નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે ત્યારે ફરી એકવાર અમદાવાદ શહેરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે. મળતી માહિતી મુજબ ગાંધીનગરના અડાલજ પાસે અંબાપુર નર્મદા કેનાલ પાસે એક યુવક-યુવતી મોડી રાત્રે નર્મદા કેનાલ પાસે પોતાનો બર્થ ડે ઉજવી રહ્યા હતા એ દરમિયાન એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે ત્યાં પહોંચ્યો હતો. અને યુવકને છરી બતાવી લૂંટનો પ્રયાસ કર્યો હતો. આ સમયે યુવક-યુવતીએ પ્રતિકાર કરતાં તે શખ્સે છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં વૈભવ મનવાણી નામના યુવકનું ઘટના સ્થળે મોત થઈ ગયું અને યુવતી ગંભીર ઈજાગ્રસ્ત થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ છે. આ ઘટના બાદ ફરી એકવાર ગુજરાતની કાયદો-વ્યવસ્થા પર સવાલ ઊભા થયા છે.
હાંસોલનો યુવક બર્થ ડે ઉજવવા નર્મદા કેનાલે ગયો હતો
આ ઘટનાની મળતી માહિતી મુજબ, અમદાવાદના હાંસોલ વિસ્તારમાં રહેતો વૈભવ મનવાણી તેની મહિલા મિત્ર સાથે અંબાપુર નર્મદા કેનાલના સર્વિસ રોડ પર રાત્રિના સમયે બેઠો હતો. આ દરમિયાન અજાણ્યો શખ્સ તેમની પાસે આવ્યો હતો અને લૂંટનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યુગલે પ્રતિકાર કર્યો ત્યારે શખ્સે તેમના પર હુમલો કર્યો હતો, જેમાં વૈભવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે યુવતીને ગંભીર હાલતમાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. હુમલા પછી આરોપી યુગલ પાસેથી કીમતી સામાન લૂંટીને નાસી ગયો હતો.
આ પણ વાંચો: દલિત યુવકને બ્રાહ્મણોએ ગામ વચ્ચે ઉભો રાખી ઢોર માર માર્યો
કાયદો-વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઉઠ્યાં
પોલીસે આ ઘટના અંગે જણાવ્યું હતું કે યુવતી હાલ બેભાન અવસ્થામાં છે, જેથી હુમલાની ચોક્કસ વિગતો મેળવવી મુશ્કેલ છે. પોલીસ દ્વારા વૈભવના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આસપાસના CCTV ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે, જેથી હુમલાખોરની ઓળખ થઈ શકે. પોલીસની પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ યુવક-યુવતી તેમની બર્થ ડે પાર્ટીની ઉજવણી કરવા માટે અહીં આવ્યાં હતાં. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને આરોપીને પકડવા માટે તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ અંબાપુર નર્મદા કેનાલ વિસ્તારની સુરક્ષા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે, કારણ કે આ વિસ્તારમાં અવારનવાર આવી ગુનાહિત પ્રવૃત્તિઓ થતી રહે છે.
પોલીસના સૂત્રો શું જણાવી રહ્યાં છે?
આ અંગે ગાંધીનગર પોલીસનાં વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું હતું કે યુવક અને યુવતી ગઈકાલે રાત્રે અંબાપુર નર્મદા કેનાલ ખાતે સ્કોડા ગાડી લઈને બેઠાં હતાં. આ દરમિયાન એક અજાણ્યો શખસ લૂંટના ઇરાદે તેમની પાસે પહોંચી ગયો હતો. યુવક-યુવતી કઢંગી હાલતમાં હોવાથી અજાણ્યા શખસે છરી બતાવીને બંનેને ગર્ભિત ધમકીઓ આપી હતી, જેનો યુવકે પ્રતિકાર કરતાં અજાણ્યા શખસે છરીના ઘા યુવકને ઝીંકી દીધા હતા. હુમલો કરી યુવકની ગાડી લઈ ભાગ્યો હતો યુવકને બચાવવા માટે યુવતીએ પ્રતિકાર કરતાં તે શખસે તેના પર પણ હુમલો કર્યો હતો. બાદમાં શખસે કીમતી સામાનની લૂંટ કરી તે યુગલની ગાડીમાં ભાગ્યો હતો, જોકે ગાડી આગળ જઈને બંધ પડી જતાં અજાણ્યો શખસ ગાડી મૂકીને ત્યાંથી નાસી ગયો હતો.
આ પણ વાંચો: 70 રૂ. માટે દલિત યુવકની હત્યા કરનાર 2 આરોપીને આજીવન કેદની સજા
કેનાલ પાસેથી પસાર થતી વ્યક્તિએ પોલીસને જાણ કરી
પોલીસના પ્રાથમિક નિવેદનમાં એક અજાણ્યો શખ્સ હોવાનું હાલમાં સામે આવ્યું છે. યુવતીની હાલત ગંભીર છે, જેથી વિગતવાર નિવેદન બાકી છે. એક પ્રશ્નના જવાબમાં પોલીસે વધુમાં કહ્યું હતું કે રાત્રિના સમયે અહીંથી પસાર થતી એક વ્યક્તિએ યુવકની લાશ જોઈ હતી, જે કંટ્રોલ રૂમમાં ફોન કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. હાલમાં લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની 15 ટીમોને એક્ટિવ કરવામાં આવી છે, જોકે આ વિસ્તારમાં CCTV કેમેરા લગાવેલા નથી.
અંબાપુર કેનાલના સર્વિસ રોડ પર ઘટના ઘટી
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક યુવકની 19 સપ્ટેમ્બરે બર્થ ડે હતી, જેના પગલે યુવક-યુવતી સહિતના મિત્રોએ અમદાવાદમાં સેલિબ્રેશન કર્યું હતું. બાદમાં બધા મિત્રો એક પછી એક અલગ પડ્યા હતા. ત્યારે યુવક અને યુવતી રાત્રિના 12:30 વાગ્યા દરમિયાન ઝુંડાલ વિસ્તારમાં રહેતી તેની એક મિત્રને ઉતારવા માટે ગાડી લઈને આવ્યા હતા. જે યુવતીને ઉતારીને યુવક અને યુવતી અંબાપુર નર્મદા કેનાલના સર્વિસ રોડ ઉપર પહોંચ્યા હતા, જ્યાં આ સમગ્ર ઘટના બની હતી.
આ પણ વાંચો: દલિત રિક્ષાચાલકે સાઈડ ન આપતા રસ્તો રોકી હત્યા કરી દેવાઈ














Users Today : 119