વર્ષ 2021માં કોરોના રોગચાળાએ ભારત સહિત દુનિયાભરમાં હાહાકાર મચાવ્યો હતો. હવે આવો જ હાહાકાર એક સરકારી રિપોર્ટમાં ગુજરાત સરકાર દ્વારા મોતના આંકડાઓ છુપાવવાને લઈને મચ્યો છે. ગુજરાતે કોરોનામાં અંદાજે બે લાખ લોકોના મોત સામે માત્ર છ હજારનો જ આંકડો બતાવ્યાનો ચોકાવનારો દાવો એક રિપોર્ટમાં કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ લગભગ ત્રણ મહિના પહેલા બહાર પાડવામાં આવ્યો હતો અને એ મુજબ ગુજરાત કોરોનામાં મોતના આંકડા છુપાવવામાં દેશભરમાં પ્રથમ સ્થાને હતું.
દેશભરમાં 19.73 લાખ લોકો મર્યા, બતાવ્યા માત્ર 3.32 લાખ
ભારતમાં કોરોના મહામારી દરમિયાન મૃત્યુના આંકડા સાથે મોટી રમત રમાઈ હતી. દેશના તમામ રાજ્યોમાં કોરોના મહામારી સંબંધિત ડેટા છુપાવવામાં આવ્યો હોવાનો અને આ સમયગાળા દરમિયાન મૃત્યુઆંક ઓછો આંકીને આંકડાઓ રજૂ કરવામાં આવ્યા હોવાનો એક રિપોર્ટમાં ખુલાસો થયો હતો. કોરોનાની બીજી લહેરમાં એટલે કે 2021 માં, દેશભરમાં 3,32,468 મૃત્યુ નોંધાયા હતા, પરંતુ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા બહાર પાડવામાં આવેલો રિપોર્ટ ચોંકાવનારો છે. આ રિપોર્ટ મુજબ વર્ષ 2021 માં લગભગ 6 ગણા વધુ લોકોના મોત થયા હતા. દેશભરમાં એ વખતે 3,32,468 નહીં પરંતુ 19,73,947 લોકોના મોત થયા હતા.
આ પણ વાંચો: શું કોરોનાની રસી અને યુવાનોના અચાનક મોત વચ્ચે કોઈ સંબંધ છે?
સરકારે બતાવેલા આંકડા કરતા 33.6 ગણા લોકો મર્યા?
આ રિપોર્ટ મુજબ દેશના દરેક રાજ્યમાં કોરોના દરમિયાન મૃત્યુઆંક ઓછો દર્શાવવામાં આવ્યો હતો. ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યો મૃત્યુના આંકડા છુપાવવામાં સંડોવાયેલા છે. સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ (CRS) દ્વારા રજૂ કરાયેલા ડેટા અનુસાર, 2021 માં કોરોનાથી થતા મૃત્યુના આંકડા છુપાવવામાં ગુજરાત મોખરે હતું. એ વર્ષે ગુજરાતમાં લગભગ 6 હજાર લોકોના મોતનો આંકડો રજૂ કરાયો હતો, પરંતુ વાસ્તવમાં 33.6 ગણા વધુ લોકોના મોત થયા હોવાનું આ રિપોર્ટ કહે છે.
ગુજરાત, એમપી, બંગાળ, બિહાર સરકારે પણ આંકડા છુપાવ્યા
ગુજરાત સરકારે રજૂ કરેલા આંકડા મુજબ, 2021માં 5809 મૃત્યુ નોંધાયા હતા, પરંતુ હવે જે અહેવાલ બહાર આવ્યો છે તે મુજબ 2021માં ગુજરાતમાં 1,95,406 મૃત્યુ થયા હતા. કોરોના દરમિયાન મૃત્યુઆંક છુપાવવામાં માત્ર ગુજરાત જ નહીં પરંતુ ઘણા રાજ્યો સામેલ હતા. ગુજરાત પછી મધ્યપ્રદેશ આ બાબતમાં બીજા ક્રમે રહ્યું હતું. મધ્યપ્રદેશમાં મૃત્યુઆંક 6927 હતો, જ્યારે હકીકતમાં અહીં 1,26,774 મૃત્યુ થયા હતા. તેવી જ રીતે, પશ્ચિમ બંગાળમાં મૃત્યુઆંક 10,052 બતાવાયો હતો, પરંતુ અહીં 1,52,904 મૃત્યુ નોંધાયા હતા. બિહારમાં પણ 10,699 લોકોના મૃત્યુનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ અહીં 1,35,391 લોકોના મૃત્યુ થયા હતા. ઉત્તર પ્રદેશમાં 14,563 મૃત્યુનો દાવો કરવામાં આવ્યો હતો, પરંતુ અહીં 1,03,108 મૃત્યુ થયા હતા.
આ પણ વાંચો: દલિત સરપંચ પર જાતિવાદી તત્વોએ ઘરમાં ઘૂસી જીવલેણ હુમલો કર્યો