મનુવાદી સંગઠનનો ગઢ ગણાવી કર્યા પ્રહાર હતા. તેમણે સરકાર પર સરકારી કંપનીઓ અદાણી-અંબાણીને સોંપી દેવાનો આરોપ લગાવ્યો હતો.
ગુજરાત એટલે મનુવાદીઓનો ગઢઃ ભીમરાવ આંબેડકર
ભીમરાવ યશવંતરાવ આંબેડકરે કહ્યું કે, “ગુજરાત એટલે મનુવાદી સંગઠનોનો ગઢ. અહીંથી જે ષડયંત્રો શરૂ થાય છે તે આખા દેશમાં ફેલાય છે. આ ષડયંત્રનો ઉદ્દેશ્ય અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, આદિવાસી, બૌદ્ધ અને ઓબીસી લોકોને દબાવવાનો છે. હાલ સરકારી નોકરીઓ ખતમ થઈ રહી છે કારણ કે, સરકારી કંપનીઓ અંબાણી અને અદાણી જેવા ઉદ્યોગપતિઓને ખાનગીકરણ હેઠળ સોંપી દેવાઈ છે. જેના કારણે અનામત પણ આપોઆપ ખતમ થઈ રહી છે.”
“ગરીબના બાળકો ભણી ન શકે તે માટે સરકારી શાળાઓ બંધ કરાઈ”
આંબેડકરે વધુમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં જ્યાં મનુવાદી સંગઠનો મજબૂત થયા છે, ત્યાં આંબેડકરવાદીઓ તેનો વિરોધ કરશે, જેથી આ સંદેશ આખા દેશમાં ફેલાશે. તેમણે દેશમાં 2014થી શિક્ષણનું સ્તર ઘટવા પર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું કે, સરકારે જોઈ લીધું છે કે શિક્ષણ દ્વારા સમાજ આગળ વધી રહ્યો છે, તેથી સરકારી શાળાઓ બંધ કરાઈ રહી છે અને ખાનગી શાળાઓને પ્રોત્સાહન અપાય છે, જેની ફી ગરીબ માતાપિતા ભરી શકતા નથી. એ રીતે ગરીબના બાળકોને શિક્ષણથી વંચિત કરવામાં આવી રહ્યા છે.”
આ પણ વાંચો:અંગ્રેજી વિશે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર શું માનતા હતા?
“અંધવિશ્વાસ અને પાખંડવાદથી દૂર રહો, બૌદ્ધ ધર્મ તરફ દ્રષ્ટિ કરો”
ભીમરાવ આંબેડકરે વધુમાં કહ્યું કે, “ગુજરાતમાં પરિવર્તન આવી રહ્યું છે અને ગુજરાતના લોકો બાબા સાહેબના વિચારોને અનુસરી રહ્યા છે. અમદાવાદમાં 14 એપ્રિલના રોજ બાબાસાહેબની 25 ફૂટ ઊંચી પ્રતિમાના ઉદ્ઘાટનનો ઉલ્લેખ કર્યો, જ્યાં 30-35,000 લોકો એકત્ર થયા હતા. જે દર્શાવે છે કે, હવે લોકો બાબા સાહેબના વિચારોને અપનાવી રહ્યા છે. બાબાસાહેબ સહિતનાં મહાપુરુષોની વિચારધારા જ લોકોને બચાવી શકે છે ત્યારે અંધવિશ્વાસ અને પાખંડવાદથી દૂર રહીને વૈજ્ઞાનિક બૌદ્ધ ધર્મ તરફ આગળ વધવું જોઈએ.”
બાબાસાહેબની પ્રતિમા ગુમ કરનારા પકડાયા નથીઃ સિદ્ધાર્થ પરમાર
પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ પરમારે દલિતોને મળેલી જમીન સરકાર દ્વારા છીનવીને ભૂમાફિયાઓને આપવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો હતો અને જવાબદાર સામે FIR નોંધવાની માંગ કરી હતી. તેમણે PPP યોજનામાં થયેલા કૌભાંડની તપાસ, બાબા આંબેડકરની પ્રતિમા ગુમ કરનાર સામે ચાલતી તપાસમાં અનુસૂચિત જાતિના કોર્પોરેટરનો સમાવેશ, કોર્પોરેશનમાં ફુલ ટાઈમ સફાઈ કર્મચારીઓની ભરતી અને ડો. બાબા સાહેબના તૈલચિત્ર મૂકવાના ઠરાવનો અમલ જેવા મુદ્દાઓ પણ રજૂ કર્યા હતા.
સરકારી સ્કૂલો બંધ કરી, ખાનગી શિક્ષણ મોંઘું કર્યુંઃ રાજેન્દ્રપાલ ગૌતમ
કોંગ્રેસ એસસી વિભાગના અધ્યક્ષ રાજેન્દ્રપાલ ગૌતમે જણાવ્યું હતું કે, “અંગ્રેજોના શાસનમાં શિક્ષણ અને નોકરીની જોગવાઈ હતી અને આઝાદી પછી સરકારે દલિતો સહિત તમામ વર્ગને મફત શિક્ષણ અને નોકરીની જોગવાઈ કરી હતી. પરંતુ, હવે સરકારે મફત શિક્ષણ છીનવી લીધું છે, જેના કારણે બેરોજગારી વધી છે. તેમણે જણાવ્યું કે, સરકારી સ્કૂલો બંધ કરીને ખાનગી સ્કૂલોને પ્રોત્સાહન અપાતાં શિક્ષણ મોંઘુ થયું છે, જેના લીધે ઉચ્ચ ડિગ્રી મેળવવા માટે લાખોનો ખર્ચ થાય છે.”
18મી એપ્રિલ 2026એ SC,ST, OBC મહાપંચાયત યોજાશે
રાજેન્દ્રપાલ ગૌતમે વધુમાં જણાવ્યું કે, દલિતોને મળેલી જમીનો સરકાર ઉદ્યોગપતિઓને આપી રહી છે. રાજકોટનાં પ્રેમ મંદિર પાસે કાલાવડ રોડ નજીક બાબા સાહેબની 50 વર્ષ જૂની પ્રતિમા હટાવી ત્યાં ગેરકાયદે ઝૂંપડા છે એવું બહાનું આપીને PPP યોજના મૂકી દેવામાં આવી છે. તેમણે આ મામલે વિજિલન્સ તપાસની માંગણી પણ કરી હતી.
તેમણે કહ્યું કે, PPP કમિટીમાં કોઈ વ્યક્તિ અનુસૂચિત જાતિ કે અનુસૂચિત જનજાતિ સમાજનો નથી. આ મુદ્દે આગામી તા.18 એપ્રિલ, 2026ના રોજ એસસી, એસટી અને ઓબીસી વર્ગના રાષ્ટ્રીય નેતાઓની ઉપસ્થિતિમાં મહાપંચાયત યોજાશે. આગામી એપ્રિલ સુધી સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં રેલી અને સભાઓ દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે.
આ પણ વાંચો: જ્યારે રાજ કપૂરે કહ્યું, ‘ડો.આંબેડકર મારા પ્રેરણાસ્ત્રોત છે’










