GPSCના ઇન્ટરવ્યુમાં SC-ST-OBC યુવકોને અન્યાય

GPSCના ઈન્ટરવ્યૂમાં SC-ST-OBC યુવકોને ઓછા માર્ક્સ આપવામાં આવતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. હરિભાઈ ચૌધરી બાદ કલોલના પૂર્વ ધારાસભ્યે અવાજ ઉઠાવ્યો.
sc st obc injustice

Allegations of injustice in GPSC interview: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ગુજરાત જાહેર સેવા આયોગની ભરતી પ્રક્રિયાને લઈને અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. જેમાં GPSCના ઇન્ટરવ્યુમાં SC-ST-OBC ઉમેદવારો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.

થોડા દિવસ પહેલા અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરીભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખીને GPSCના ઇન્ટરવ્યુમાં ચોક્કસ સમાજના ઉમેદવારોને આયોજનપૂર્વક ઓછા ગુણ આપવામાં આવ્યા હોવાના ચોંકાવનારા આક્ષેપો કર્યા હતા. જેણે વ્યાપક ચર્ચા જગાવી હતી. આ મામલો હજુ શાંત નથી પડ્યો ત્યાં ઠાકોર સમાજના નેતા અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયામાં GPSCના ઇન્ટરવ્યુમાં OBCમાં ઠાકોર સમાજના ઉમેદવારોને પણ અન્યાય થાય છે તેવી પોસ્ટ શેર કરી છે.

બળદેવજી ઠાકોરે શું લખ્યું?

ઠાકોર સમાજના નેતા અને કલોલના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરે સોશિયલ મીડિયામાં પોસ્ટ શેર કરીને આક્ષેપ કર્યા હતા કે, ‘GPSCના ઇન્ટરવ્યુમાં OBCમાં ઠાકોરોને પણ અન્યાય થાય છે.’ આ સાથે તેમણે શેર કરેલા ફોટોમાં GPSCની ક્લાસ 1-2ની ભરતીને લઈને ઇન્ટરવ્યુમાં ઠાકોર ઉમેદાવારોને ઓછા ગુણ આપવામાં આવતા હોવાના દાવો કર્યો છે.

હરિભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો

જ્યારે ગત 5 મે, 2025ના રોજ અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખ હરીભાઈ ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. પત્રમાં તેમણે જણાવ્યું હતું કે, ‘ GPSCની ક્લાસ 1-2ની ભરતી પ્રક્રિયામાં મૌખિક ઇન્ટરવ્યુમાં કોઈ ખાસ સમાજને જ લાભો પહોંચાડવા અને કોઈ ખાસ સમાજના જ યુવાનોને નુકસાન પહોંચાડવા માટેનો જ કારસો રચવામાં આવે છે. હાલમાં જ જીપીએસસી ક્લાસ 1-2ના ઇન્ટરવ્યુના પરિણામ જોતાં જે યુવાનોના લેખિતમાં ગુણ વધારે હોય, તેમને ઈન્ટરવ્યૂમાં ખૂબ જ ઓછા ગુણ આપી સ્પર્ધામાંથી કરી દેવાનું એક સુનિયોજિત આયોજન મુજબનું કાવતરું ચાલી રહ્યું હોય તેમ જણાય છે.’
ઈન્ટરવ્યૂની આડમાં ચોક્કસ જાતિના યુવકોને ફાયદો કરાવાય છે

sc st obc injustice

 

હરિભાઈ ચૌધરીએ કેવી રીતે GPSCમાં SC, ST, OBCને અન્યાય થઇ રહ્યો છે તેની વાત કરતા જણાવ્યું હતું કે, લેખિત પરીક્ષામાં 400 ઉપર માર્કસ મેળવનાર 10થી વધુ વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂમાં 50થી ઓછા માર્કસ આપવામાં આવ્યા છે. બીજી તરફ EBC વર્ગના 400થી ઓછા માર્કસ લાવનાર અનેક વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂમાં 70થી વધારે માર્કસ આપવામાં આવ્યા છે. આ જ પ્રકારે જનરલ કેટેગરીના વિદ્યાર્થીઓને પણ ઇન્ટરવ્યૂમાં સારા માર્ક્સ આપવામાં આવ્યા.

હરિભાઈએ ક્યા ઉદાહરણો આપ્યા?

હરિભાઈએ આગળ જણાવ્યું હતું કે, ચૌધરી સમાજના એક છોકરાને લેખિતમાં 426 માર્ક્સ આવ્યા, પરંતુ તેને ઇન્ટરવ્યૂમાં માત્ર 26 માર્કસ આપવામાં આવ્યા, તેથી તે GPSCમાં નાપાસ થયો. બીજી તરફ તે જ વિદ્યાર્થીએ હાલમાં જ UPSCની પરીક્ષા પાસ કરી. આ પ્રકારે SC-ST સમાજ સાથે પણ અન્યાય થયો છે. GPSCમાં 20 માર્ક આપીને જે છોકરાને નાપાસ કર્યો તે જ છોકરો UPSCમાં પાસ થઇને આવે તો સરકારને શરમ આવવી જોઇએ. પોલીસની પરીક્ષાઓમાં પણ તેમણે દોડના જે 50 માર્ક મળતા હતા તે ઝીરો કરી દીધા છે. આના કારણે અમારાં બાળકો જે દોડમાં સારા માર્ક્સ લાવતા હતા તેઓ પાછળ રહી ગયા છે.

sc st obc injustice

GPSC ના ચેરમેન હસમુખ પટેલ પર આક્ષેપ લગાવ્યા

હરિભાઈ ચૌધરીએ જીપીએસસીના ચેરમેન હસમુખ પટેલ પર પણ આડકતરી રીતે એસસી, એસટી, ઓબીસી વિરુદ્ધની માનસિકતાના પણ આક્ષેપ લગાવ્યા હતા. હરિભાઈએ કહ્યું હતું કે, હસમુખ પટેલના ચેરમેન બન્યા પહેલા 3400 જણાની પરીક્ષા લેવાઇ હતી તેમાંથી માત્ર 11 વિદ્યાર્થીને ઇન્ટરવ્યૂમાં 25થી ઓછા માર્ક મળ્યા છે. જ્યારે હસમુખભાઇના અધ્યક્ષ સ્થાને 700 વિદ્યાર્થીમાંથી 136 વિદ્યાર્થીઓને 25થી ઓછા માર્ક મળ્યા છે.

આ પણ વાંચો: ‘જાતિની ખબર ન પડે એટલે તમારી વર્દી પર અટક ન લખો..’

હવે તો આ લોકો ઇન્ટરવ્યૂના 100માંથી 150 માર્ક કરવા જઇ રહ્યા છે. જો આવું થશે તો કોઇ લેખિતમાં સારા માર્ક લાવ્યા હોય છતાં પણ ઇન્ટરવ્યૂમાં ઓછા માર્ક આપવામાં આવશે તો તે ક્યારેય પાસ નહીં થાય. હસમુખ પટેલે પરીક્ષાનું કન્ટ્રોલિંગ ખૂબ સારી રીતે કર્યું છે. પરંતુ આ રીતે GPSCનું કામ સંભાળી રહી હોય ત્યારે તેમની અધ્યક્ષતામાં આવું કંઇ થાય એ સારું નથી લાગતું. હું અહીં કોઇ જ્ઞાતિનો વિરોધ નથી કરતો, પણ કોઇ કારણોસર અમુક ચોક્કસ જ્ઞાતિના લોકોને વધારે માર્ક આપવામાં આવે છે એ અયોગ્ય છે.

ઈન્ટરવ્યૂનું વેઈટેજ ઘટાડી દેવાની માંગ તીવ્ર બની

હરિભાઈએ જણાવ્યું હતું કે, ઈન્ટરવ્યૂ પર્સન્ટેજ ઘટાડી દેવા જોઇએ. કોઇને 90 માર્ક આપવા અને કોઇને 20 માર્ક આપવા એમ 70 માર્કનો ફેર તો ન જ રખાય. લેખિતના પ્રમાણમાં ઈન્ટરવ્યૂની ટકાવારી ઘટાડી દેવી જોઇએ, જેથી કોઇને અન્યાય ન થાય.

આ જ પ્રકારની માગણી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા ગુજરાતના લાખો એસસી, એસટી, ઓબીસી સમાજના યુવકો પણ કરી રહ્યાં છે. જો કે, તેમની વાત કેટલી કાને ધરવામાં આવશે તે તો સમય જ કહેશે.

આ પણ વાંચો: દલિતનો દીકરો જજ બનતા જાતિવાદીઓએ કાવતરું રચી સસ્પેન્ડ કરાવ્યો

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
શું તમે SC/ST એક્ટ હેઠળના કેસોની તપાસ અને સજાના દરથી સંતુષ્ટ છો?
0
Would love your thoughts, please comment.x
()
x