ભારતમાં જાતિવાદી તત્વો કઈ હદે દલિતો, આદિવાસીઓની જમીનો પર ગેરકાયદે કબ્જો જમાવીને દાદાગીરી કરે છે, તેનો એક ચોંકાવનારો કિસ્સો રાજસ્થાનના મુખ્ય સચિવ રહી ચૂકેલા નિરંજન આર્યે કહ્યો છે. આર્યએ એક જાહેર કાર્યક્રમમાં પોતાના ભાષણમાં કહ્યું કે, “મારા દાદાની જમીન પર વર્ષોથી સવર્ણોએ કબ્જો જમાવી રાખ્યો છે. હું રાજસ્થાનનો મુખ્ય સચિવ રહી ચૂક્યો છું. છતાં એ જમીન સવર્ણોના કબ્જામાંથી છોડાવી શક્યો નથી.”
ભૂતપૂર્વ મુખ્ય સચિવ (former cs) નિરંજન આર્ય(niranjan arya)એ દલિતો(Dalit) સામેના ભેદભાવ(discrimination) અને તેમની જમીન પરના માથાભારે સવર્ણ જાતિઓના દબાણનો મુદ્દો ઉઠાવતા કહ્યું, “એકતા ફક્ત ભાષણો અને પુસ્તકોમાં જ દેખાય છે. આ ભેદભાવ કાર્યસ્થળ પર પણ જોઈ શકાય છે. કોને કઈ ફાઇલ આપવામાં આવશે, કઈ સીટ પર કોણ બેસશે, કોને ક્યુ પદ મળશે, ક્યા ઈન્ટરવ્યૂમાં કોણ બેસશે – આ બધી બાબતોમાં ભેદભાવ રાખવામાં આવે છે.”
નિરંજન આર્યએ 21 સપ્ટેમ્બર 2025ના રોજ જયપુરમાં અનુસૂચિત જાતિ કર્મચારી સંઘના સંમેલનમાં આ નિવેદન આપ્યું હતું. આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ચર્ચા જગાવી છે. ભૂતપૂર્વ મુખ્ય સચિવે કહ્યું, “મારું ગામ રાસ પાલી જિલ્લામાં આવેલું છે. ત્યાં મારા દાદાની જમીન પર છેલ્લાં 40 વર્ષથી સવર્ણ જાતિના લોકોએ ગેરકાયદે કબ્જો જમાવી રાખ્યો છે. હું છેલ્લા એક વર્ષથી પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ આ દબાણ ખાલી કરવામાં આવ્યું નથી.મેં IAS અધિકારી અને મુખ્ય સચિવ તરીકે સેવા આપ્યા પછી આ બન્યું છે.”
આ પણ વાંચો: વોટ ચોરીમાં દલિત-OBC મતોને ટાર્ગેટ કરાય છેઃ Rahul Gandhi
જમીન પર સવર્ણોએ કબ્જો કર્યો, છોડાવી શકતો નથી
ભૂતપૂર્વ મુખ્ય સચિવ નિરંજન આર્ય પોતે દલિત સમાજમાંથી આવે છે. આર્યએ અર્જક પરિષદમાં કહ્યું, “હું તાજેતરમાં મારા ગામમાં ગયો હતો અને કોઈએ કહ્યું, ‘આ જમીન તમારી છે.’ મેં પૂછ્યું, ‘તે મારી કેવી રીતે હોઈ શકે?’ તેમણે મને કહ્યું, ‘આ લોકો તમારા દાદાના સમયથી આ જમીન પર કબજો જમાવીને બેઠા છે. તેમણે 50-100 રૂપિયા ઉધાર લીધા હશે.’ મારા દાદાની જમીન હજુ પણ તેમના કબજામાં છે. મેં પાંચ જિલ્લામાં કલેક્ટર તરીકે સેવા આપી હતી, પરંતુ આ મુદ્દો ક્યારેય મારા ધ્યાનમાં આવ્યો નથી.”
અમારો સમાજ ફક્ત મજૂર બનીને રહી ગયોઃ નિરંજન આર્ય
નિરંજન આર્યએ કહ્યું, “અમને કહેવામાં આવે છે કે, તમારું કામ સફાઈનું છે, તો પછી મ્યુનિસિપલ કોર્પોરેશન સવર્ણોની માલિકીની ખાનગી કંપનીઓને સફાઈનો કોન્ટ્રાક્ટ કેમ આપી રહ્યું છે? અમારા લોકો સફાઈ કરી રહ્યા છે, પરંતુ માલિક કોઈ બીજું છે. અમારી પાસે પૈસા અને ઉદ્યોગસાહસિકતાનો અભાવ છે. અન્ય લોકોએ અમારા વ્યવસાયો પર કબજો જમાવી દીધો છે, અને અમે ફક્ત મજૂર બની ગયા છીએ.”
એ પછી વકીલના વર્તનમાં ફરક આવી ગયો
નિરંજન આર્યએ એક અનુભવ શેર કરતા કહ્યું, “મુખ્ય સચિવ તરીકે નિવૃત્ત થયા પછી હું એક કેસને લઈને એક વકીલ પાસે ગયો હતો. વકીલ કથિત સવર્ણ જાતિનો હતો. પહેલા દિવસે જ્યારે હું તેને ત્યાં ગયો તો તેણે મને ચા પીવડાવી, નાસ્તો અને બિસ્કિટ સાથે મારી મહેમાનગતિ કરી. મને મૂકવા માટે ઓફિસની બહાર સુધી આવ્યો. પરંતુ બીજી વાર જ્યારે હું તેને મળવા ગયો તો તેણે આડકતરી રીતે મને પૂછ્યું, “આઈએએસમાં તમારો રેન્ક શું હતો?” મેં જવાબ આપ્યો, “તેનો મારા કેસ સાથે શું સંબંધ છે? હું નિવૃત્ત છું.”
આ પણ વાંચો: ઐતિહાસિક ક્ષણ! સુરતમાં ડો.આંબેડકરની અસ્થિ કળશયાત્રા યોજાશે
હું ડો.આંબેડકરને કારણે આઈએએસ બની શક્યોઃ આર્ય
છતાં, મેં કહ્યું, “હું તમારી ગેરસમજ દૂર કરી દઉં છું. મને 380મો રેન્ક મળ્યો હતો. હું ડૉ.આંબેડકરને કારણે આઈએએસ બની શક્યો.” એ પછી વકીલનું વર્તન સાવ બદલાઈ ગયું. જ્યારે હું તેની ઓફિસમાંથી બહાર નીકળ્યો, તો અગાઉની જેમ તે મને મૂકવા માટે બહાર ન આવ્યા.”
આર્યના નિવેદન મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચા જામી
ભૂતપૂર્વ મુખ્ય સચિવ નિરંજન આર્યના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી છે. તેમના નિવેદનની તરફેણ અને વિરોધમાં યૂઝર્સ દલીલો કરી રહ્યાં છે. કેટલાક યૂઝર્સ મુખ્ય સચિવ રહેવા છતાં પોતાની જમીન પરનો કબ્જો છોડાવી ન શક્યા તેને લઈને સવાલો ઉઠાવી રહ્યાં છે. કેટલાક લોકો તેને જાતિ ભેદભાવ સાથે જોડી રહ્યા છે. આ ઘટનામાં તથ્ય ગમે તે હોય, પરંતુ એ તો ચોક્કસ કહી શકાય કે, દલિત સમાજની વ્યક્તિ ગમે તેટલા ઉચ્ચ હોદ્દા પર પહોંચી જાય તો પણ જાતિવાદ તેનો પીછો છોડતો નથી.
આ પણ વાંચો: કહેવાતી ‘સંસ્કારી નગરી’એ જ્યારે ડો.આંબેડકરને ચોધાર આંસુએ રડાવ્યા..













Users Today : 1736
Jativad murdabad