ભારતમાં સૌથી વધુ આદિવાસીઓ મધ્યપ્રદેશમાં વસે છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ અહીં 1.6 કરોડ આદિવાસીઓ વસે છે, જે રાજ્યની કુલ વસ્તીના 21 ટકા આસપાસ છે. જો કે, આટલી મોટી વસ્તી ધરાવતા આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સરકાર જે પ્રકારનું ભોજન પીરસે છે તે જાણીને તમે પણ ચોંકી જશો.
વિદ્યાર્થીના ભોજનમાંથી દેડકો નીકળ્યો
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લાના કોલારસમાં આદિવાસી કલ્યાણ વિભાગની છાત્રાલયમાં રહેતા વિદ્યાર્થીઓના ભોજનમાં દેડકો, ભાતમાં કીડા મળી આવ્યા છે. એટલું જ નહીં લોટ પણ ખરાબ થઈ ગયો હોવાથી રોટલી પણ કડવી બને છે. વિદ્યાર્થીઓએ આ મામલે તંત્રને ફરિયાદ કરી હોવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી. વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને ઘણા દિવસોથી નબળી ગુણવત્તાનો ખોરાક આપવામાં આવી રહ્યો છે અને જો તેઓ ફરિયાદ કરે તો તેમને ધમકી આપવામાં આવે છે.
આ પણ વાંચો: આદિવાસી બાળકીને કોબ્રા કરડ્યો, હોસ્પિટલ પહોંચવા રસ્તો ન હોવાથી મોત
શિવપુરીના કોલારસની જગતપુર હોસ્ટેલની ઘટના
શિવપુરી જિલ્લામાં આદિવાસી હોસ્ટેલમાં રહેતા બાળકો સાથે અમાનવીય વર્તનની ઘટનાઓ સતત પ્રકાશમાં આવતી રહી છે. ગઈકાલે કોલારસના જગતપુરની આદિવાસી હોસ્ટેલમાં રસોઈયાએ વિદ્યાર્થીઓનો ભોજનમાં બટેટાની શાક સાથે દેડકો પણ રાંધી નાખ્યો હતો. જ્યારે આ રંધાયેલો દેડકો એક વિદ્યાર્થીની થાળીમાં પીરસાયો ત્યારે આ આખો મામલો પ્રકાશમાં આવ્યો હતો. અગાઉ વિદ્યાર્થીઓએ ભાતમાં જીવડાં નીકળ્યા હોવાની પણ ફરિયાદ કરી હતી.
વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની ધમકી અપાઈ
વિદ્યાર્થીઓનું કહેવું છે કે તેમને પીરસવામાં આવતી રોટલી ખૂબ જ કડવી હોય છે. તેઓ છેલ્લા ઘણા દિવસથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જ્યારે તેમણે આ મામલે ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ કરવાની વાત કરી, તો હોસ્ટેલના સુપરિન્ટેન્ડેન્ટે તેમને હોસ્ટેલમાંથી કાઢી મૂકવાની ધમકી આપી હતી. શનિવારે, બટેકાના શાકમાંથી દેડકો મળી આવતા વિદ્યાર્થીઓએ સમગ્ર ઘટનાનો વીડિયો બનાવીને પોતાની વ્યથા વર્ણવીને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. વીડિયો વાયરલ થતા સમગ્ર મામલો ઉચ્ચ અધિકારીઓ સુધી પહોંચ્યો હતો.
ફરિયાદ કરવા બદલ વિદ્યાર્થીઓને ધમકી મળી
વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર, જ્યારે તેમણે આ અંગે ફરિયાદ કરવા માટે હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટ નરેન્દ્ર કુશવાહાને ફોન કર્યો, ત્યારે પહેલા તો તેમણે ફોન ઉપાડ્યો નહીં. બાદમાં તેમણે મોબાઈલ બંધ કરી દીધો. સમગ્ર મામલે જ્યારે આદિજાતિ કલ્યાણ વિભાગના રાજેન્દ્ર કુમાર જાટવને ફોન કરવામાં આવ્યો, ત્યારે તેમણે હોસ્ટેલ સુપરિન્ટેન્ડેન્ટને નોટિસ આપવાની વાત કરી હતી. જોકે, જે ભોજનનો વીડિયો વાયરલ થયો છે તે કયા દિવસે બનાવવામાં આવ્યો હતો તે સ્પષ્ટ થઈ શક્યું નથી.
આ પણ વાંચો: પેટ માટે રોટલો, રોટલા માટે જમીન, જમીન માટે ઝૂઝવાનું
વિદ્યાર્થીઓ પીવાના શુદ્ધ પાણી માટે પણ વલખાં મારે છે
વિદ્યાર્થીઓએ જણાવ્યું કે તેમને હોસ્ટેલમાં પીવા માટે સારું અને સ્વચ્છ પાણી પણ મળી શકતું નથી. આવી સ્થિતિમાં, ઘણી વખત તેઓ જેનાથી કપડાં, વાસણ અને અન્ય વસ્તુઓ સાફ કરવામાં આવે છે તે ટાંકીનું દુર્ગંધયુક્ત પાણી પીવા માટે મજબૂર થાય છે. આવી સ્થિતિમાં, વિદ્યાર્થીઓ બીમાર પડે તેવી પુરી શક્યતા છે.
હોસ્ટેલમાં બહારના તત્વોનો હસ્તક્ષેપ
આ કેસમાં, કોલારસના એસડીએમ અનૂપ શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે, મેં વિભાગ અને મહેસૂલની એક ટીમ બનાવી છે અને તેને હોસ્ટેલમાં મોકલી છે. તેઓ હોસ્ટેલમાં તપાસ કરી રહ્યા છે, જે પણ તથ્યો સામે આવશે તેના આધારે કાર્યવાહી કરવામાં આવશે. શરૂઆતમાં એવું પણ જાણવા મળ્યું હતું કે બહારના તત્વોની પણ આ હોસ્ટેલમાં ઘણી દખલ છે. છેવટે, બહારના તત્વો હોસ્ટેલની અંદર કેવી રીતે પહોંચી રહ્યા છે, તે પણ જાણવા મળશે. આ વીડિયોમાં કેટલી સત્યતા છે તે તપાસ પછી જ જાણી શકાશે.
આ પણ વાંચો: દલિત એન્જિનિયર યુવકને પ્રેમિકાના ભાઈએ જાહેરમાં દાતરડાથી કાપી નાખ્યો