CM ‘પટેલ’ GPSC ચેરમેન ‘પટેલ’ ઈન્ટરવ્યૂ લેનાર ‘પટેલ’, કંઈ સમજાયું?

GPSC દ્વારા યોજાતી ભરતીઓમાં 'ચોક્કસ જાતિ'ના લોકોને ઈન્ટરવ્યૂમાં વધુ માર્ક્સ આપીને પાસ કરવા મુદ્દે હોબાળો મચેલો છે ત્યારે પડદા પાછળનો ખેલ સમજો.
gpsc interview injustice

છેલ્લાં 4 દિવસથી ગુજરાત જાહેર સેવા આયોગ ઉર્ફે GPSCમાં એસસી, એસટી, ઓબીસી ઉમેદવારોને અન્યાય થઈ રહ્યો હોવાની અને ચોક્કસ જાતિના લોકોને ઈન્ટરવ્યૂમાં વધુ માર્ક્સ આપી પાસ કરી દેવાયાની ચર્ચાએ ભારે જોર પકડ્યું છે ત્યારે GPSCના ચેરમેન હસમુખ પટેલે ગઈકાલે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકીને ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ રદ કરાયા હોવાની જાણકારી આપી હતી. આવું શા માટે કરવું પડ્યું તેના કારણો પણ તેમણે જણાવ્યા છે અને આગામી દિવસોમાં ફરીથી ઈન્ટરવ્યૂ ફરી લેવાની તારીખ જાહેર કરવામાં આવશે તેમ કહ્યું છે.

ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરવા પડ્યા

જીપીએસસીએ મોડી સાંજે અચાનક જ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરવા ઘોષણા કરી હતી કેમકે, ઈન્ટરવ્યૂ લેનારાં તજજ્ઞ અન્ય સ્થળે ખાનગીમાં કોચિંગ કલાસમાં ડ્રગ્સ ઈન્સ્પેક્ટરના જ મોક ઇન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં. આ બાબતે જાણ થતાં જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે હાલ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરી દીધા છે. હવે ફરીથી ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા હાથ ધરવા નક્કી કરવામાં આવ્યુ છે.

સરદારધામમાં મોક ઈન્ટરવ્યૂ લેનારે GPSCના ઈન્ટરવ્યૂ લીધા

ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. છેલ્લા બે દિવસથી ગાંધીનગરમાં GPSCદ્વારા ડ્રગ્સ ઇન્સ્પેક્ટર માટે ઇન્ટરવ્યૂ લેવાઈ રહ્યાં છે. GPSC પેનલિસ્ટ નિવૃત નાયબ ફૂડ એન્ડ કમિશ્નર ડી.એમ. પટેલ ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ લઈ રહ્યા હતાં. આ જ ડી.એમ.પટેલ સરદારધામ ચાલતાં કોચિંગ ક્લાસમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર વર્ગ-2 માટે મોક ઈન્ટરવ્યૂ લઈ રહ્યાં હતાં.

આ પણ વાંચો: મહુમાં શરૂ થયો ડો.આંબેડકર જન્મોત્સવ, લાખો ભીમ સૈનિકો પહોંચ્યાં

વિદ્યાર્થીઓને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરવા શું કરવું તેની ટિપ્સ આપતાં હતાં. બુધવારે સરદારધામમાં ડી.એમ.પટેલનું ખાસ લેક્ચર ગોઠવાયુ હતું. ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં પાસ કરવા શું કરવું તેની ટિપ્સ આપતાં હતાં. અને તેઓ જ ફૂડ ઈન્સપેક્ટરની ભરતીના ઈન્ટરવ્યૂ લઈ રહ્યા હતા. જેના કારણે આખી ગોઠવણ ખૂલ્લી પડી ગઈ હતી.

ડી.એમ. પટેલને નોટિસ દ્વારા ખુલાસો પૂછાયો

ડ્રગ્સ ઇન્સ્પેક્ટરની પરીક્ષામાં જીપીએસસીના પેનલિસ્ટ જ ખાનગી કોચિગ કલાસમાં જાય છે તેવી ફરિયાદ મળતાં જ જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલે તાત્કાલિક અસરથી ઈન્સ્પેક્ટરના ઈન્ટરવ્યૂ રદ કરી દીધાં હતાં. એટલુ જ નહીં. નિવૃત ફૂડ એન્ડ ડ્રગ્સ કમિશ્નર ડી.એમ.પટેલને નોટિસ ફટકારી હતી. આ મામલે ખુલાસો પૂછવામાં આવ્યો છે.

નવેસરથી ઈન્ટરવ્યૂ લેવાશે

ઉલ્લેખનીય છેકે, રાજ્યમાં ફુડ ઇન્સ્પેક્ટર માટે 30 ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા હતાં. એવુ નક્કી કરાયુ છે કે, હવે ડ્રગ્સ ઇન્સ્પેક્ટર માટે નવેસરથી ઈન્ટરવ્યૂ લેવામાં આવશે. ઈન્ટરવ્યૂની ફરીથી નવી તારીખ જાહેર કરાશે. આ ઉપરાંત નવી પેનલ ઉમેદવારોનું ઇન્ટરવ્યૂ લેશે. હવે GPSC પેનલિસ્ટ પાસેથી લેખિત બાંહેધરી લેશે કે, તેઓ ખાનગી કોચિંગ ક્લાસમાં નહી જાય.

આ પણ વાંચો: ‘આતંકવાદ અને જાતિવાદ એક જેવા’ કહેનાર શિક્ષકને DEOનું તેડું

હસમુખ પટેલે શું લખ્યું?

GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું હતું કે, ‘ગઈકાલથી આયોગમાં ડ્રગ ઇન્સ્પેક્ટરના ઇન્ટરવ્યૂ શરૂ થયા છે. આજે સાંજે આયોગના ધ્યાન પર આવ્યું છે કે ઇન્ટરવ્યૂના એક તજજ્ઞએ સરદારધામમાં મોક ઇન્ટરવ્યૂ લીધા હતા.‌ જેને ધ્યાનમાં લઇ આયોગે બે દિવસ લીધેલા ઇન્ટરવ્યૂ રદ કરવામાં આવ્યા છે, હવે ઇન્ટરવ્યૂ ફરી લેવામાં આવશે. તારીખ હવે જાહેર કરવામાં આવશે. ભવિષ્યમાં આવું ન થાય તે માટે પેનલ મેમ્બર્સનું અગાઉથી લેખિતમાં આ અંગેનું ફોર્મ ભરાવવામાં આવશે.’

અનેક સમાજના નેતાઓએ ભરતી પર સવાલ ઉઠાવ્યા

અગાઉ GPSCના ઈન્ટરવ્યૂને લઈને થયા હતા અનેક સવાલો GPSCના ઇન્ટરવ્યુમાં ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે, ત્યારે ઠાકોર સમાજના નેતા અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયામાં GPSCના ઇન્ટરવ્યુમાં OBCમાં ઠાકોર સમાજના ઉમેદવારોને પણ અન્યાય થાય છે તેવી પોસ્ટ શેર કરી હતી. એ પછી સાબરકાંઠા શિક્ષણ સમિતિના ચેરમેન માંગીલાલ પટેલે જીપીએસસીમાં ચોક્કસ જાતિના લોકોને પાસ કરાતા હોવાનો આક્ષેપ કર્યો હતો. એ પહેલા અગાઉ થોડા દિવસ પહેલા અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરીભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખીને GPSCના ઇન્ટરવ્યુમાં ચોક્કસ સમાજના ઉમેદવારોને આયોજનપૂર્વક ઓછા ગુણ આપવામાં આવ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા.

CM પટેલ, GPSC ચેરમેન પટેલ, ઈન્ટરવ્યૂ લેનાર પણ પટેલ

જીપીએસસી પરીક્ષામાં દલિત, આદિવાસી, ઓબીસી યુવકોને અન્યાય થઈ રહ્યો હોવાની વાત આજકાલની નથી. વર્ષોથી આ પ્રકારના આરોપો લાગતા રહે છે. પરંતુ આ પહેલીવાર છે જ્યારે એકથી વધુ સમાજના નેતાઓ, આગેવાનોએ GPSC દ્વારા થતી ભરતીઓ સામે સવાલો ઉઠાવ્યા હોય. જીપીએસસીના આધારભૂત સૂત્રોના જણાવ્યા પ્રમાણે આખો ખેલ આંદોલન કરી EWS અનામત મેળવનારી ચોક્કસ જાતિના લોકોને સરકારી અધિકારી બનાવવાનો છે.

આ પણ વાંચો: ‘નાસ્તિકતા’ દુનિયાનો ચોથો સૌથી મોટો ધર્મ બન્યો

GPSCના સૂત્રો શું કહ્યું?

GPSC માં કામ કરી ચૂકેલા એક નિવૃત્ત અધિકારીએ નામ ન આપવાની શરતે khabarantar.in ને જણાવ્યું હતું કે, અત્યાર સુધીની GPSCની પેટર્ન પર નજર કરશો તો તમને પણ ખ્યાલ આવી જશે કે, આખો ખેલ ચોક્કસ જાતિના યુવકોને Class-1 અધિકારી બનાવવા માટેનો છે. તેમણે વધુ ખૂલીને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી જે સમાજમાંથી આવે છે, તે જ સમાજમાંથી GPSC ના વર્તમાન ચેરમેન પણ આવે છે.

ફૂડ ઈન્સપેક્ટરની ભરતીની ઈન્ટરવ્યૂ પેનલમાં જેમના પર ગેરરીતિનો આરોપ લાગ્યો છે તે તજજ્ઞ પણ મુખ્યમંત્રી અને ચેરમેનની જ સમાજના છે અને તેઓ જે સંસ્થામાં મોક ઈન્ટરવ્યૂ લેવા જતા હતા તે સંસ્થા પણ એ જ સમાજની છે. તેનો મતલબ તો એવો જ થાય કે ‘પટેલ’ મુખ્યમંત્રીએ એક ‘પટેલ’ અધિકારીને GPSC ના ચેરમેને બનાવ્યા અને એ ચેરમેનની અધ્યક્ષતા હેઠળ નિયત કરાયેલી ફૂડ ઈન્સપેક્ટરના ઈન્ટરવ્યૂની પેનલમાં એક ‘પટેલ’ને તજજ્ઞ તરીકે બેસાડ્યા અને તેઓ ‘પટેલો’ની સંસ્થા સરદારધામમાં મોક ઈન્ટરવ્યૂ લેવા માટે જતા હતા. આના પરથી જ તમને આખી પેટર્ન સમજાઈ જશે.

યુટ્યુબર જયેશ વરિયા શું કહે છે?

જીપીએસસી સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ પર બારીકાઈથી નજર રાખી રહેલા યુટ્યુબર જયેશભાઈ વરીયાએ સ્પર્ધાત્મક પરીક્ષઆઓમાં થતી ગેરરીતિઓ અટકાવવા માટે લેખિત પરીક્ષા પર ભાર મૂક્યો છે. khabarantar.in સાથે વાતચીત કરતા જયેશ વરિયાએ જણાવ્યું હતું કે, “સ્પર્ધાત્મક પરીક્ષામાં ચોક્કસ જાતિના લોકોને જ પાસ કરવામાં આવે છે તે રહસ્ય હવે ખૂલ્લું પડી ગયું છે. હાલ જે લોકો સત્તામાં છે તેઓ તેમની જાતિના વધુને વધુ યુવકો ક્લાસ વન અધિકારી બને તે દિશામાં મહેનત કરી રહ્યાં છે.

gpsc interview injustice

તેની પહેલાની સરકારમાં જીપીએસસી પર અન્ય જાતિના લોકોનું પ્રભુત્વ હોવાથી ઈન્ટરવ્યૂ માટે પણ એ જ જાતિના તજજ્ઞોને બોલાવવામાં આવતા હતા અને તેઓ તેમની લોબીના લોકોને લાભ કરાવતા હતા. આ ઘણાં સમયથી ચાલ્યું આવતું હતું પરંતુ સોશિયલ મીડિયાના જમાનામાં હવે તે ખૂલીને સામે આવી ગયું છે. જો સરકાર ખરેખર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ગેરરીતિઓ અટકાવવા ગંભીર હોય તો તેમણે ઈન્ટરવ્યૂ પ્રથા બંધ કરી દેવી જોઈએ અને માત્ર લેખિતના આધારે જ ભરતી કરવી જોઈએ. જો ઈન્ટરવ્યૂ રાખવું જ પડે તો તેનું વેઈટેજ 10 ટકાથી વધુ ન હોવું જોઈએ. તો જ ન્યાયી ભરતી થઈ શકે તેમ લાગે છે.”

આ પણ વાંચો: ઠાકુર મહિલા નકલી SC સર્ટિફિકેટ પર ચૂંટણી જીતી મંત્રી બની ગઈ?

4.2 5 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Narsinhbhai
Narsinhbhai
1 day ago

*જેની લાઠી એની ભેંસ’ એક અદ્ભુત કહેવત જેને જાતિવાદી લોકો સરકારમાં રહીને પોતાના સમાજ તરફથી તેનો સદુપયોગ કરે છે, જે અન્ય સમાજો માટે આઘાતજનક કહી શકાય તેમ છે! સાધુવાદ!

શું GPSC સહિતની સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં SC-ST-OBC યુવકોને અન્યાય થાય છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x