પાલીતાણાના ભાદાવાદ ગામે મોડી રાત્રે ગામના મંદિરની બહાર બેઠેલા બે દલિત યુવકોને મંદિરે બેસવાની ના પાડી 4 શખ્સોએ જાતિસૂચક અપશબ્દો બોલી હડધૂત કરીને રસ્તા પર દોડાવી દોડાવીને માર માર્યો હતો. આરોપીઓ ઘાતક હથિયારો લઈ પાછળ દોડ્યા હતા અને બંનેને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ હુમલામાં એક દલિત યુવકના પિતા પોતાના પુત્રને બચાવવા વચ્ચે પડતા આરોપીઓએ તેમને પણ ઢોર માર માર્યો હતો અને તેમને પણ ગંભીર ઈજા પહોંચાડી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ હતી. નાનકડા ગામમાં દલિત સમાજના ટોળેટોળાં ઉમટી પડ્યા હતા. પાલીતાણા રૂરલ પોલીસે ઘટના સ્થળે પહોંચીને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી.
આ ઘટનાની મળતી વિગતો મુજબ, પાલિતાણાના ભાદાવાવ ગામે રહેતા દલીત જયંતિભાઈ જેરામભાઈ મકવાણાના પુત્ર સંજયભાઈ અને તેમનો મિત્ર રોહિત ગામમાં આવેલા શિતળા માતાજીના મંદિરે બેઠા હતા.
આ પણ વાંચો: રાજસ્થાન યુનિ.એ જ્યોતિબા ફૂલેનું પ્રકરણ કેમ હટાવ્યું?
એ દરમિયાન ત્યાં વિક્રમ ભુપતભાઇ વાળા, વનરાજ ભુપતભાઇ વાળા, નનુ કરશનભાઇ વાળા અને વિપુલ ઘુઘાભાઇ વાળા ત્યાં આવી પહોંચ્યા હતા અને તેમની પાસે આવીને મંદિરે બેસવાની ના પાડી હતી. ચારેય લોકો સંજયભાઈ અને રોહિતને જાતિસૂચક અપશબ્દો કહીને અપમાનીત કરી, ઘાતક હથિયારો લઇ પાછળ દોડ્યા હતા. આ હુમલામાં સંજયભાઇ અને રોહિતને લોહિયાળ ઇજા થઈ હતી. આરોપીઓએ બંનેને ગંભીર માર માર્યો હતો.
ઘટનાની જાણ થતા સંજયભાઇના પિતા જયંતિભાઈ પુત્રને બચાવવા માટે દોડીને પહોંચ્યા હતા. જ્યાં ચારેય લુખ્ખા તત્વોએ તેમને પણ માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. આ ઘટનાથી નાનકડા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે.
ઘટનાને લઇ પાલીતાણા રૂરલ પોલીસ મથકનો કાફલો મોટી સંખ્યામાં ઘટના સ્થળે દોડી ગયો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. આ મામલે જયંતિભાઈ મકવાણાએ ચારેય શખ્સો વિરૂદ્ધ એટ્રોસિટી એક્ટ સહિતની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો: દલિતો હિંદુ બની મંદિરમાં દર્શન કરવા ગયા, સવર્ણોએ ફટકાર્યા










