ઉના: ગુજરાત અત્યારે જાણે ‘નકલી’ ઓ માટે સ્વર્ગ બની ગયું હોય તેવી સ્થિતિ છે. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં નકલી પોલીસ, નકલી આઈએએસ-આઈપીએસ, નકલી પી.એ., નકલી જજ અને નકલી સરકારી કચેરીઓ પકડાઈ ચૂકી છે. હજુ આ શરમજનક ઘટનાઓની શાહી સુકાઈ નથી ત્યાં ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ભાચા ગામેથી એક નકલી B.Ed કોલેજ ઝડપાતા સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. શિક્ષણના ક્ષેત્રમાં પણ હવે ઠગબાજોએ પગપેસારો કરી વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં શરૂ કર્યા છે.
મામલો શું છે?

મળતી વિગતો અનુસાર, ઉના પંથકના ભાચા ગામમાં આવેલી ‘વનિતાબેન બચુભાઈ નાંડોળા B.Ed કોલેજ’ છેલ્લા બે વર્ષથી NCTE (નેશનલ કાઉન્સિલ ફોર ટીચર એજ્યુકેશન) ની કોઈપણ પ્રકારની કાયદેસરની મંજૂરી વગર ધમધમી રહી હતી. આ કૌભાંડનો જે રીતે ઘટસ્ફોટ થયો છે તે જાણીને કોઈપણ ચોંકી જશે. આ કોલેજના જવાબદારોએ NCTEના નામે એક આખેઆખો બોગસ મંજૂરીપત્ર તૈયાર કર્યો હતો. આ નકલી દસ્તાવેજને આધારે ગાંધીનગર ઉચ્ચ શિક્ષણ વિભાગ અને જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીને અંધારામાં રાખી મંજૂરી મેળવી લેવામાં આવી હતી. યુનિવર્સિટીએ પણ પૂરતી ખરાઈ કર્યા વગર જ આ કોલેજને વિદ્યાર્થીઓની ફાળવણી કરી દીધી હતી, જે તંત્રની ગંભીર લાપરવાહી સૂચવે છે.
આ પણ વાંચો: બોલો લો! ગોંડલમાં નકલી તાલુકા પંચાયત કચેરી ઝડપાઈ!

આરટીઆઈમાં ભાંડો ફૂટ્યો
સોરઠ પંથકમાં બીએડ કોલેજોમાં ચાલતી ગેરરીતિઓ અંગે લાંબા સમયથી વિવાદો ચાલી રહ્યા હતા. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં ઉપકુલપતિ બદલાતા જ શંકાસ્પદ કોલેજો સામે તપાસનો ગાળિયો કસાયો હતો. આ દરમિયાન એક જાગૃત અરજદારે RTI (માહિતી અધિકાર) અંતર્ગત NCTE પાસે આ કોલેજની માન્યતા અંગે વિગતો માંગી હતી. NCTE એ આંચકાજનક સ્પષ્ટતા કરી છે કે, તેઓએ તા. 05-06-2013 કે તા. 25-07-2025 ના રોજ આવો કોઈ મંજૂરીપત્ર જારી કર્યો નથી કે આવી કોઈ કોલેજને માન્યતા આપી નથી. આમ, જે પત્રના જોરે બે વર્ષથી કોલેજ ચાલતી હતી તે સંપૂર્ણપણે નકલી અને બનાવટી સાબિત થયો છે.
વિદ્યાર્થીઓના ભવિષ્ય પર લટકતી તલવાર
સૌથી ગંભીર બાબત એ છે કે, વર્ષ 2023-24 અને 2024-25 ના શૈક્ષણિક સત્રમાં અનેક નિર્દોષ વિદ્યાર્થીઓએ આ વી.બી. નાંડોળા કોલેજમાં પ્રવેશ મેળવી અભ્યાસ કર્યો છે. આ કોલેજ પાસે માન્યતા ન હોવા છતાં, ગત વર્ષે યુનિવર્સિટી દ્વારા આ કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી હતી અને પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને ડિગ્રી પણ એનાયત કરી દેવામાં આવી હતી! હવે જ્યારે કોલેજ જ નકલી સાબિત થઈ છે, ત્યારે વિદ્યાર્થીઓની આખી ડિગ્રી અને તેમની વર્ષોની મહેનત કાયદેસર રીતે શૂન્ય ગણાશે. વાલીઓમાં ચિંતા અને આક્રોશની લાગણી પ્રસરી છે કે તેમના સંતાનોનું ભવિષ્ય હવે કયા મોરચે જશે?
આ પણ વાંચો: નકલી ST સર્ટિ પર ACP બની ગયેલા બી.એમ.ચૌધરી ભૂગર્ભમાં ઉતરી ગયા
કૌભાંડીઓ સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી
આ સમગ્ર પ્રકરણમાં માત્ર કોલેજ સંચાલકો જ નહીં, પરંતુ શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટીના કયા મોટા માથાઓની સંડોવણી છે તેની ઉંડી તપાસ થવી જરૂરી છે. નકલી ડોક્યુમેન્ટ ઉભા કરવા, સરકાર સાથે છેતરપિંડી કરવી અને સેંકડો વિદ્યાર્થીઓના ભવિષ્યને દાવ પર લગાડવા બદલ જવાબદારો સામે ફોજદારી ગુનો નોંધી જેલભેગા કરવાની માંગ પ્રબળ બની છે. હવે જોવાનું એ રહેશે કે યુનિવર્સિટીના સત્તાધીશો આ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવાની હિંમત બતાવે છે કે પછી અગાઉની જેમ જ મામલો થાળે પાડવાના પ્રયાસો થશે. ગુજરાતમાં એક પછી એક બહાર આવતા આ નકલી કૌભાંડો સાબિત કરે છે કે કાયદાનો ડર હવે ઓસરી રહ્યો છે.
આ પણ વાંચો: કલેક્ટર-DDO એ નકલી કામ બતાવી રાષ્ટ્રપતિ પુરસ્કાર મેળવ્યો!










