ઝારખંડના સરાયકેલા-ખરસાવાં જિલ્લામાં એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. અહીંના ચાંડીલ વિસ્તારમાં એક આદિવાસી બાળકી સાથે બે યુવાનોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમચાવી નાખ્યો છે અને ગ્રામજનોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.
મળતી માહિતી મુજબ, બે આદિવાસી બાળકીઓ ચાકુલિયા સ્થિત સસ્તા અનાજની દુકાને (PDS) રાશન લેવા ગઈ હતી. દુકાન તેમનાં ઘરેથી આશરે ચાર કિલોમીટર દૂર આવેલી છે. રાશન લઈને બંને પરત ફરી રહી હતી, તે દરમિયાન પડોશી ગામનાં બે યુવાનોએ તેમનો રસ્તો આંતર્યો હતો.
બે પૈકી એક બાળકી આરોપીઓની ચુંગાલમાંથી છટકી ગઈ
સ્થાનિક સૂત્રો મુજબ, આરોપીઓ એક બાળકીનું અપહરણ કરીને તેને નજીકનાં જંગલમાં ખેંચીને લઈ ગયા. બીજી બાળકી તેમની પકડમાંથી જેમતેમ કરીને છટકીને ગામ તરફ દોડી ગઈ અને સમગ્ર ઘટના વિશે ગામલોકોને માહિતી આપી. આ વાત સાંભળતાં જ ગ્રામજનો તરત જ જંગલ તરફ દોડી ગયા. ત્યાં પહોંચતા તેમને પીડિત બાળકી બેભાન હાલતમાં પડેલી જોવા મળી. ત્યારબાદ તાત્કાલિક તેને બહાર કાઢીને સારવાર માટે વ્યવસ્થા કરવામાં આવી હતી.
ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસ ઘટના સ્થળે પહોંચી
ઘટનાની જાણ થતાં જ ચાંડીલ, કપાલી અને ચૌકા પોલીસ સ્ટેશનની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં આરોપી ખગેન માર્ડી (24 વર્ષ) અને હરિપદો સોરેન (26 વર્ષ) ને ઝડપી લીધાં છે. બંને સામે ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ તરફ પીડિતાને હાલમાં જમશેદપુરનાં એમ.જી.એમ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં ડોક્ટરોની દેખરેખ હેઠળ તેની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલ સૂત્રો કહે છે કે હાલ બાળકીની સ્થિતિ ગંભીર છે, તેનો માનસિક આઘાત બહુ મોટો છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં દલિત યુવકને પટ્ટાથી માર મારનાર ત્રણ આરોપી ઝડપાયા
બાળકીના પરિવારે આરોપીઓને ફાંસી આપવા માંગ કરી
બીજી તરફ, ચાઇલ્ડ વેલફેર કમિટી (CWC)ની ટીમ તાત્કાલિક હોસ્પિટલ પહોંચી હતી. કમિટીના સભ્ય પદમા ગોરાઈએ જણાવ્યું કે ત્રણ સભ્યોની ટીમે પીડિતાની મુલાકાત લીધી હતી અને જરૂરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આદિવાસી બાળકીના પરિવારજનો આ ઘટનાથી અત્યંત વ્યથિત છે. તેમણે જાહેરમાં માંગ કરી છે કે, આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે. આવા ગુનેગારોને ફાંસી આપવામાં આવશે તો જ સમાજમાં દીકરીઓ સુરક્ષિત અનુભવી શકશે.
આદિવાસી દીકરીઓની સુરક્ષા પર સવાલો ઉઠ્યાં
વિસ્તારમાં આ ઘટનાને કારણે ભારે તણાવનું વાતાવરણ છે. ગામલોકો રોષે ભરાયા છે. મહિલાઓએ ખાસ કરીને સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો છે અને સરકારને કડક પગલાં લેવાની અપીલ કરી છે. આ મામલાએ ફરી એકવાર આદિવાસી વિસ્તારોમાં દીકરીઓની સુરક્ષા પર ગંભીર સવાલ ઊભા કર્યા છે. નિયમિત પોલીસ પેટ્રોલિંગ, બાળકી માટે સલામત પરિસ્થિતિ સર્જવા અને જંગલ વિસ્તારને સુરક્ષિત બનાવવાની ચર્ચા પણ ગ્રામજનોમાં જોર પકડતી જોવા મળી રહી છે.
આ પણ વાંચો: આદિવાસી દંપતી કમાવા શહેર ગયું, જાતિવાદીઓએ ઘર-જમીન વેચી મારી