જ્યારે વાળ કપાવતી વખતે લોહી નીકળતું છતાં ચૂપ રહેવું પડતું…

આભડછેટનો અનુભવઃ મુંબઈના આલીશાન સલૂનમાં હેર-કટ કરાવ્યા બાદ ધ્રાંગધ્રાના યુવાનને કેમ યાદ આવ્યા બાળપણના એ 'શણના કોથળા'?
experiences untouchability

આભડછેટનો અનુભવઃ મુંબઈના એક અત્યંત પોશ ગણાતા વિસ્તારમાં આવેલા એર-કન્ડિશન્ડ સલૂનમાંથી બહાર નીકળતી વખતે હાથમાં પકડાયેલા રૂ. 2500 ના બિલ પર મારી નજર અટકી ગઈ. અરીસામાં દેખાતો મારો નવો લુક, પ્રોફેશનલ રીતે સેટ કરેલી દાઢી અને સલૂનની સર્વિસ—બધું જ શાનદાર હતું. પણ જેવું એ બિલ ખિસ્સામાં મૂક્યું કે તરત જ મારું મન સુરેન્દ્રગનર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના મારા વતનના એ ધૂળિયા મારગ પર પહોંચી ગયું. મુંબઈની ચમક-દમકમાં દબાઈ ગયેલા મારા બાળપણના એ ઘા અચાનક તાજા થઈ ગયા.

મને યાદ આવ્યું કે નાનપણમાં મારા માથાના વાળ કપાવવા માટે અમારે કેટલો સંઘર્ષ કરવો પડતો. ગામના વાળંદ અમારા વાળ કાપતા નહોતા. ગામડાની સામાજિક સંરચના કેટલી વિચિત્ર અને પૂર્વગ્રહયુક્ત હોય છે તેનો જીવતો જાગતો પુરાવો અમારા ગામના ‘શાંતિલાલ વાળંદ’ હતા. શાંતિલાલ ગામના સવર્ણોના ઘરે જઈને હજામત કરી આવતા, ઘણીવાર સવર્ણો હોંશે હોંશે તેમના ઘરે જઈને બાલ-દાઢી કરાવી આવતા. પરંતુ અહીં જે વિરોધાભાસ હતો તે આજે પણ મને આશ્ચર્યમાં મૂકી દે છે. શાંતિલાલનું ઘર અતિશય ગંદું અને અસ્તવ્યસ્ત રહેતું. તેઓ ખુદ પણ મેલાંઘેલાં ભર્યા હોય. તેમના ઘરની બહાર નીકળતી ખુલ્લી ગટરની તીવ્ર વાસ સતત આવતી રહેતી હોય, તેમના બે દીકરાઓ નાહ્યા-ધોયા વગર જ આખો દિવસ રખડતા જોવા મળતા. તેમની સતત બડબડાટ કરતી પત્ની પણ એવી આળસુ કે બે-બે દિવસ સુધી ઘરનો એંઠવાડ સાફ ન કરતી.

આ પણ વાંચો: દૂધરેજ વડવાળા મંદિરના પૂજારીએ કરડી નજરે પૂછ્યું, ‘તમે કેવા?’

બીજી તરફ, અમારા દલિત વાસના વડીલો અને પરિવારોની સ્થિતિ આનાથી બિલકુલ ઉલટી હતી. મોટાભાગના દલિત વડીલોને વહેલી સવારે ફરજિયાત નાહી-ધોઈને જોધલપીરને દીવાબત્તી કર્યા પછી જ અન્ય કામ શરૂ કરવાની ટેવ હતી. સ્વચ્છતાના માપદંડમાં દલિતો શાંતિલાલ વાળંદના પરિવાર કરતા અનેકગણા આગળ હતા, છતાં શાંતિલાલ માટે અમે ‘અસ્પૃશ્ય’ હતા. અહીં સવાલ સ્વચ્છતાનો નહોતો, પણ જ્ઞાતિનો હતો. ગંદાગોબરા શાંતિલાલ સવર્ણોના ઘરે જતા હતા, સવર્ણો પણ તેમના ગંધારા ઘરમાં બેસીને વાળ કપાવી આવતા, પણ સ્વચ્છ દલિતના વાળ કાપવાનું શાંતિલાલને મંજૂર નહોતું.

અમારા ગામમાં દલિતો માટે વાળ કપાવવા એ કોઈ ફેશન કે મોજશોખનો વિષય ક્યારેય રહ્યો જ નહોતો, તે એક કપરો સંઘર્ષ હતો. શાંતિલાલ ક્યારેય દલિતોના વાળ નહોતા કાપતા, પરિણામે અમારે સુરેન્દ્રનગરથી આવતા એક વાળંદની રાહ જોવી પડતી. એ અઠવાડિયે-બે અઠવાડિયે એકવાર દલિતવાસમાં આવતો. તેની પાસે પોતાની કોઈ વ્યવસ્થા નહોતી. વાળ કપાવવા માટે જે કપડું માથે ઓઢાડવાનું હોય, તે પણ અમારે પોતે જ ઘરેથી આપવું પડતું.

આ પણ વાંચો: ’25 વર્ષ પહેલા મારા ગાલ પર પડેલી આભડછેટની એ થપ્પડો ભૂલાતી નથી’

મને આજે પણ મને યાદ છે, જ્યારે નાના બાળકોને વાળ કપાવવા માટે બેસાડવામાં આવતા ત્યારે તેમના શરીર પર શણનો જૂનો કોથળો વચ્ચેથી કાપીને ઓઢાડવામાં આવતો. એ વાળંદ પાસે રહેલા સાધનો પણ અત્યંત ભંગાર હાલતમાં હતા. તેનો અસ્ત્રો કટાયેલો અને બુઠ્ઠો રહેતો. ઘણીવાર વાળ કાપતી વખતે એ અસ્ત્રો અમારી નાજુક ત્વચામાં ખૂંપી જતો અને લોહી ફૂટી નીકળતું. નાનું બાળક પીડાથી રડતું હોય, ગળા પરથી લોહી વહેતું હોય, ત્યારે એ વાળંદ તેની મેલી થેલીમાંથી ફટકડીનો ટુકડો કાઢીને વાગેલી જગ્યાએ ઘસી નાખતો. અમારે એ પીડા ચૂપચાપ સહન કરવી પડતી કારણ કે જો એ વાળંદ પણ ન આવે તો અમારા વાળ કોણ કાપે?

આજે જ્યારે હું મુંબઈ જેવા મેટ્રો સિટીમાં રહું છું, ત્યારે મને સમજાય છે કે અહીં મારા પૈસાની કિંમત છે, મારી જ્ઞાતિની કોઈને પડી નથી. પણ શું આ જ સત્ય મારા વતનમાં બદલાયું છે? કમનસીબે ના. આજે પણ ગુજરાતના સેંકડો ગામડાઓમાં દલિતોને માત્ર એક હેર-કટ માટે પાડોશી શહેર કે કસબા સુધી ધક્કા ખાવા પડે છે. ગામના વાળંદો સવર્ણોની બીક કે સામાજિક બહિષ્કારના ડરે અથવા તો પોતાની સદીઓ જૂની જડ માનસિકતાને કારણે દલિતોની હજામત કરવાનો સાફ ઈન્કાર કરી દે છે. આ આભડછેટ કોઈ અદ્રશ્ય દીવાલ જેવી છે, જે ભલે કાયદાકીય રીતે ગુનો હોય, પણ સામાજિક સ્તરે આજેય એક મજબૂત માન્યતા તરીકે જીવે છે.

વિચારવા જેવી વાત એ છે કે જે માણસ ગંદા ઘરમાં રહે છે, જેની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય છે, તે ‘ઉચ્ચ’ ગણાય છે અને જે સવારે વહેલા ઉઠીને શુદ્ધ થાય છે તે માત્ર તેના જન્મના કારણે ‘નીચો’ ગણાય છે. જ્યારે હું સલૂનમાંથી બહાર નીકળ્યો, ત્યારે મને એવું લાગ્યું કે મેં માત્ર હેર-સ્ટાઈલના પૈસા નથી ચૂકવ્યા, પણ એ ‘સન્માન’ના પૈસા ચૂકવ્યા છે જે મેં અને મારા વતનના વડીલો અને પેલા કોથળો ઓઢીને બેસતા બાળકોને ક્યારેય નસીબ નહોતા થયા.

આ પણ વાંચો: ‘આજે પણ રામજી મંદિર તરફ જવાનું થાય ત્યારે એ ઘટના યાદ આવે છે’

આજે દેશ ડિજિટલ ઈન્ડિયા અને 5G ની વાતો કરે છે, પણ શું માનસિકતામાં 1G જેટલો પણ સુધારો આવ્યો છે? જ્યારે પણ જ્યારે એવા સમાચાર આવે છે કે અમુક ગામમાં દલિત યુવાને સલૂનમાં વાળ કપાવ્યા એટલે આખા ગામના વાળંદોએ દુકાનો બંધ કરી દીધી અથવા દલિતોનો બહિષ્કાર કર્યો, ત્યારે મારું લોહી ઉકળી ઉઠે છે. આ આભડછેટ કોઈ ધાર્મિક વિધિ નથી, પણ માનસિક બીમારી છે.

આજે મુંબઈના રસ્તાઓ પર ફરતી વખતે મને એવું લાગે છે કે મારું વતન હજુ પણ એ જૂના અસ્ત્રાની ધાર પર જીવી રહ્યું છે. સુધારાના નામે આપણે માત્ર રસ્તાઓ અને વીજળી પહોંચાડી છે, પણ માણસના મન સુધી પહોંચવામાં હજુ જોજનોનું અંતર બાકી છે. આ કડવી વાસ્તવિકતા આપણને એ પૂછવા મજબૂર કરે છે કે, આપણે ખરેખર ક્યારે આઝાદ થઈશું? શું એક હેર-કટ માટે પણ સંઘર્ષ કરવો પડે એ લોકશાહી ગણાય ખરાં?

ગૌરવ સોલંકી (ધ્રાંગધ્રા, જિ. સુરેન્દ્રનગર હાલ-મુંબઈ)

આ પણ વાંચો: ઉઠાવો કલમ! અને લખો તમારો ‘આભડછેટનો અનુભવ’

 

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x