ગુજરાતમાં જાતિવાદી તત્વો દ્વારા દલિતો પર અત્યાચાર ઓછા થવાનું નામ નથી લઈ રહ્યાં. અમરેલી, પાટડી, વીરમગામ બાદ હવે ભાવનગરમાં એક દલિત યુવક પર જાતિવાદી તત્વોએ હીચકારો હુમલો કર્યો છે.
ભાવનગર શહેરના વાસણઘાટ પાસે એક દલિત યુવકને વડવા નેરા વિસ્તારમાં રિક્ષા નહીં ચલાવવાનું કહી, રિક્ષામાંથી બહાર ખેંચીને ચાર શખ્સોએ પાઈપના 35 જેટલા ઘા ઝીંકી ગંભીર રીતે ઘાયલ કરી દીધો છે. આરોપીઓએ યુવક સાથે મારામારી કરી તેને પાઈપના ફટકા મારીને ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં રિક્ષાચાલક દલિત યુવક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો છે અને તે બે દિવસથી જમી પણ શક્યો નથી. યુવક તેની વિધવા માતાનો એકમાત્ર સહારો છે અને આ હુમલા બાદ તે ખૂબ જ ડરી ગયો છે. યુવકને માર મારી ફરાર થઈ ગયેલા ચારેય આરોપીઓ વિરૂદ્ધ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મામલો શું હતો?
આ ઘટનાની મળતી માહિતી મુજબ, ભાવનગરના વિદ્યાનગરની ગાંધી કોલોનીમાં રહેતા અને રીક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતો દલિત યુવક રાહુલ ગૌતમભાઈ દુલેરા ભાવનગરના ગંગાજળિયા તળાવથી પેસેન્જરને રિક્ષામાં બેસાડીને કુંભારવાડા તરફ જઈ રહ્યો હતો.
આ પણ વાંચો: સાબરકાંઠામાં નકલી ST સર્ટિ પર એક જ પરિવારના ૩ લોકોએ સરકારી નોકરી મેળવી
એ દરમિયાન શકીલ બાબા, ફૈઝાન, મસ્તાન અને એક અજાણ્યા શખ્સે એક સંપ કરીને રાહુલને રોક્યો હતો અને વડવા નેરામાં રિક્ષા નહીં ચલાવવા માટે ધમકી આપી, રિક્ષામાંથી પગ ખેંચીને બહાર કાઢ્યો હતો. એ પછી ચારેય ઈસમો છરી, લાકડી, ધોકા લઈને રાહુલ પર તૂટી પડ્યા હતા. આરોપીઓ રાહુલના પગ પર પાઈપના 35 જેટલા ઘા માર્યા બાદ ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં દલિત યુવકને તેની જાતિ પૂછીને અપમાન કરી ગંભીર રીતે માર મારવામાં આવતા દલિત સમાજ રોષે ભરાયો છે. ચારેય આરોપીઓ વિરૂદ્ધ દલિત યુવક રાહુલે નિલમબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
ભાવનગરમાં લુખ્ખા તત્વો બેફામ, પોલીસનું મીંઢું મૌન
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી ભાવનગરમાં અસામાજિક અને લુખ્ખા તત્વોનો ત્રાસ વધી રહ્યો છે પરંતુ તેમની સામે પોલીસ ફરિયાદ કરવાનું લોકો ટાળી રહ્યા છે. કારણ કે માથાભારે માણસોની દાદાગીરી પોલીસ તંત્રની જાણમાં હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા ભરાતા નથી. તેના કારણે લોકો પોલીસ ફરિયાદ કરવાનું ટાળી રહ્યા છે. શહેરમાં ચોક્કસ રૂટ પર રિક્ષા ચલાવવા માટે અમુક માથાભારે શખ્સોની જીહજુરી કરવી પડતી હોવાની ફરિયાદ છેલ્લા ઘણા સમયથી થઈ રહી છે, તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી નથી. ત્યારે આ બનાવમાં પોલીસ ફરિયાદ થતા હવે પોલીસ આ લુખ્ખા તત્વો સામે શું પગલાં લે છે તેના પર સૌની નજર છે.
જાતિ પૂછીને પાઈપના 35 ઘા માર્યા
આરોપીઓના હુમલાનો ભોગ બનેલા દલિત યુવક રાહુલ દુલેરાએ જણાવ્યું હતું કે, ‘‘હું રિક્ષામાં પેસેન્જર બેસાડી વડવા નેરા ખાતેથી જતો હતો એ દરમિયાન શકીલબાબા નામના શખ્સે મારી રિક્ષા ઉભી રખાવી મારી જાતિ પુછી હતી. મેં હું ‘દલિત’ છું તેમ કહેતા કાલથી આ બાજુ રિક્ષા હાંકતો નહીં તેવી ધમકી આપી હતી. જ્યારે મેં તેને કહ્યું કે, હું ધંધો લઈને બેઠો છું ત્યારે તેણે મને ધમકી આપી હતી કે, કાલથી આ બાજુ દેખાયો તો તારા ટાંટિયા ભાંગી નાખીશ. જેથી હું ડરી ગયો હતો અને ત્યાંથી જતો રહ્યો હતો.”
આરોપીઓ છરો લઈને રોડ પર મારવા દોડ્યા
રાહુલ આગળ જણાવે છે કે, “બીજા દિવસે જ્યારે હું વાસણઘાટ ખાતે રિક્ષામાં બેઠો હતો ત્યારે શકીલ બાબા, ફૈઝાન, મસ્તાન અને એક અજાણ્યા શખ્સે એક સંપ કરી મને રિક્ષામાંથી બહાર ખેંકી મને પગ અને તેમજ વાસાના ભાગે પાઈપના 35 જેટલા ઘા માર્યા હતા. એટલું જ નહીં મારા માથાના ભાગે છરીનો ઘા ઝીંકી દેતા હું રોડ પર દોડવા લાગતા મારી પાછળ દોડી મને ફરીથી માર માર્યો હતો. એ વખતે એક રાહદારીએ મને છોડાવતા આ લોકો ત્યાંથી ભાગી ગયા હતા.”
રાહુલ તેની વિધવા માતાનો એકમાત્ર સહારો છે
રાહુલ તેની વિધવા માતા હંસાબેનનો એકમાત્ર સહારો છે. પોતાના એકના એક પુત્ર પર આ રીતે જાહેરમાં હુમલો થતા તેની માતા ચોધાર આંસુએ રડી પડ્યા હતા. પુત્રની હાલ જોઈ શકવા તેઓ સક્ષમ ન હોવાથી બે લોકો હિંમત કરીને તેમને પુત્ર પાસે હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં તેઓ પુત્રની હાલત જોઈને સ્તબ્ધ થઈ ગયા હતા. હંસાબેનનું કહેવું છે કે, આવી દાદાગીરી હોય તો લોકો ઘરની બહાર પણ કેવી રીતે નીકળી શકે?
અમરેલી, પાટડી, વીરમગામ બાદ હવે ભાવનગરમાં હુમલો
ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમરેલીમાં એક દલિત યુવકની જાતિવાદી ભરવાડોએ નજીવી બાબતે હત્યા કરી નાખી હતી. આ ઘટના બાદ પાટડીમાં પણ ભરવાડોએ એક દલિત યુવકના બંને પગ ભાંગી નાખ્યા હતા. બે દિવસ પહેલા વીરમગામમાં ઠાકોરોએ દલિત મામા-ભાણેજ પર જીવલેણ હુમલો કરી પગ ભાંગી નાખ્યા હતા. આ ઘટનાઓના પડઘા હજુ શમ્યા નથી ત્યાં હવે ભાવનગરની આ ઘટના બની છે. જે સાબિત કરે છે કે, ગુજરાતમાં દલિતો સલામત નથી અને સરકારને પણ તેમની સુરક્ષાની કોઈ પરવા નથી. આ ઘટનાને લઈને દલિત સમાજમાં ભારે રોષ છે.
આ પણ વાંચો: ‘તું દલિત છે, બગીમાં બેસીને નીકળ્યો તો ગોળી મારી દઈશું’
Aa Gujarat ma BJP ni sarkaar su sc, st samaj ne khatam karva mate che?? To aapana Gandhinagar ma bethela,,,,, namala,,,, su kare che??