દલિત જમાઈને બ્રાહ્મણ સસરાએ કોલેજમાં ઘૂસીને ગોળી મારી દીધી?

દલિત યુવકે બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે યુવતીના પરિવારને પસંદ નહોતું. તેથી યુવતીના પિતાએ કોલેજમાં ઘૂસી ગોળી મારી દીધી.
dalit news

ત્રણ દિવસ પહેલા તમિલનાડુમાં સેલ્વા ગણેશન નામના દલિત યુવકની તેના સાળાએ દાતરડું મારીને કરેલી હત્યાએ દેશભરમાં ચકચાર મચાવી દીધી હતી. આ ઘટનાને લોકો હજુ ભૂલ્યા નથી ત્યાં વધુ એક ઓનર કિલીંગની ભયાનક ઘટના સામે આવી છે. જેમાં એક દલિત જમાઈને બ્રાહ્મણ સસરાએ કોલેજ કેમ્પસમાં ઘૂસીને જાહેરમાં ગોળી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો. દલિત યુવકે તેની સાથે ભણતી બ્રાહ્મણ જાતિની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જે યુવતીના પરિવારજનોને ગમ્યું નહોતું. યુવતીનો પરિવાર આ મામલે ભારે ગુસ્સે ભરાયો હતો. યુવક બીએસસી નર્સિંગનો અભ્યાસ કરતો હોવાથી કોલેજ આવતો હતો. યુવતીના પિતા મોકો જોઈને કોલેજ કેમ્પસમાં ધસી આવ્યા હતા અને સીધી જ યુવકને ગોળી મારી દીધી હતી. એ પછી દલિત યુવકનું તેની પત્નીના ખોળામાં જ મોત થઈ ગયું હતું.

બિહારના દરભંગાની ઘટના

ઘટના બિહારના દરભંગાની છે. આંતરજાતિય પ્રેમ લગ્નથી ગુસ્સે ભરાયેલા એક બ્રાહ્મણ પિતાએ પોતાના દલિત જમાઈની ધોળા દિવસે ગોળી મારી હત્યા કરી નાખી. ઘટના બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી છે. ઘટના બાદ સ્થળ પર હાજર લોકોએ આરોપી સસરાને પકડી લીધો હતો અને બરાબરની ધોલાઈ કરી હતી. મૃતકની ઓળખ રાહુલ કુમાર તરીકે થઈ છે, જે સુપૌલ જિલ્લાના પિપરાનો રહેવાસી હતો અને બીએસસી નર્સિંગનો વિદ્યાર્થી હતો. ઘટના સમયે તે દરભંગા મેડિકલ કોલેજ કેમ્પસ (DMCH) માં હાજર હતો. દરમિયાન, તેના સસરા ત્યાં ધસી આવ્યા હતા અને તેને ગોળી મારી દીધી હતી.

કાળા કપડાં અને માસ્ક પહેરી હુમલો કર્યો

ઘટના મંગળવારે બપોરે બની હતી. આરોપી સસરો દરભંગાના ડીએમસીએચના હોસ્ટેલના કેમ્પસમાં કાળા કપડા અને માસ્ક પહેરીને ઘૂસી આવ્યો હતો. એ પછી તેણે રાહુલ પાસે જઈને ગોળી મારી દીધી હતી. આ ઘટના બાદ કેમ્પસમાં હોબાળો મચી ગયો હતો. બધા વિદ્યાર્થીઓ પોતાનો જીવ બચાવવા માટે દોડવા લાગ્યા હતા. આરોપી પણ દોડવા લાગ્યો, પરંતુ તે દરમિયાન હોસ્ટેલમાં હાજર વિદ્યાર્થીઓએ તેને ઘેરી લીધો. પહેલા તેમણે આરોપી સસરા પાસેથી બંદૂક છીનવી લીધી અને પછી તેની બરાબરની ધોલાઈ કરી.

આ પણ વાંચો: ક્રિકેટમાં રૂ. 50 હારી જતા 7 યુવકોએ દલિત વિદ્યાર્થી સાથે દુષ્કર્મ કર્યું

સસરાએ જમાઈની હત્યા કરી

હત્યારાનું નામ પ્રેમશંકર ઝા છે અને તે 45 વર્ષનો છે. તે સહરસા જિલ્લાના બણગાવ પોલીસ સ્ટેશન વિસ્તારનો રહેવાસી છે. મૃતક રાહુલનું પ્રેમ શંકરની પુત્રી તનુ પ્રિયા સાથે અફેર હતું. બંનેએ એપ્રિલ 2025માં પ્રેમ લગ્ન કર્યા હતા. આ કારણે પ્રેમશંકર ગુસ્સે ભરાયો હતો અને આ ગુસ્સામાં તેણે પોતાના જમાઈની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. મૃતક રાહુલની પત્ની તનુ પ્રિયા પણ નર્સિંગની વિદ્યાર્થીની છે, તે પણ ઘટના સમયે હોસ્ટેલ પરિસરમાં હાજર હતી.

મૃતકની પત્ની તનુએ શું કહ્યું?

મૃતક દલિત યુવક રાહુલની પત્ની તનુ પ્રિયાએ જણાવ્યું હતું કે રાહુલ બાઇક પાસે ઉભો હતો. એ દરમિયાન મારા પિતા કાળું માસ્ક પહેરીને આવ્યા અને મારા પતિને ગોળી મારી દીધી. રાહુલ દોડતો દોડતો મારી પાસે આવ્યો અને મારા ખોળામાં પડી ગયો અને તેનું મોત થઈ ગયું. ઘટના પછી, મેં મારા પરિવારને ફોન કર્યો અને મદદ માંગી, પરંતુ કોઈએ મદદ કરી નહીં. ઘટનાની જાણ થતાં જ બેંતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ. એ દરમિયાન વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો.

આરોપી સસરો ગંભીર રીતે ઘાયલ

પોલીસે રાહુલના મૃતદેહનો કબ્જો મેળવી લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધો હતો. ઉપરાંત, ગંભીર રીતે ઘાયલ આરોપી સસરાને તાત્કાલિક પટનાના પીએમસીએચ રિફર કરવામાં આવ્યો છે. આરોપીને માર મારવામાં આવતો હોવાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં વિદ્યાર્થીઓ તેને રસ્તા પર ફેંકીને ક્રૂરતાથી માર મારતા જોવા મળે છે.

ઓનર કિલીંગની ઘટનાઓ ક્યારે અટકશે?

ઉલ્લેખનીય છે કે, જાતિવાદથી ખદબદતા આપણા દેશમાં આજે પણ મનુવાદી તત્વો આંતરજાતિય પ્રેમલગ્નોને સ્વીકારી શકતા નથી. એકબાજુ દેશનું બંધારણ પુખ્ત વયના નાગરિકને પોતાની મરજી મુજબ લગ્ન કરવાની આઝાદી આપે છે. પરંતુ મનુવાદી તાકાતો જાતિના વાડાને તોડવા દેવા માંગતી નથી. આમાં ઉપરથી લઈને નીચે સુધી આખી સિસ્ટમ એકસરખી રીતે કામ કરતી હોવાથી મૃતકના પરિવારજનોને ન્યાય મળતો નથી. એવામાં ઓનર કિલીંગ ક્યારે અટકશે તે સવાલ છે.

તમિલનાડુમાં દલિત યુવકની સાળાએ હત્યા કરી હતી

થોડા દિવસ પહેલા તમિલનાડુમાં સેલ્વા ગણેશન નામના એક સોફ્ટવેર એન્જિનીયર દલિત યુવકની તેની સવર્ણ પત્નીના ભાઈએ દાતરડાથી હત્યા કરી નાખી હતી. યુવક મહિને રૂ. 2 લાખ પગાર ધરાવતો હતો, બધી રીતે હોંશિયાર હતો. છતાં તેની દલિત જાતિના કારણે યુવતીના ભાઈએ તેની હત્યા કરી નાખી હતી. યુવતીનો પરિવાર પોલીસમાં હોવાથી ભારે વગ ધરાવે છે. આથી યુવકના પરિવારજનોને ન્યાય મળે તેવી શક્યતા ધૂંધળી બની ગઈ છે. આ ઘટનામાં પણ યુવતીના પિતા સવર્ણ બ્રાહ્મણ જાતિના હોવાથી અને મૃત યુવક દલિત હોવાથી ન્યાય મળશે કે કેમ તે સવાલ છે.

આ પણ વાંચો: ‘સૈરાટ’ ફિલ્મ જેવી ઘટનાઃ મુસ્લિમ પ્રેમિકાની હત્યા, દલિત પ્રેમી ગુમ 

4.5 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમજીભાઈ
પ્રેમજીભાઈ
1 month ago

અરબાઝ ખાન, શાહરૂખ ખાન,આમીર ખાન, અઝહરુદ્દીન તથા મોહસીન અખ્તર મીર જેવા અસંખ્ય મુસ્લિમ લોકો ને બ્રાહ્મણો રાજીખુશીથી જમાઈ બનાવી રહ્યા છે…

શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x