ઉત્તરપ્રદેશના પ્રતાપગઢમાંથી એક દર્દનાક સમાચાર આવ્યા છે. અહીં બે દલિત પરિવારની ચાર બહેનોના નદીમાં ડૂબી જવાથી મોત થઈ ગયા છે. સ્વાતિ, સંધ્યા, ચાંદની અને પ્રિયાંશીની ઉંમર અનુક્રમે 13, 11, 6 અને 7 વર્ષ હતી. ચારેય બાળકીઓ ઘરમાં લીંપણ કરવાનું હોવાથી નદી કાંઠે માટી લેવા માટે ગઈ હતી. પરંતુ વરસાદના કારણે કાંઠો લપસણો હોવાથી ચારેય એક પછી એક નદીમાં ગરકાવ થઈ હતી. આ ઘટનાને લઈને સમગ્ર પ્રતાપગઢ જિલ્લામાં સોંપો પડી ગયો છે. દલિત પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને સૌ કોઈ દુ:ખી હૃદયે માસુમ દીકરીઓને યાદ કરીને રડી રહ્યું છે.
નદીના લપસણા કિનારાએ દીકરીઓનો ભોગ લીધો
ઘટના ચેતીસિંહના પુરવા ગામની છે. ગઈકાલે સવારે ૧૦ વાગ્યા આસપાસ જીતલાલની ત્રણ પુત્રીઓ સ્વાતિ (૧૩), સંધ્યા (૧૧) અને ચાંદની (૬) તેમના પડોશી પૃથ્વીપાલની પુત્રી પ્રિયાંશી (૭) સાથે નદી કિનારે માટી લેવા ગઈ હતી. વરસાદને કારણે નદીનો કિનારો ખૂબ લપસણો હતો. જેના કારણે ચારેય લપસીને ઊંડા પાણીમાં ડૂબવા લાગી હતી. ચારેયને ડૂબતી જોઈને તેમની સાથે આવેલી બીજી એક છોકરીએ રાડો પાડતા ગામલોકો દોડી આવ્યા હતા અને જેમતેમ ચારેય બાળકીઓને બહાર કાઢી હતી. પરંતુ ત્યાં સુધીમાં ચારેયનું મોત થઈ ચૂક્યું હતું.
આ પણ વાંચો: GPSCના ઇન્ટરવ્યુમાં SC-ST-OBC યુવકોને અન્યાય
કલેક્ટર, એસપી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
ઘટનાની માહિતી મળતા જ મહેશગંજ અને કુંડા પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ. થોડા સમય પછી ડીએમ-એસડીએમ અને એરિયા ઓફિસર કરિશ્મા ગુપ્તા પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. નાયબ મામલતદાર અજય સિંહ પણ મહેસૂલ વિભાગની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘટના સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.
કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને એસડીએમ નદી કાંઠે ગયા હતા અને જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યાં નદીની ઊંડાઈ પણ માપવામાં આવી હતી, જે લગભગ 15 ફૂટ છે. પોલીસે બાળકીઓના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે. એએસપી વેસ્ટર્ન સંજય રાયે જણાવ્યું હતું કે ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.
ગામલોકોએ ભૂમાફિયાઓ પર આરોપ લગાવ્યા
આ તરફ ગામલોકોનો આરોપ છે કે કેટલાક લોકો દ્વારા નદીની માટી જેસીબીથી ખોદીને વેચવામાં આવે છે. જેના કારણે નદીમાં ઊંડા ખાડા પડી ગયા હતા અને આ ખાડાઓને કારણે બાળકીઓ ઊંડા પાણીમાં ગઈ અને મોતને ભેટી. સ્થાનિકોએ વહીવટીતંત્રને આ બેદરકારી બદલ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગામલોકોનું કહેવું છે કે જો નદીનું ખોદકામ નિયંત્રિત અને સલામત રીતે કરવામાં આવ્યું હોત તો આ અકસ્માત ટાળી શકાયો હોત.
આ પણ વાંચો: ઝૂંપડપટ્ટીની સરકારી સ્કૂલમાં ભણેલો દલિત છોકરો દેશનો CJI બન્યો