ઓડિશાના રાયગઢા જિલ્લાના કાશીપુર તાલુકાના બૈગાનગુડા ગામમાં આદિવાસી સમાજના પંચ દ્વારા એક પરિવારના 40 લોકોને માથું મુંડવાની સજા કરી. એટલું જ નહીં, પંચે તેમને સમાજમાં પરત ફરવા માટે પશુ બલિ આપવાનું એલાન કર્યું. આદિવાસી દીકરીનો વાંક ફક્ત એટલો જ એટલો જ હતો કે તેણે દલિત યુવક સાથે પ્રેમલગ્ન કર્યા હતા. જેનાથી સમાજનું પંચ ઉશ્કેરાઈ ગયું હતું અને તેણે દેશની કાયદો વ્યવસ્થાની પરવા કર્યા વિના પોતાની રીતે દીકરીના પરિવારને તાલીબાની સ્ટાઈલથી સજા સંભળાવી દીધી હતી. આ ઘટના એ વાતની પણ સાબિતી છે કે, આજે પણ દેશમાં બંધારણ અને ન્યાય તંત્રની સમાંતરે જે તે સમાજનું પંચ કાયદાની વિરુદ્દ જઈને સજા સંભળાવી પોતાની મનમાની ચલાવે છે. જે કોઈપણ રીતે યોગ્ય નથી. ખાસ કરીને આંતરજાતિય લગ્નોને લઈને આ પ્રકારના પંચો ખુલ્લી દાદાગીરી કરીને પ્રેમ લગ્ન કરનાર યુવક-યુવતીના પરિવારને આકરી સજા સંભળાવીને તેના માનવ અધિકારોનું હનન કરતા હોય છે.
આ પણ વાંચોઃ 55 વર્ષની આદિવાસી મહિલાએ ભાલા ફેંકમાં દેશ માટે ગોલ્ડ જિત્યો
સમાજના કથિત પંચોનું સમાંતર ન્યાય તંત્ર
ઓડિશાના રાયગઢાના બૈગાનગુડા ગામમાં એક આદિવાસી પરિવારના 40 સભ્યોને સમાજના પંચ દ્વારા માથું મુંડવાની ફરજ પાડવામાં આવી હતી, કારણ કે તેમની પુત્રીએ પોતાની મરજીથી એક દલિત યુવક સાથે લગ્ન કર્યા હતા. ગ્રામજનોએ આ લગ્નને ગામ અને સમાજનું અપમાન માનીને યુવતીના પરિવારનો સામાજિક બહિષ્કાર કર્યો હતો. યુવતીના પરિવારને સમાજના પંચે ચેતવણી આપી આવી હતી કે જો તેઓ સમાજમાં પાછા ફરવા માંગતા હોય, તો તેમણે ‘શુદ્ધિકરણ વિધિ’માંથી પસાર થવું પડશે. પંચના દબાણ હેઠળ પરિવારે પહેલા એક પશુ બલિ આપવી પડી હતી. ત્યારબાદ પરિવારના 40 સભ્યોના માથા મુંડવામાં આવ્યા હતા. આ ઘટના માત્ર માનવ અધિકારોનું જ ઉલ્લંઘન નથી, પરંતુ તે એ પણ દર્શાવે છે કે આજે પણ ગામડાઓમાં દેશના બંધારણ અને કાયદા કરતા સમાજના કહેવાતા પંચોના આદેશોનું રાજ ચાલે છે.
સામૂહિક મુંડનનો વીડિયો વાયરલ થયો
આ આદિવાસી પરિવારનો સામૂહિક મુંડનનો વીડિયો વાયરલ થયા બાદ વહીવટીતંત્રને ઘટનાની જાણ થઈ હતી. ઘટનાની આ માહિતી મળતાં જ વહીવટીતંત્રે તપાસ શરૂ કરી છે. કાશીપુર તાલુકા વિકાસ અધિકારી વિજય સોયેએ એક અધિકારીને ગામમાં મોકલીને સમગ્ર મામલાની તપાસનો આદેશ આપ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે પરિવારના સભ્યો ખેતરમાં બેઠા છે અને તેમના માથા મુંડવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ આદિવાસી મિત્રની ડિગ્રી પર સવર્ણ યુવક ડોક્ટર બની ગયો
In a glaring example of the prevailing social prejudices in rural #Odisha, 40 members of a tribal woman’s family tonsured their heads as part of a purification ritual after she married a man of different caste in Rayagada district.
The ritual also involved sacrificing goats,… pic.twitter.com/GyUP1TcKYw
— The New Indian Express (@NewIndianXpress) June 21, 2025
સરકારી તંત્ર પંચોની માનસિકતા બદલી શકશે?
અહીં સવાલ એ છે કે શું આવી માનસિકતા ફક્ત તપાસ કરાવવાથી બદલાશે? કારણ કે ઓડિશામાં આવું પહેલી વાર બન્યું નથી. અગાઉ બારગઢ જિલ્લામાં, એક વ્યક્તિના મર્યા પછી અંતિમ સંસ્કાર પણ કરવામાં દેવામાં આવ્યા નહોતા.કારણ કે તેણે બીજી જાતિમાં લગ્ન કર્યા હતા. વર્ષ 2019 માં, મયૂરભંજ જિલ્લામાં એક યુગલને ગામલોકોએ માથું મુંડીને રસ્તા પર ફેરવ્યું હતું. તેમનો વાંક એટલો જ હતો કે, તેમણે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ ગામલોકોને તેઓ અલગ જાતિના હોવાથી ખટક્યું હતું. આથી તેમણે આ તાલીબાની આદેશ જાહેર કરી દીધો હતો.
આ પણ વાંચોઃ વલસાડમાં આદિવાસી કન્યાએ બંધારણની સાક્ષીએ લગ્ન કર્યા
સમાજના કહેવાતા પંચો દ્વારા તોળાતા ન્યાય પર લગામ ક્યારે?
અહીં વિરોધાભાસી બાબત એ પણ છે કે, ઓડિશા સરકાર એકબાજુ આંતરજાતિય લગ્નોને પ્રોત્સાહન આપવા માટે યુગલને 2.5 લાખ રૂપિયાની નાણાકીય સહાય પણ આપે છે, બીજી બાજુ જે તે સમાજની પંચાયતો સરકારના કાયદા અને ન્યાયતંત્રની વિરુદ્ધ જઈને પોતાની મનમાની કરી ન્યાય તોળે છે. આવી કહેવાતી પંચાયતો પર લગામ કસવાની જરૂર છે. ન્યાય તોળવા બેસી જતા આવા પંચોના વડીલોને આકરી સજા કરવી જોઈએ. જ્યાં સુધી કાયદો અને દેશનું બંધારણ જ સર્વોપરિ છે તેવું સાબિત નહીં કરીએ ત્યાં સુધી આવી પંચાયતો અને તેના દ્વારા આપવામાં આવતા કથિત ન્યાયને બંધ કરી શકાશે નહીં.
આ પણ વાંચોઃ અહીં OTP મેળવવા આદિવાસીઓએ પહાડ ચડવો પડે છે