ગુજરાતમાં રોડ રસ્તાના કામમાં ધૂમ ભ્રષ્ટાચાર(corruption in road) થાય છે. 1 રૂપિયામાં ફક્ત 30 પૈસાનું કામ થાય છે. – આ આક્ષેપો કોઈ વિપક્ષી નેતાએ નહીં પરંતુ ભાજપના જ પૂર્વ સાંસદ નારણ કાછડિયા(Former BJP MP Naran Kachhadiya)એ કર્યા છે. કાછડિયાએ સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે, ‘એક રૂપિયાનો ખર્ચ દેખાડાય છે પણ કામ તો માત્ર 30 પૈસાનું જ થાય છે. આ પરથી કેટલી હદે ખાયકી કરવામાં આવી રહી છે તેનો અંદાજ આવી શકે તેમ છે.’
અમરેલીથી સુરત જવામાં 18 કલાક થાય છેઃ કાછડિયા
અમરેલીના પૂર્વ સાંસદ નારણ કાછડિયાએ ફરી એક વાર સરકાર સામે મોરચો માંડ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે, રાજ્યમાં રોડ રસ્તા બનાવવામાં વ્યાપકપણે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો છે. ભ્રષ્ટ રાજકારણીઓ અને કોન્ટ્રાકટરોની મીલીભગતને લીધે આ સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં રસ્તાની એવી દુર્દશા થઈ છે કે, લોકો રેલવેની મુસાફરી કરવા મજબૂર થયાં છે. તેમણે ઉદાહરણ ટાંક્યું કે, અમરેલીથી સુરત જવું હોય તો 18 કલાક થાય છે.
આ પણ વાંચો: ઓનલાઇન મની ગેમિંગ બિલ કાયદો બન્યું, રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
ભાજપના નેતાઓ જ ભ્રષ્ટાચારની પોલ ખોલવા લાગ્યા
અત્યાર સુધી ભાજપના નેતાઓએ કોંગ્રેસ પર આક્ષેપ કરતાં હતાં કે, કેન્દ્રમાં 1 રૂપિયો મોકલાય તો અરજદારને 20 પૈસા જ મળે છે. હવે ઘડિયાળના કાંટા ઉંધા ફર્યાં છે. ભાજપના સાંસદ ખુલ્લેઆમ કહેતાં થયાં છે કે, રોડ રસ્તા માટે એક રૂપિયો ખર્ચ દેખાડાય છે પણ વાસ્તવમાં 30 પૈસાનું જ કામ થાય છે. એટલે કે, 70 પૈસાની ખાયકી થઈ રહી છે. આમ, ભાજપના પૂર્વ સાંસદે ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની પોલ ખુલ્લી પાડતા ચર્ચાનો વિષય બન્યો છે.
ચોમાસાએ રસ્તાની પોલ ખોલી નાખી
ભારે વરસાદને કારણે આખાય રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં રોડ રસ્તા ધોવાયા છે. રસ્તામાં ખાડા પડી જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. એકથી બીજા સ્થળે જતાં આંખે પાણી આવે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયુ છે. આ વખતે પણ ચોમાસાએ રસ્તાની કેટલી મજબૂતાઈ છે તેની પોલ ઉઘાડી કરી દીધી છે. અત્યારે ખાડાખૈયાવાળા રોડને લીધે જ સરકાર પર માછલાં ધોવાઈ રહ્યાં છે. આ કારણોસર સમારકામનો દેખાડો કરીને પ્રજાનો રોષ ઠારવા સરકારે ધમપછાડાં કર્યાં છે.
આ પણ વાંચો: મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા દલિત યુવકની ટોળાએ હત્યા કરી











Users Today : 1737