જાતિવાદી ગુંડાઓ દલિતોને આજે પણ પોતાના ગુલામ સમજતા હોય તેમ વર્તે છે. એટ્રોસિટી જેવો મજબૂત કાયદો હોવા છતાં પોલીસની ઢીલી નીતિને કારણે આરોપીઓને કડક સજા થતી નથી અને પરિણામે તેઓ વધુ છાકટા બની જાય છે. આ ઘટનામાં પણ કંઈક આવું જ બન્યું છે. જેમાં એક દલિત દંપતીને એક ગુંડાએ તેમના ઘરે આવીને ચંપલથી માર માર્યો હતો. ગુંડાના આ હુમલાથી હતપ્રભ થયેલા દલિત દંપતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
જો કે, ગુંડો પોલીસ કે કાયદાની પરવા કર્યા વિના ફરીથી દલિત દંપતીના ઘરે પહોંચી ગયો હતો અને હુમલો કરી દલિત દંપતીના હાથ ભાંગી નાખ્યા હતા. દલિત દંપતીએ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હોવા છતાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી નહોતી, જેના કારણે આ દંપતીએ ઘર છોડીના નાસી જવું પડ્યું છે. કેમ કે, આરોપીઓ હજુ પણ ખૂલ્લેઆમ બહાર ફરી રહ્યાં છે અને તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યાં છે.
મધ્યપ્રદેશના ઈશાનગરના પહાડ ગામની ઘટના
મામલો મધ્યપ્રદેશના છતરપુર જિલ્લાનો છે. અહીંના ઈશાનગર પોલીસ સ્ટેશનના પહાડ ગામમાં કેટલાક ગુંડાઓએ એક દલિત પરિવાર પર અત્યાચાર ગુજાર્યો હતો. ગુંડાઓએ પહેલા પતિ-પત્નીને ચંપલથી માર માર્યો, જેનાથી ગભરાઈને પીડિત પતિ-પત્ની પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. જેનાથી ઉશ્કેરાયેલા ગુંડાઓએ પોલીસ કે કાયદાના ડર વિના ફરી તેમના ઘરે પહોંચી ગયા અને માર માર્યો અને મહિલાનો હાથ તોડી નાખ્યો. આ હુમલામાં મહિલાના પતિને પણ ઈજા થઈ છે. બંને ઘાયલ હાલતમાં એસપી ઓફિસ પહોંચ્યા હતા અને પોલીસ પાસે મદદ માંગી હતી. ઈશાનગર પોલીસે આ મામલે ગુંડાઓ વિરુદ્ધ એસસી એસટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો છે જેમાં હુમલોનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: શીવ તાંડવ દરમિયાન મોં પર ભસ્મ લાગતા 8 છોકરીઓ દાઝી ગઈ
ગુંડાઓએ ખેતર ખેડવા જવાની મનાઈ ફરમાવી હતી
ઈશાનગર પોલીસ સ્ટેશનના પહાડ ગામમાં રહેતા ભગીરથ પ્રજાપતિ(એમપીમાં પ્રજાપતિ અનુ.જાતિમાં આવે છે.) પોતાના ટ્રેક્ટરથી મૂળચંદ પ્રજાપતિના ખેતરમાં ખેડાણ કરવા જઈ રહ્યા હતા. ત્યારે તે જ ગામમાં રહેતો ગુંડો દેવેન્દ્ર ઉર્ફે દીપુ યાદવ સામે આવ્યો હતો. તેણે ભગીરથને ધમકી આપી કે તું મૂળચંદ પ્રજાપતિનું ખેતર ખેડવા ન જતો. દેવેન્દ્રની ધમકીથી ભગીરથ ડરી ગયો હતો અને ઘરે પરત ફરી ગયો હતો.
દલિત દંપતીને ચપ્પલ અને લાકડીઓથી માર માર્યો
ભગીરથે જણાવ્યું કે તે ઘરે પહોંચ્યો એ પછી થોડી જ વારમાં દેવેન્દ્ર અને તેના સાગરિતો તેના ઘરે આવી પહોંચ્યા હતા અને તેને અને તેની પત્નીને ચંપલથી માર માર્યો હતો. ઓચિંતા આ હુમલાથી પતિ-પત્ની ગભરાઈ ગયા હતા અને ઈશાનગર પોલીસ સ્ટેશન પહોંચીને દેવેન્દ્ર સહિતના ગુંડાઓ સામે ફરિયાદ નોંધાવીને પોલીસને આ મામલે કાર્યવાહી કરવા વિનંતી કરી હતી.
ફરિયાદ કરી હોવા છતાં ફરીથી હુમલો કરી હાથ ભાંગી નાખ્યો
ભગીરથ પ્રજાપતિની પત્ની શ્યામબાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું કે 8 જૂને દેવેન્દ્ર અને તેના ગુંડાઓએ અમને ચપ્પલથી માર માર્યો હતો. આ મારપીટની ઈજાના નિશાન હજુ પણ અમારા શરીર પર છે. અમે 9 જૂને FIR નોંધાવવા માટે ઈશાનગર પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. ત્યાં અમે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ અરજી આપ્યા બાદ આરોપીઓ વધારે ગુસ્સે ભરાયા હતા અને અમે ઘરે પહોંચ્યા કે તરત અમારા ઘરમાં ઘૂસી ગયા અને ફરી એકવાર ચપ્પલ અને લાકડીઓથી અમને માર માર્યો. આ હુમલામાં મારો હાથ તૂટી ગયો અને હાથની આંગળીઓ પર ઘણા ટાંકા આવ્યા છે.
ગામમાં આવશે તો મારી નાખીશ તેવી ધમકી આપી
લુખ્ખા તત્વોના આ હુમલાથી દલિત દંપતી ડરી ગયું છે. તેમણે જણાવ્યું હતું કે દેવેન્દ્ર સહિતના તેના સાગરિતો તેમને મારી નાખવાની ધમકીઓ આપી રહ્યા છે. તેઓ એમ પણ કહી રહ્યા છે કે જો ફરીથી ગામમાં પાછા ફરશો તો તમને બંનેને મારી નાખીશું. બીજી તરફ, પોલીસે ડબ્બુ ઉર્ફે દેવેન્દ્ર યાદવ અને તેના ભાઈ બબલુ યાદવ પર SC-ST એક્ટ અને BNSની વિવિધ કલમો હેઠળ ફરિયાદ નોંધીને કેસ તપાસમાં લીધો છે.
ફરિયાદ કરી હોવા છતાં આરોપીઓ ખૂલ્લાં ફરે છે
આ ઘટનાથી ભગીરથ અને તેની પત્ની ખૂબ જ ડરી ગયા છે. બંનેનું કહેવું છે કે પોલીસે આ કેસમાં FIR નોંધી લીધી છે, છતાં આરોપીઓ હજુ પણ ખુલ્લેઆમ ફરે છે અને તેમને મારી નાખવાની ધમકી આપી રહ્યા છે. એડિશનલ એસપી આઈપીએસ વિદિતા ડાગરનું કહવું છે કે અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ. વહેલી તકે આગળની કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો: દલિત યુવતીનું ગળું કાપી હત્યા કરનારને કોર્ટે ફાંસીની સજા કરી