‘મને માફ કરજે મારી જનની, મારી મા,
તા. 31 ઓગસ્ટ 2025ના રોજ મુંબઈમાં આયોજિત બસપા ગુજરાત અને મહારાષ્ટ્ર પ્રદેશ કેડક કેમ્પ અને સમીક્ષા બેઠકની પૂર્વ તૈયારી માટે તા. 23 ઓગસ્ટ 2025ના રોજ અમદાવાદમાં આયોજિત ગુજરાત પ્રદેશ સ્તરીય બેઠકમાં હાજર રહેવું મારા માટે જરૂરી હોવાને કારણે હું તારા અંતિમ શ્વાસ દરમિયાન 400 કિમી દૂર હોવાથી તારી સામે ઉપસ્થિત ન રહી શક્યો. મા, તેં જ તો શીખવ્યું હતું, મહામાનવોનું ઋણ અદા કરવાનું. હે મા, ફરીથી તારી માફી માંગું છું. અલવિદા મા…’
પી.એલ.રાઠોડે પરિવાર કરતા પક્ષને મહત્વ આપ્યું
આ શબ્દો છે ગુજરાત બહુજન સમાજ પાર્ટીના પ્રદેશ કન્વીનર પી.એલ.રાઠોડના. હાલમાં જ તેમના માતાનું અવસાન થયું છે. જો કે, માતાની અંતિમ ક્ષણો દરમિયાન તેઓ બહુજન સમાજ પાર્ટીના કેડર કેમ્પ સહિતના કાર્યોને લઈને અમદાવાદ અને મુંબઈમાં વ્યસ્ત હોવાથી તેઓ પોતાની જનેતાની અંતિમ ક્ષણો દરમિયાન તેમની પાસે હાજર રહી શક્યા નહોતા. જેનો વસવસો તેમણે સોશિયલ મીડિયામાં આ શબ્દો દ્વારા વ્યક્ત કર્યો હતો. પરંતુ તેમની પક્ષ અને બહુજન સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતાએ ગુજરાત સહિત સમગ્ર દેશના બહુજન સમાજનું ધ્યાન ખેંચ્યું હતું. અનેક પ્રબુદ્ધ નાગરિકોએ અને સમાજ હિતચિંતકોએ પી.એલ.રાઠોડની આ પ્રતિબદ્ધતાને બિરદાવી હતી.
28 ઓગસ્ટે તેમની માતાની શ્રદ્ધાંજલિ સભા યોજાશે
ગુજરાત બહુજન સમાજ પાર્ટીના કન્વીનર પી.એલ.રાઠોડના માતૃશ્રી લાખીમાનું તા. 23 ઓગસ્ટ 2025ના રોજ નિધન થયું હતું. જો કે, પી.એલ.રાઠોડ એ દરમિયાન અમદાવાદમાં યોજાનાર બીએસપીના કેડર કેમ્પમાં વ્યસ્ત હોવાથી તેઓ માતાની અંતિમક્ષણો વખતે તેમની પાસે હાજર રહી શક્યા નહોતા. જેનો તેમણે સોશિયલ મીડિયાના માધ્યમથી વસવસો વ્યક્ત કર્યો હતો. તેમના માતાની શ્રદ્ધાંજલિ સભા તા. 28 ઓગસ્ટ 2025ને ગુરૂવારના રોજ સવારે 9.30 થી 12.00 કલાક દરમિયાન તેમના નિવાસ સ્થાન ગામ કોબ, તાલુકો ઉના, જિલ્લો ગીર સોમનાથ ખાતે રાખવામાં આવી છે. પી.એલ.રાઠોડની સમાજ પ્રત્યેની આ પ્રતિબદ્ધતાની સમગ્ર બહુજન સમાજે નોંધ લીધી છે.
આ પણ વાંચો: BSP એ કેડર મીટિંગમાં આર્થિક સહાય લેવાની પ્રથા કેમ બંધ કરી?
ચાંદખેડાના આગેવાન વિજય જાદવે શું લખ્યું
ચાંદખેડાના યુવા આગેવાન અને બિઝનેસમેન વિજય જાદવે ફેસબૂક પર લખ્યું હતું, “એકવાર બહેન કુમારી માયાવતીજીએ રાષ્ટ્રીય સ્તરની બેઠક બોલાવી હતી. એ બેઠક દરમિયાન સમાચાર આવ્યા કે તેમના મોટા ભાઈનું અવસાન થયું છે. છતાં રાષ્ટ્રીય બેઠક પોતાના નિર્ધારિત સમય સુધી ચાલુ રહી. બસ આવી જ પરિસ્થિતિનો સામનો અત્યારે ગુજરાત બસપાના નેતા P.L. Rathod કરી રહ્યા છે. એક તરફ એમના માતૃશ્રીનું અવસાન થયું છે અને બીજી તરફ તેઓ પ્રદેશ સ્તરીય મીટિંગ અને મહારાષ્ટ્રમાં યોજાનાર કેડર કેમ્પની તૈયારીમાં વ્યસ્ત છે. તેઓ પોતે માતૃશ્રીના અંતિમ સમય હાજર રહી શક્યા નથી. કુદરત એમને તથા એમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.”
આ બહુજન સમાજ પ્રત્યેની પ્રતિબદ્ધતા છેઃ બાબુ મનીષ
બાબુ મનીષ નામના એક બીએસપી કાર્યકર લખે છે, “આ દુ:ખ-દર્દ, પીડા શ્રાપ નથી. તેની સામે લડીને આવનારી પેઢીઓ રાજા બનશે, ગુલામ નહીં. માતાને સલામ. પી.એલ. રાઠોડ સાહેબને સલામ. આ ઉર્જા મુખ્ય નેતૃત્વમાંથી આવે છે, માન્યવર પોતાના કોઈપણ સંબંધીના અંતિમ સંસ્કારમાં પણ ગયા નહોતા અને પાર્ટી માટે કામ કરતા રહ્યા હતા. જ્યારે બહેનજીને રાષ્ટ્રીય સભામાં તેમના ભાઈના મૃત્યુના સમાચાર મળ્યા, ત્યારે તેમને સભા રોકવાનું કહેવામાં આવ્યું હતું, ત્યારે બહેનજીએ કહ્યું કે તમે બધાં દેશના અલગ અલગ ખૂણામાંથી આવ્યા છો, જેમાં ઘણી બધી શક્તિ અને મૂડી ખર્ચાઈ છે, અમારો જુસ્સો અને મૂડી બંને મહત્વપૂર્ણ છે, તેથી અમે પહેલા સભા પૂર્ણ કરીશું, તે સમયે પહેલીવાર બહેનજીની આંખોમાં આંસુ જોવા મળ્યા હતા. એ વખતે બધાં સમાચારપત્રોએ આ ઘટનાને પ્રાથમિકતા આપી હતી. બીએસપીની એ રાષ્ટ્રીય સભા તેના નિર્ધારિત સમય સુધી ચાલુ રહી હતી. આ છે પક્ષ પ્રત્યેની પ્રતિબદ્ધતા.”
આવા પુત્રને જન્મ આપનાર માતાને સલામઃ એડવોકેટ અર્જુનસિંહ
એડવોકેટ અર્જુનસિંહ નામના એક બીએસપી કાર્યકર લખે છે, “કોઈ પણ વ્યક્તિ માટે તેના માતા-પિતાના મૃત્યુથી મોટું દુઃખ કોઈ નથી. પી.એલ. રાઠોડજીએ પોતાની માતાના અંતિમ સંસ્કારમાં જવાનું જરૂરી ન માન્યું અને પાર્ટી અને મિશનને બીજા કોઈ પણ વસ્તુ કરતાં વધુ મહત્વપૂર્ણ માનીને બસપા ગુજરાત-મહારાષ્ટ્રની આગામી બેઠક માટે આટલું મોટું બલિદાન આપ્યું. આવા પુત્રને જન્મ આપનાર આવી મહાન માતાને વારંવાર સલામ. માતાને નમ્ર શ્રદ્ધાંજલિ.”
આ પણ વાંચો: ‘ગાંધીનગર સમાચાર’ના મનુવાદી લેખક કનૈયાલાલ ભટ્ટની કોલમ બંધ











Users Today : 1747
અમારા પરિવાર ની દુઃખ ની ઘડીમાં શાબ્દિક હૂંફ આપવા બદલ નરેશ ભાઈ આપનો ખૂબ ખૂબ આભાર.