પટેલોએ દલિતોને માર્યા છતાં હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી

મહેસાણાના અમૂઢના દલિતને માથાભારે પટેલોએ જાતિસૂચક ગાળો ભાંડી માર માર્યો હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે એટ્રોસિટીની કલમો રદ કરી દીધી.
atrocity

ગુજરાત સહિત દેશની વિવિધ હાઈકોર્ટોમાં બેઠેલા જજો અનેકવાર કાયદા અને બંધારણનું મનઘડંત અર્થઘટન કરીને ન્યાયની મૂળ ભાવના વિરુદ્ધના ચૂકાદાઓ આપે છે. પરિણામે અન્યાયનો ભોગ બનેલી વ્યક્તિએ છેલ્લે સુપ્રીમ કોર્ટમાં જવું પડે છે. જો કે, છેલ્લાં કેટલાક સમયથી ત્યાં પણ એટ્રોસિટીના કેસોમાં જે પ્રકારના ચૂકાદાઓ આવી રહ્યાં છે તે જોતા ન્યાય મળશે જ તેવું છાતી ઠોકીને કહી શકાય તેમ નથી.

ન્યાયનું ગળું દબાવી દેવાનો પ્રયત્ન કે બીજું કંઈ?

છેલ્લાં કેટલાક વર્ષોમાં ગુજરાત હાઈકોર્ટમાં ખાસ કરીને એટ્રોસિટીના કેસોમાં જજો દ્વારા નજર સામે દેખાતા સત્યને અવગણીને સવર્ણ જાતિના આરોપીઓની તરફેણમાં ચૂકાદાઓ આપવામાં આવતા હોવાના આક્ષેપો થઈ રહ્યાં છે. આવો જ વધુ એક આક્ષેપ મહેસાણાના ઊંઝા તાલુકાના અમૂઢ ગામે થયેલા એટ્રોસિટીના એક કેસમાં લાગ્યો છે. જેમાં પટેલ જાતિના આરોપીઓએ ગામના દલિતો સાથે મારામારી કરી, જાતિસૂચક ગાળો ભાંડી જમીન હડપ કરી લીધી હોવા છતાં ગુજરાત હાઈકોર્ટે આ કેસમાંથી એટ્રોસિટી એક્ટની કલમોને બાદ કરી નાખી છે અને આખો કેસ નીચલી કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો છે.

મામલો શું છે?

આ કેસની મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાના અમૂઢ ગામમાં અનુસૂચિત જાતિના મહોલ્લાની બાજુમાં આવેલા કૂવામાં પાણી બંધ થઈ જતા દલિત સમાજના લોકોએ તે કૂવાનો ઉપયોગ કરવાનું બંધ કર્યું હતું અને આસપાસની જગ્યામાં થોડું પુરાણ કરીને ત્યાં પોતાના ધાર્મિક-સામાજિક પ્રસંગો કરતા હતા. આ જમીન મોકાની હોવાથી ગામની પટેલ જાતિના લોકોની દાઢ સળવળી હતી અને આ જમીન હડપી લેવા મન બનાવ્યું હતું. આ ગામના પટેલો આર્થિક રીતે સદ્ધર અને મજબૂત રાજકીય વગ ધરાવે છે. તેમનો મહોલ્લો દલિતોની વસ્તીથી અડધો કિલોમીટર દૂર આવેલો હોવા છતાં તેમણે દલિતો પાસેથી આ મોકાની જમીન પડાવી લેવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો: દલિત વરરાજાની જાન પર જાતિવાદી તત્વોએ હુમલો કર્યો

પંખીઘરના બહાને મોકાની જમીન પડાવી લેવાની ચાલાકી

તા. 13 ઓગસ્ટ 2021ના રોજ ગોવિંદ ત્રિભુવન પટેલ અને ધર્મેન્દ્ર જીવણ પટેલ નામના બે આરોપીઓએ દલિતવાસ પાસેની આ જમીન પર પંખીઘર બનાવી ત્યાં લોખંડના તારથી ફેન્સિંગ કરવાનું શરૂ કર્યું હતું. જેની સામે અનુસૂચિત જાતિના રાકેશભાઈ ડાયાભાઈ સેનમાએ વિરોધ કરતા બંને આરોપીઓએ મળીને તેમને બિભત્સ ગાળો ભાંડી, જાતિસૂચક અપશબ્દો બોલી અપમાન કરી, ગડદાપાટુંનો માર માર્યો હતો.

ઘટનાની જાણ થતા દલિતવાસના લોકો ત્યાં પહોંચી ગયા હતા અને રાકેશભાઈ સેનમાને છોડાવ્યા હતા. બાદમાં બંને આરોપીઓ વિરુદ્ધ ઊંઝા પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી હતી. દલિત સમાજના લોકોએ ડીએસપી અને ઊંઝા તાલુકા વિકાસ અધિકારીને પણ ફરિયાદ કરી હતી. એ પછી બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. બાદમાં વીસનગર સેશન્સ કોર્ટમાંથી જામીન મળ્યા હતા.

આરોપીઓ ફરિયાદ રદ કરાવવા હાઈકોર્ટમાં ગયા

જામીન મળ્યા બાદ પટેલોએ એક થઈને હાઈકોર્ટમાં એફઆઈઆર રદ કરવા માટે ક્વોશિંગ પિટિશન દાખલ કરી હતી. ત્યાં સુધીમાં વીસનગર કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો અને પંચો, સાક્ષીઓ અને ફરિયાદોની તપાસ પણ થઈ ચૂકી હતી.
તા. 8 એપ્રિલ 2025ના રોજ ગુજરાત હાઈકોર્ટના જજ જે.સી. દોશીની કોર્ટે આ કેસમાં એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો બનતો નથી તેવા ચૂકાદો આપીને કેસમાંથી એટ્રોસિટી એક્ટની કલમો 3(1) R, 3(1)S અને 3(2)5 રદ કરી દીધી હતી અને 323, 506(2), 504, 114 જીપી એક્ટની કલમ 135 મુજબનો ગુનો બને છે તેમ કહીને કેસ વીસનગર કોર્ટમાંથી ઊંઝાની તાલુકા કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધો હતો.

આ પણ વાંચો: ‘હિંમત હોય તો આભડછેટને દૂર કરવાનું બિલ લાવો, હું સમર્થન કરીશ’

હાઈકોર્ટના જસ્ટિસ દોશીના ચૂકાદા સામે અનેક પ્રશ્નો ઉઠ્યાં

સવાલ એ છે કે, આરોપીઓ ગામના જ છે અને તેઓ વર્ષોથી ફરિયાદી અને તેમના પરિવારને ઓળખે છે અને તેઓ અનુસૂચિત જાતિના છે તે પણ તેમને ખ્યાલ છે, તેમ છતાં તેમને માર મારી, જાતિસૂચક ગાળો ભાંડીને અપમાનિત કર્યા હતા – જે પહેલી નજરે જ એટ્રોસિટી એક્ટ હેઠળનો ગુનો જણાય છે. તેમ છતાં ગુજરાત હાઈકોર્ટના જજ જે.સી.દોશીને તેને અવગણીને એટ્રોસિટીની કલમો રદ કરી નાખી હતી. આ ચૂકાદાને કારણે અમૂઢ ગામના દલિત સમાજની ન્યાયની આશાને મોટો ફટકો લાગ્યો છે. જો કે, સદીઓથી જાતિવાદ અને અત્યાચાર વેઠતા આવેલા દલિતો એમ આસાનીથી હાર માને તેમ નથી. તેમણે હાઈકોર્ટના આ ચૂકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે અને પોતાના તરફથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
શું આ એટ્રોસિટીના કાયદાને નબળો પાડવાની ચાલ છે?

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લાં કેટલાક વર્ષોથી એટ્રોસિટીના કેસોમાં જજો દ્વારા દલિતોને અન્યાય કરાઈ રહ્યો હોવાની અનેક બૂમો ઉઠી છે. અગાઉ અર્ણેશ કુમારના જજમેન્ટના આધારે 7 વર્ષથી નીચેની સજાવાળા એટ્રોસિટીના કેસોમાં પોલીસ ટેબલ જામીન આપી દેશે એવી દહેશત પણ ઉભી થઈ હતી. હાલમાં ભરૂચની એક દલિત દીકરીના કેસમાં પણ હાઈકોર્ટે આવું જ વિવાદિત જજમેન્ટ આપ્યું છે જેમાં દલિત દીકરીને અન્યાય થયો છે. ગુજરાતના દલિત બૌદ્ધિકોમાં ચર્ચા ચાલી રહી છે કે, શું આ એટ્રોસિટીના કાયદાને નબળો પાડવાની ચાલ છે કે બીજું કંઈ?

અમૂઢના દલિતો ન્યાય માટે સુપ્રીમમાં પહોંચ્યા

હવે અમૂઢ ગામના કેસમાં પણ હાઈકોર્ટે યોગ્ય ન્યાય તોળ્યો નથી તેમ ફરિયાદીઓ માને છે. જો હાઈકોર્ટ એટ્રોસિટીના કેસોમાં આ જ રીતે અન્યાયી ચૂકાદાઓ આપતી રહેશે તો દલિતો પર અત્યાચારનું પ્રમાણ વધશે અને આરોપીઓના મનમાં એટ્રોસિટીના કાયદાનો ડર નહીં રહે. આજે પણ ભારતભરમાં દલિતો પર તેમની જાતિના આધારે અત્યાચારો થાય છે, અસ્પૃશ્યતા પણ અકબંધ છે, દલિતોને અનામત થકી તેમને મળવું જોઈતું પ્રતિનિધિત્વ મળી શક્યું નથી. ધર્મ અને અંધશ્રદ્ધા દેશ અને સમાજ પર હાવી થતી જઈ રહી છે. આ બધાં પરિબળો વચ્ચે હાઈકોર્ટ દ્વારા એટ્રોસિટીના કેસોમાં અપાતા આવા અન્યાયી ચૂકાદાઓ ચિંતાજનક છે.

આ કેસમાં અમૂઢ ગામના દલિતોએ હવે નવસર્જન ટ્રસ્ટના કાર્યકરો ભરતભાઈ પરમાર અને શાંતાબેનની મદદ લેવાનું નક્કી કર્યું છે. બંને કાર્યકરોએ તેમને મફત કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરાવી છે.

આ પણ વાંચો: દલિત પ્રોફેસરને મનુવાદીઓએ વિભાગીય અધ્યક્ષ ન બનવા દીધાં

4 4 votes
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
K.K.JADAV
K.K.JADAV
2 months ago

Very Good information

તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
1
0
Would love your thoughts, please comment.x
()
x