ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પ્રકાશિત થતા દૈનિક ‘ગાંધીનગર સમાચાર’ (Gandhinagar Samachar)માં વીકલી કોલમ લખતા મનુવાદી લેખક ‘કનૈયાલાલ ભટ્ટ'(kanaiyalal Bhatt)ની કોલમ તેમના જાતિવાદી વલણ અને એક જાગૃત નાગરિકની સામાજિક નિસબતના કારણે આખરે બંધ કરી દેવામાં આવી છે. કનૈયાલાલ ભટ્ટ નામના કથિત લેખકે ગાંધીનગર સમાચારમાં પોતાની વીકલી કોલમ ‘મોરપીંછના રંગ’માં ‘ચાર વર્ણ, સંસ્કાર, ડી.એન.એ, સમાજ અને 21મી સદી’ ટાઈટલ સાથે પ્રકાશિત થયેલા પોતાના લેખમાં દેશના બ્રાહ્મણો દ્વારા સદીઓથી કચડાયેલા દેશના દલિતો, આદિવાસી, ઓબીસી સમાજને ‘શુદ્ર’ ગણાવી અનેક ખોટા રેફરન્સ ટાંકીને હીન ચીતરી, ઉતારી પાડવાનો પ્રયત્ન કર્યો હતો. જેની સામે ગાંધીનગરમાં રહેતા એક નિવૃત્ત સરકારી અધિકારી એવા જાગૃત નાગરિકે ‘ગાંધીનગર સમાચાર’ના તંત્રીને આ બાબતે લેખિત ફરિયાદ કરી હતી. એ પછી તંત્રી મંડળે તાત્કાલિક ધોરણે મનુવાદી અને કથિત લેખક એવા કનૈયાલાલ ભટ્ટની કોલમ બંધ કરી દેવાની ફરજ પડી છે.
દલિતો, આદિવાસીઓ, ઓબીસીનું અપમાન કર્યું
મનુવાદી કનૈયાલાલ ભટ્ટે છેલ્લે પોતાની કોલમમાં વેદો, ઉપનિષદો અને અન્ય મનુવાદી ગ્રંથોને ટાંકીને લખ્યું હતું કે, “જેઓ બ્રાહ્મણ ક્ષત્રિય અને વૈશ્ય ત્રણેય વર્ણોથી દૂર રહ્યા, અથવા પોતાની આદિમતાને આ આવરણોથી દૂર રાખીને પોતાના સમૂહને શિક્ષિત ન થવા દઈને આ ત્રણેય વર્ણ વ્યવસ્થામાં વિભાજિત થયેલા સમાજો, કબીલાઓ, ઘરોમાં, શેરીઓાં થતી ગંદકીને દૂર કરવાનું કામ જાતે જ સ્વીકારીને પોતાનું ગુજરાન ચલાવતા થયા હતા, તેથી તેમને શુદ્રનું સંબોધન મળ્યું હતું.”
આ પણ વાંચોઃ બ્રાહ્મણ દુકાનદારે 5 દલિત બાળકોને નગ્ન કરી ગામમાં ફેરવ્યા?
શૂદ્ધોને માથે મારી દેવાયેલા કામોને ‘સેવા’ ગણાવ્યા
મનુવાદી કનૈયાલાલ આટલે જ નથી અટકતા. તેઓ આગળ લખે છે, “શુદ્રોને જંગલમાંથી શિકાર મળે ન મળે, પરંતુ ઉપરના ત્રણેય વર્ણના લોકોના ઘરોમાંથી ભોજન અવશ્ય મળતું હોવાથી શુદ્રોએ આ ‘સભ્ય કબીલાઓ’ના ઘરમાંથી ગંદકી દૂર કરવાનું કામ ‘સ્વૈચ્છા’એ સ્વીકારતા થયા હતા. તેવા લોકોને ‘ક્ષૂદ્ર’નું સંબોધન મળ્યું. અહીંયા ક્ષૂદ્રનો અર્થ આપણે ‘હલકું’ કરીએ છીએ પણ એ સાવ ખોટી સમજ છે. ‘શૂદ્રતા એટલે નિશ્વાર્થભાવે થતી સેવા’, આ વર્ગના લોકોએ જે તે સમયે ત્રણેય વર્ગની કામગીરી અને વ્યવસ્થા જોઈને ‘પોતાને અલ્પ માનીને’ એમની ગંદકી સ્વીકારીને, એમના દ્વારા મળેલું ભોજન ખાઈને નિર્વાહ કરવો, એમની નિશ્વાર્થ સેવા કરવી એ ‘વેદજ્ઞાન’થી પણ વિશેષ કર્મ બને છે. સંસારમાં કદાચ ‘સેવા’ શબ્દની સમજણ આ ક્ષુદ્રતામાંથી જ મળી હોય એવું વિચારી શકાય છે.”
લેખક ડોક્ટરેટ હોવા છતાં લેખમાં સંશોધનનો સંપૂર્ણ અભાવ
કનૈયાલાલ ભટ્ટ પોતાના નામની આગળ ડોક્ટર લખે છે, પરંતુ તેમના લેખમાં ક્યાંય પણ એક ડોક્ટરેટ પ્રકારનું નક્કર રિસર્ચ જોવા મળતું નથી. મોટાભાગનું લખાણ ધારણાઓ પર ચાલે છે અને એ ધારણાઓ તેમણે પોતે ઉપજાવી કાઢેલી છે, જેનો કોઈ આધાર નથી. માત્ર વેદો, ઉપનિષદોને ટાંકીને તેમણે ગપગોળા હાંકી પોતાની જાતિને સતત અન્ય સમાજથી ઉંચા બતાવવા પ્રયત્ન કર્યો છે.
આ પણ વાંચોઃ ‘તમે બ્રાહ્મણ નથી એટલે કથા ન કરી શકો’ કહી મહિલાની કથા અટકાવી
પોતાની જાતિને સર્વશ્રેષ્ઠ ગણાવવા ધમપછાડા
આગળ તેઓ લખે છે, “ધારણા છે કે આ રીતે ચારેય વર્ણો અસ્તિત્વમાં આવ્યા હોય. અને આ ચાર વર્ણો માત્ર ને માત્ર સૌના કામને ધ્યાનમાં રાખીને ઊભા કરવામાં આવ્યા હતા. જે એ વખતે સર્વ સ્વીકૃત બન્યા હતા. વેદો અને શાસ્ત્રોમાં જોઈ શકાય છે કે એમાં માનવતામાં કોઈ ભેદભાવ નથી દાખવ્યા. એ વખતે બીજા વર્ગોમાંથી આવીને તપ ધ્યાન કરીને, શાસ્ત્રોનું જ્ઞાન મેળવીને અનેક મહાન ઋષિઓ થયા છે. તપ, સાધના, પૂજા ભક્તિ કરીને, શાસ્ત્રો અને વેદોના જ્ઞાન થકી એક નવી ઊર્જા પ્રાપ્ત કરીને ઈશ્વરે આપેલી અદ્દેશ્યશક્તિને ઓળખીને એનો ઉપયોગ સમાજના હિતમાં કરીને એક સંસ્કારનું ઘડતર કરવામાં આવ્યું છે. અને એના લીધે જ કદાચ એ વખતના બ્રાહ્મણો પૂજનીય, ઈશ્વરતૂલ્ય ગણાતા હતા. આશ્રમો સ્થાપી લોકોને જ્ઞાન આપવું, શિક્ષિત કરવા અને ભિક્ષા માંગીને ગુજરાન ચલાવવાનું તેઓએ સ્વીકારી લીધેલું. તેવી જ રીતે ધીમે ધીમે ક્ષત્રિયના જૂથોમાંથી સરદાર થયા અને એમાંથી રાજાશાહી અસ્તિત્વમાં આવી. ક્ષત્રિયો રાજા થયા. દુશ્મનો સામે યુદ્ધો કરીને અન્ય પ્રજાનું રક્ષણ કરવાની કાર્યરીતિ અને માનસિકતા એમના સંસ્કાર બન્યા. એમ જ વ્યાપાર અને સફાઈની કામગીરી અન્ય વર્ષોંના લોકોની માનસિકતા અને સંસ્કારમાં ઉતર્યા જેને આપણે આજે ડી.એન.એ તરીકે ઓળખીએ છીએ. અને આ વર્ણ વ્યવસ્થા પાછળ ભારતીય વિદ્વાનો, ઋષિમૂનિઓ કે દાર્શનિકોની દીર્ઘ દૃષ્ટિ જ હતી. કે જ્ઞાન, સત્તા, ધન અને સ્વચ્છતાના કામો વહેંચાયેલા રહે, જેથી સમગ્ર માનવ સમાજ સુરક્ષિત રહે.”
આ પણ વાંચોઃ બ્રાહ્મણોએ OBC કથાકારનું માથું મુંડી, માનવમૂત્ર છાંટી, નાક રગડાવ્યું
જાતિવાદથી બચવા અટક બદલતા લોકો સામે પણ વાંધો
મનુવાદી લેખક જ્ઞાનને બ્રાહ્મણોના એકાધિકાર તરીકે ખપાવવા વારંવાર તેને બ્રાહ્મણો સાથે જોડવા પ્રયત્ન કરે છે. એટલું જ નહીં, જાતિવાદથી બચવા જે લોકો પોતાની અટકમાં ફેરફાર કરે છે તેની સામે પણ તેઓ વાંધો વ્યક્ત કરે છે અને આડકતરી રીતે કહેવા મથે છે કે, અટક તો બદલી નાખશો પણ તમે બ્રાહ્મણ નહીં બની શકો. કનૈયાલાલ ભટ્ટે લખ્યું છે કે, “આજે જ્ઞાન મેળવવાના તમામ સાધનો અને માધ્યમો ઉપલબ્ધ છે જેના થકી શિક્ષિત થઈને સૌ કોઈ સંસ્કારધારા બદલીને, ડીએનએ બદલીને ‘બ્રાહ્મણત્વ’ મેળવી શકે છે. આજે ગુજરાતભરમાં અનેક વર્ણના લોકો પોતાની અસલી જ્ઞાતિ છૂપાવીને, પોતાની અટક બદલીને પંડ્યા, દવે, જોશી, ત્રિવેદી, વ્યાસ, દેસાઈ, ઠાકર, વગેરે અટક કરીને સર્ટિફિકેટમાં તો બ્રાહ્મણ બની જશે પણ હજારો લાખો વર્ષના વારસાગત મળેલા ડીએનએનું શું? સંસ્કારનું શું? જ્યાં સુધી આ નહીં બદલાય ત્યાં સુધી બધું જ નકામું છે. એટલે તો કદાચ એ કહેવત બની છે કે ‘જાત વિના ભાત ના પડે’ અહીં જાત એટલે જ્ઞાતિ જાતિ કરતા સંસ્કારનો ભેદ બતાવવામાં આવ્યો છે. સારા સંસ્કાર હોય તો માણસ ગમે તે પરિસ્થિતિમાં પોતાના સંસ્કાર છોડતો નથી. સજ્જનતા છોડતો નથી તો તે ગમે જે જ્ઞાતિ જાતિનો હોય પણ બ્રાહ્મણ જ છે. બ્રાહ્મણત્વ એ કોઈ જ્ઞાતિ કે જાતિ નથી એક સંસ્કાર છે. સભ્યસંસ્કૃતિ છે. ન્યાય, નીતિ અને જ્ઞાનની ધારા છે.”
આ પણ વાંચોઃ બ્રાહ્મણ શખ્સે નકલી OBC સર્ટિ. પર 40 વર્ષ પોલીસની નોકરી કરી
જાગૃત નાગરિકે ફરિયાદ કરતા કોલમ બંધ કરાઈ
મનુવાદી લેખક કનૈયાલાલ ભટ્ટે પોતાની કોલમમાં બીજા પણ અનેક વાંધાજનક દાવાઓ કશા જ કોઈ સંશોધન કે નક્કર રેફરન્સ વિના ઢસડી માર્યા છે. જેની સામે ગાંધીનગરમાં રહેતા અને રાજ્ય સરકારના માહિતી ખાતાના ઉચ્ચ હોદ્દા પરથી નિવૃત્ત થયેલા એક જાગૃત નાગરિકે ગાંધીનગર સમાચારના મેનેજિંગ એડિટર, પ્રકાશક અને ગાંધીનગરના ધારાસભ્યને પત્ર લખી કનૈયાલાલ ભટ્ટની કોલમ બંધ કરવા લેખિત ફરિયાદ કરી હતી. જેને ધ્યાનમાં લઈને આખરે મનુવાદી લેખક કનૈયાલાલ ભટ્ટની કોલમ ગયા અઠવાડિયેથી બંધ કરી દેવામાં આવી છે.
આ પણ વાંચોઃ OBC યુવકે પૂજારીની પરીક્ષા ટોપ કરતા બ્રાહ્મણોએ વિરોધ કર્યો