ગુજરાતની શાળાઓમાં 40,000 શિક્ષકો, 38, 000 ક્લાસરૂમની ઘટ

એકબાજુ રાજ્ય સરકાર શાળા પ્રવેશોત્સવ ઉજવી રહી છે બીજી તરફ રાજ્યમાં સરકારી શાળાઓની હાલત દયનિય છે. વાંચો આ રિપોર્ટ.
gujarat schools

ગુજરાતમાં ભાજપના સાશનમાં સરકારી શિક્ષણ અને સરકારી શાળાઓને રીતસરનો ગળેટૂંપો દઈ દેવાયો હોય તેવી સ્થિતિ છે. એકબાજુ સરકાર દર વર્ષે શાળા પ્રવેશોત્સવનો સરકારી દેખાડો કરે છે, બીજી તરફ સરકારી શાળાઓનું સ્તર દિન પ્રતિદિન કથળતું જઈ રહ્યું છે. હજારો શિક્ષકોની ઘટ છે, શાળાઓમાં પુરતા ઓરડા અને શિક્ષકો નથી.

રાજ્યની સરકારી શાળાઓમાં 40 હજાર શિક્ષકોની ઘટ

લાખો રૂપિયા ખર્ચીને દર વર્ષની જેમ આ વર્ષે પણ સરકારે જોરશોરથી સરકારી શાળાઓમાં પ્રવેશોત્સવની ઉજવણી શરૂ કરી દીધી છે. પરંતુ જે શાળાઓમાં બાળકોને પ્રવેશ અપાય છે તે શાળાઓની સ્થિતિ દયનિય છે. એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 40 હજાર શિક્ષકોની ઘટ છે. સરકાર ભરતી કેલેન્ડર મુજબ શિક્ષકોની ભરતી કરતી નથી. શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પહોંચી રહી છે. શિક્ષણનું સ્તર કથળી રહ્યું છે ત્યારે નાછૂટકે વાલીઓ સંતાનોને ખાનગી શાળામાં એડમિશન અપાવી અભ્યાસ કરાવવા મજબૂર બન્યાં છે. શાળાઓમાં આજે 38 હજાર ઓરડાની અછત છે. એવામાં વિદ્યાર્થીઓને ક્યાં બેસાડીને અભ્યાસ કરાવવો એ સવાલ ઉઠ્યો છે. રાજ્યમાં 10 હજારથી વધુ ઓરડાઓ ગમે ત્યારે પડી જાય તેવી સ્થિતમાં છે. અનેક ગામડાઓ, ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં વિદ્યાર્થીઓ ઝાડ નીચે કે મંદિરોમાં બેસીને ભણી રહ્યા છે.

આ પણ વાંચો:  14 વર્ષની દલિત દીકરીએ આખી શિક્ષણ વ્યવસ્થાને હચમચાવી નાખી

એકબાજુ નવા સત્રનો પ્રારંભ થતાં જ સરકારી શળાઓમાં જોરશોરથી પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે. મુખ્યમંત્રીથી માંડીને કેબિનેટ મંત્રી, IAS, IPS અધિકારીઓ બાળકોને શાળા પ્રવેશ કરાવી રહ્યા છે. પરંતુ હકીકત એ છે કે, પ્રવેશોત્સવ માત્ર એક સરકારી તાયફો બનીને રહી ગયો છે, કેમ કે, ગુજરાતમાં સરકારી શિક્ષણની સ્થિતી કથળેલી છે. સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ પ્રવર્તી રહી છે. સરકારી શાળાઓના પાટિયા પડી રહ્યાં છે. અનેક સરકારી શાળાઓમા એક વર્ગમાં બધા ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યાં છે. કેટલીય શાળાઓ એવી છે કે જ્યાં એક જ શિક્ષક છે.

5912 સરકારી શાળાઓને તાળાં લાગ્યાં

રાજ્ય સરકાર એકબાજુ ગુજરાત શિક્ષણ ક્ષેત્રે જાણે હરણફાળ ભરી રહ્યું હોય તેવું ચિત્ર ઉભું કરવા મથી રહી છે પરંતુ જમીની વાસ્તવિકતા સાવ જુદી છે. મીડિયા રિપોર્ટ્સ મુજબ રાજ્યમાં 5912 સરકારી શાળાઓને તાળાં લાગી ગયા છે. વિદ્યાર્થીઓની ઓછી સંખ્યા અને શાળાઓને મર્જ કરવાના બહાને તેને તાળાં મારી દેવાયા છે.

હાલ રાજ્યમાં 341 શાળાઓ એવી છે જ્યાં માત્ર એક ક્લાસરૂમમાં તમામ ધોરણના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. કેન્દ્ર સરકારના એક રિપોર્ટ મુજબ, ગુજરાતમાં 2462 શાળાઓ એવી છે જ્યાં એક જ શિક્ષક છે અને તે જ બધાં ધોરણના બાળકોને ભણાવે છે.

ગુજરાતમાં દર 29 વિદ્યાર્થીએ એક શિક્ષક

દેશમાં 25 વિદ્યાર્થી દીઠ એક શિક્ષકનો રેશિયો જળવાયેલો રહ્યો છે, પરંતુ ગુજરાતમાં આ રેશિયો વધારે છે. ગુજરાતમાં 29 વિદ્યાર્થી દીઠ એક શિક્ષક છે. આમ, વિદ્યાર્થી અને શિક્ષક વચ્ચેનો રેશિયો પણ જળવાયેલો રહ્યો નથી. ગુજરાતમાં શિક્ષણની અધોગતિ થઈ રહી છે ત્યારે શિક્ષણનું સ્તર-સ્થિતી સુધારવાને બદલે સરકાર લાજવાને બદલે ગાજી રહી છે અને પ્રવેશોત્સવના નામે સરકારી તાયફા કરી રહી છે.

સરકારી શાળાઓના ભોગે ખાનગી શાળાઓને પ્રોત્સાહન

ગુજરાતમાં સરકાર જ સરકારી શિક્ષણને અધોગતિ તરફ ધકેલી રહી હોય તેવી સ્થિતિ છે. ઓછા વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓ બંધ કરી, મર્જ કરીને તાળાં મારી દેવામાં આવે છે. બીજી તરફ ભાજપના જ નેતાઓ ખાનગી શાળાઓ ખોલીને બેસી ગયા છે. તેઓ દર વર્ષે ફી વધારીને વાલીઓને લૂંટી રહ્યાં છે પરંતુ સરકાર સરકારી શાળાઓનું સ્તર સુધારવા તૈયાર નથી. હજારો શિક્ષકોની જગ્યા ખાલી છે, ઓરડા નથી, વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડી રહ્યું છે, યુવાનો નોકરી માટે તૈયાર બેઠાં છે, પરંતુ રાજ્ય સરકારના પેટનું પાણી પણ હલતું નથી અને છતાં શાળા પ્રવેશોત્સવના તાયફા ચાલુ છે.

આ પણ વાંચો: ઉનામાં શાળા પ્રવેશોત્સવ વખતે વિદ્યાર્થીઓ પર સ્કૂલની છતનાં પોપડા પડ્યાં

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x