જાતિવાદના એપીસેન્ટર ગણાતા ઉત્તરપ્રદેશમાં વધુ એક દલિત સગીરા પર ગેંગરેપની ઘટના ઘટી છે. કાનપુરના બિલહૌરમાં ત્રણ યુવકોએ 12 વર્ષની સગીરાને તેના ઘરેથી ખેતરમાં ખેંચી જઈ તેના પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો. એટલું જ નહીં, ગેંગરેપનો વીડિયો બનાવી આરોપીઓએ સગીરાને કહ્યું કે જો આ મામલે તે કોઈને કહેશે તો વીડિયો વાયરલ કરી દેશે અને તેના પરિવારને પણ મારી નાખશે. ડરી ગયેલી સગીરા છેલ્લા 25 દિવસથી ચૂપ હતી, એ દરમિયાન આરોપીએ તેના ગેંગરેપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. એ પછી સગીરાએ તેના પરિવારને આખી ઘટના વિશે વાત કરતા હવે ત્રણેય આરોપીઓ વિરુદ્દ ગેંગરેપની ફરિયાદ નોંધવામાં આવી છે. રવિવારે મોડી રાત્રે પોલીસે ગેંગરેપના ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. હવે આજે કોર્ટમાં રજૂ કર્યા બાદ ત્રણેયને જેલમાં મોકલવામાં આવશે.
આ પણ વાંચોઃ દલિત સગીરાનું અપહરણ કરી બે યુવકોએ હોટલમાં ગેંગરેપ કર્યો
ઘરેથી ઢસડીને ખેતરમાં લઈ જઈ ગેંગરેપ ગુજાર્યો
બિલહોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી સગીરાના કાકાએ 29 ફેબ્રુઆરીએ આ કેસમાં રિપોર્ટ નોંધાવ્યો હતો. તેમણે જણાવ્યું કે તેમના ભાઈનો પરિવાર 6 માર્ચે લગ્ન સમારોહમાં હાજરી આપવા ગયો હતો. 12 વર્ષની ભત્રીજી ઘરે એકલી હતી. મોડી રાત્રે ૯:૩૦ વાગ્યે ઢાકાપુરવાના રામજી, સૂરજ અને હિમાંશુ યાદવ આવ્યા અને તેના પિતા વિશે પૂછવા લાગ્યા. સગીરાએ કહ્યું કે તે લગ્નમાં ગયા છે. જેવી તેમને ખબર પડી કે તે ઘરમાં એકલી છે, ત્રણેયની દાનત બગડી અને તેઓ કોઈ બહાનું કાઢીને બાજુમાં આવેલા ખેતરમાં લઈ ગયા.ત્રણેયે ત્યાં સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજાર્યો. જ્યારે છોકરીએ ચીસો પાડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેના મોંમાં કપડું ઠૂંસી દીધું.
આ પણ વાંચોઃ દલિત સગીરાને 4 યુવકોએ બે મહિના સુધી ગોંધી રાખી ગેંગરેપ કર્યો
ગામલોકોએ ધમકી આપી સમાધાન કરાવી દીધું
ત્રણેય આરોપીઓએ વારાફરતી દુષ્કર્મ આચરી આખી ઘટનાનો વીડિયો બનાવ્યો. તેમણે સગીરાને ધમકી આપી કે જો તે આ બાબતે કોઈના જાણ કરશે તો તેનો વીડિયો વાયરલ કરી દઈશું. આરોપીઓએ તેના પરિવારજનોને મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી આરોપીઓ સગીરાને જેમની તેમ સ્થિતિમાં છોડીને ભાગી ગયા. સગીરા જેમતેમ કરીને ઘરે પહોંચી અને તેના પરિવારને ઘટનાની જાણ કરી. પરંતુ વીડિયો વાયરલ થવાના ડરથી પરિવારે પણ મૌન જાળવી રાખ્યું. એટલું જ નહીં, આરોપીની દાદાગીરીને જાતિના કારણે ગામલોકોએ આખા મામલામાં સમાધાન કરાવી દીધું. પરિવારના સભ્યો પણ બદનામીના ડરથી ચૂપ રહ્યા. બીજી તરપ આરોપીઓ વધુ બેફામ થઈ ગયા અને તેમણે 28 માર્ચે ગેંગરેપનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી દીધો. એ પછી પરિવારના સભ્યોએ બિલ્હોર પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી.
આ પણ વાંચોઃ દલિત સગીરા પર 5 યુવકોનો ગેંગરેપ, વીડિયો તેના ભાઈને મોકલ્યો
એસીપી બિલહૌર અમરનાથ યાદવે જણાવ્યું હતું કે છોકરીના કાકાની ફરિયાદના આધારે રામજી, સૂરજ અને હિમાંશુ યાદવ વિરુદ્ધ ગેંગરેપનો રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે રવિવારે રાત્રે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી હતી. આજે કોર્ટમાં રજૂ કર્યા બાદ તેમને જેલમાં મોકલવામાં આવશે.
આરોપીઓએ ઇન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ કર્યો
આરોપીઓએ 29 માર્ચે ઇન્સ્ટાગ્રામ પર ગેંગરેપનો વીડિયો અપલોડ કર્યો હતો. વીડિયો વાયરલ થતાં જ આ સમાચાર આખા ગામમાં આગની જેમ ફેલાઈ ગયા અને જાતભાતની ચર્ચાઓ થવા લાગી. એ પછી, પરિવારના સભ્યો બિલહૌર પોલીસ સ્ટેશન પહોંચ્યા અને આરોપીઓ વિરુદ્ધ આ મામલે રિપોર્ટ નોંધાવવા માટે ફરિયાદ આપી.
બિલહૌરના એસીપી અમરનાથ યાદવે કહ્યું કે આ વીડિયો આરોપીઓ વિરુદ્ધ સૌથી મહત્વપૂર્ણ પુરાવો છે. ફક્ત આ વીડિયો જ તેમને કડક સજા અપાવશે. આરોપીઓને ઝડપી સજા મળે તે માટે કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં લઈ જવામાં આવશે.
આ પણ વાંચોઃ દલિત સગીરને ચાર યુવકોએ નગ્ન કરી માર મારી વીડિયો બનાવ્યો