‘શ્રાવણમાં માંસની ડિલિવર કરે છે’ કહી બજરંગ દળ કાર્યકરોએ ડિલિવરી બોયને માર્યો

બજરંગ દળના કાર્યકરોએ ડિલિવરી બોયનો પીછો કરી રસ્તામાં ઉભો રાખી માર્યો. મટન ઓર્ડર કરનાર મહિલા ગ્રાહકને ફોન કરી ગાળો ભાંડી.
bajrang dal

દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદમાં મટનની ડિલિવરી કરવા જઈ રહેલા બ્લિંકિટ કંપનીના એક ડિલિવરી બોયને બજરંગ દળના કાર્યકરોએ પીછો કરી, રસ્તામાં ઉભો રાખીને માર માર્યો હતો. આરોપીઓએ ધમકી આપી હતી કે હવે પછી જો શ્રાવણ મહિનામાં મટનની ડિલિવરીનો કોઈ ઓર્ડર લીધો તો તમારો સ્ટોર બંધ કરાવી દઈશું. આ ઘટના 15 જુલાઈના રોજ બની હતી, પરંતુ 23 જુલાઈના રોજ વિજયનગર પોલીસ સ્ટેશનમાં તેની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલમાં જ તેનો વીડિયો પણ સામે આવ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ, ફરિયાદ બાદ પોલીસે મુખ્ય આરોપી મનોજ વર્માને કસ્ટડીમાં લીધો છે. તેના અને અન્ય લોકો પર મટનની ડિલિવરી કરવા જઈ રહેલા ડિલિવરી બોયને માર મારવાનો આરોપ છે. ઘટનાના વાયરલ વીડિયોમાં, કેટલાક યુવાનો ડિલિવરી બોયને રસ્તામાં રોકતા અને મટનની ડિલિવરી કરવા જવા પર નારાજગી વ્યક્ત કરતા અને અપશબ્દો બોલતા જોવા મળે છે. એટલું જ નહીં, તેઓ ડિલિવરી બોય પાસેથી ગ્રાહકનો નંબર પણ લે છે અને તેને ફોન કરીને ધમકાવે છે. ગ્રાહક ખ્રિસ્તી મહિલા હોવાનું સામે આવ્યું છે. વીડિયોમાં એવું જોવા મળ્યું હતું કે આરોપીઓ શ્રાવણ મહિનામાં માંસની ડિલિવરી કરાવવા બદલ મહિલા ગ્રાહક સાથે અભદ્ર વર્તન કરે છે.

આ પણ વાંચો: દલિત સગીરા પર 4 યુવકોનો ગેંગરેપ, હત્યા કરી લાશ ઘરમાં લટકાવી

બ્લિંકિટ કંપનીના આસિસ્ટન્ટ મેનેજર મોનિશ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ, બજરંગ દળનો કાર્યકર મનોજ વર્મા અને તેના કેટલાક સાથીદારો સિદ્ધાર્થ વિહારમાં આવેલા બ્લિંકિટના સ્ટોર પર આવ્યા હતા અને તેમના ફ્લીટ મેનેજર અભય સાથે ગાળાગાળી કરવાનું શરૂ કર્યું હતું. આરોપીઓએ શ્રાવણ મહિનાનો ઉલ્લેખ કરીને ચિકનની ડિલિવરી કરવા સામે વાંધો ઉઠાવ્યો હતો અને ધમકી આપી હતી કે જો ડિલિવરી બંધ નહીં કરવામાં આવે તો તે સ્ટોર બંધ કરાવી દેશે. તેમણે કથિત રીતે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી.

કંપનીના જણાવ્યા મુજબ, આ ઘટના પછી બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનો તરફથી તેમને સતત ધમકીઓ મળી રહી છે, જેના કારણે સ્ટાફ ડરી ગયો છે.

આ કિસ્સામાં, ડિલિવરી બોયને તેનું કામ કરતા અટકાવવાનો વીડિયો પણ ચોંકાવનારો છે. વીડિયોમાં જોવા મળે છે કે બજરંગ દળના કાર્યકરો દ્વારા ડિલિવરી બોય મોનુનો પીછો કરી રસ્તામાં તેને રોકવામાં આવ્યો હતો. એ પછી, આરોપી મનોજ વર્માએ મોનુના ફોન પરથી ઓર્ડર આપનાર મહિલા તનિષાને ફોન કર્યો અને તેનો ધર્મ પૂછ્યો હતો. જ્યારે ખબર પડી કે તે ખ્રિસ્તી છે, ત્યારે તેણે વાંધાજનક ભાષા વાપરીને મહિલા ગ્રાહકને કહ્યું કે ‘ખ્રિસ્તીઓ મુસ્લિમો કરતાં પણ ખરાબ છે’.

પોલીસે આ કેસમાં હુમલો અને ગુનાહિત ધાકધમકી આપવાના આરોપ હેઠળ FIR નોંધી છે. ફરિયાદ મળ્યા બાદ, પોલીસે તાત્કાલિક નોંધ લીધી અને આરોપી મનોજ વર્માને કસ્ટડીમાં લીધો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: ગુજરાતની 9 ખાનગી યુનિ. સામે એટ્રોસિટીની ફરિયાદ નોંધવા માંગ

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x