કોઈ પણ સરકારી અનુદાન મેળવ્યા વિના, કેવળ તેના સૂત્રધારો – શુભચિંતકોના બળે દલિત સાહિત્ય અને સમાજ સેવામાં પાછલા અઢીથી વધુ દાયકાથી કાર્યરત ‘ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી’ દ્વારા એક સાથે 10 પુસ્તકોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અમદાવાદ સ્થિત ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે તા. 2-11-2025ના રોજ વરિષ્ઠ સનદી અધિકારી, TRAI (ભારત સરકાર)ના પૂર્વ અધ્યક્ષ અને ‘અકાદમી’ના શુભચિંતક શ્રી પી.ડી.વાઘેલા IAS ((નિ.)ની અધ્યક્ષતામાં દલિત સાહિત્યના એક સાથે 10 પુસ્તકોના લોકાર્પણનો કાર્યક્રમ સંપન્ન થયો હતો.
‘અકાદમી’ના મેન્ટર અને જાણીતા દલિત સાહિત્યકાર હરીશ મંગલમ્, સહ હોદ્દેદારો અરવિંદ વેગડા, ડો. દિનુ ભદ્રેસરિયા, ડો. રતિલાલ રોહિત તથા સહયોગીઓના ભગીરથ પ્રયાસોના ફળસ્વરૂપે સાકાર થયેલા આ ગ્રંથોના લોકાર્પણ કાર્યક્રમમાં, ગત 19મી મે એ ચિર વિદાય લઈ ગયેલા ‘અકાદમી’ના અધ્યક્ષ, વરિષ્ઠ સનદી અધિકારી અને ‘સવાયા દલિત સાહિત્યકાર’થી ખ્યાત સુપ્રસિદ્ધ સર્જક પ્રવીણ ગઢવીને શબ્દાંજલિ રૂપ સ્મરણ ગ્રંથ ‘સમર્થ સર્જક પ્રવીણ ગઢવી’ સહિત 10 ગ્રંથોના લોકાર્પણ થયા હતા.
આ પ્રસંગે પ્રવીણ ગઢવીની સ્મૃતિમાં સૌએ ઊભા થઈ એમને મૌન શ્રધ્ધાસુમન વ્યક્ત કર્યા હતા. આ લોકાર્પણમાં સર્વશ્રી ડો.પી. સિવાકામી (તમિલનાડુ કેડરના નિવૃત્ત સનદી અધિકારી અને વિખ્યાત તમિલ દલિત લેખિકા), અનન્ય બોઝ (નિવૃત્ત સનદી અધિકારી), ડો. ઈન્તાજ મલેક (પૂર્વ જોઈન્ટ કમિશ્નર – GST અને અંગ્રેજી સાહિત્યના અભ્યાસુ, કવિ અને અનુવાદક), અધ્યાપક ડો.તુષાર પંડ્યા (ગર્લ્સ કોલેજ – ગોજારિયા), પ્રિન્સિપાલ ડો. પારૂલસિંહ જેવા વિદ્વતજનોએ ઉપસ્થિત રહી એમના મનનીય વક્તવ્યો રજૂ કર્યા હતા.
આ પણ વાંચો: શરૂઆત પબ્લિકેશનના પાંચ પુસ્તકોનો વિમોચન કાર્યક્રમ યોજાયો
અંગ્રેજીમાં અનુવાદિત થયેલી ગુજરાતી દલિત સાહિત્યની અનેક કૃતિઓ પોતે વાંચી છે અને અહીંના દલિત સાહિત્યથી પોતે ખૂબ પ્રભાવિત થયા છે એમ જણાવી, Verchol Dalit Literary Award – ૨૦૨૫ પ્રાપ્ત કરનારા તમિલ દલિત નવલકથા, કવિતા, વાર્તા ક્ષેત્રે જાણીતા નારીવાદી લેખિકા ડો.પી.સિવાકામીએ સરકારી સહાય વિના એકલપંડે દલિત સાહિત્યના 150 થી વધુ ગ્રંથો પ્રકાશિત કરનાર ‘ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી’ને અભિનંદન આપી પોતાના વક્તવ્યમાં કહ્યું કે, હું નથી માનતી કે આપણા દેશમાં આવી અનોખી અકાદમી બીજી કોઈ હશે.
વાસ્તવિકતાનું આલેખન કરતા દલિત સાહિત્યની આ દેશમાં આજપર્યંત ઉપેક્ષા સેવાઈ રહી છે ને તે સામે વધુ ને વધુ બળવાન કૃતિઓ દ્વારા આપણે કટીબદ્ધ થવું પડશે તેવો અનુરોધ કરી, સાહિત્ય અને સમાજ સેવા અર્થે સનદી સેવામાંથી સ્વૈછિક નિવૃત્તિ લઈ લેનારા અને એ પછી કન્યાકુમારી બેઠક પર BSPના ઉમેદવાર તરીકે ચૂંટણી લડનારા ડો.સિવાકામીએ મુખ્યધારાના તમિલ સાહિત્યમાં પણ ત્યાંના વિખ્યાત સાહિત્યકારોની અનેક રચનાઓમાં દલિત દ્વેષ કેવો ખુલ્લેઆમ પ્રગટી રહ્યો છે, તેના સંખ્યાબંધ ઉદાહરણો રજૂ કર્યા હતા.
આજે જેમની પાસે ખેતીની મોટી જમીનોનો કબજો છે તેવાઓ તોયે એવી બૂમો પાડે છે કે, ખેતી હવે ખોટનો ધંધો થઈ ગઈ છે અને તો પણ તેઓ એ જમીન છોડતા નથી! જો દલિતો પાસે જમીનો હોત તો એમનો આર્થિક પ્રશ્ન આજે ઘણે અંશે હળવો થયો હોત – એવું નિરીક્ષણ રજૂ કરીને ડો. સિવાકામીએ બિનદલિતો દ્વારા આચરાતા અત્યાચારોની સાથે દલિત સમાજમાં વ્યાપ્ત પિતૃસત્તાક માનસિકતા સામે પણ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: ‘નયા માર્ગ’ના તંત્રી ઈન્દુકુમાર જાનીના બે પુસ્તકોનું વિમોચન થયું
ધર્માધારિત સમાજ વ્યવસ્થામાં અમુક વર્ગને નીચા જ ગણવાના છે, એવા નેરેટિવ સર્જવાના આશય સાથે જ બંધારણ અને ન્યાયતંત્ર પર હુમલા થઈ રહ્યા છે, જ્યાં કોઈ દલિત આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. હશે તોયે તેમને કોઈ ફેર પડવાનો નથી, એમ જણાવી ડો. સિવાકામીએ કહ્યું કે, “તમે ઓળખ કે અટક બદલશો તો પણ તેઓ તમારા મૂળ ખોળી જ લેવાના છે, વિદેશ જઈને વસશો તો ત્યાં પણ શોધી લેશે, આ સ્થિતિમાં આ સમાજની એકતા, તેનું શિક્ષણ, અન્યાય સામે વળતો પ્રતિકાર અને દલિત સાહિત્ય દ્વારા જાગૃતિ જ પરિવર્તન લાવી શકશે.”
તમે એમને લોહી આપશો તો પણ એ તમને પાણીનોય ભાવ નહીં પૂછે! એવો કટાક્ષ કરી ડો. સિવાકામીએ મહિલાઓ પર પ્રસૂતિ સમયે થતા સિઝેરિયન ઓપરેશનોમાં ભારત અને તેની દલિત મહિલાઓનું પ્રમાણ સૌથી વધુ છે, એવી સર્વે આધારિત હકીકતો રજૂ કરીને એમ પણ કહ્યું કે, એની પાછળ પણ ચોક્કસ વસતિના નિયંત્રણનો આશય જણાય છે.
હરીશ મંગલમ્ ની ‘તિરાડ’ અને ‘ચોકી’ નવલકથાઓનો તથા અહીં વિમોચિત 43 દલિત વાર્તાઓના અંગ્રેજી અનુવાદ સંગ્રહમાંની મહત્તમ 10 નો અંગ્રેજી અનુવાદ કરનારા ઉત્તર ગુજરાતની ગોજારિયા ગર્લ્સ કોલેજના અધ્યાપક ડો.તુષાર પંડ્યા અને મંગલમની ‘અગનઝાળ’ નો હિન્દી અનુવાદ કરનારા પ્રિન્સિપાલ ડો.પારૂલસિંહે, દલિત કૃતિઓમાં – ખાસ કરીને મંગલમની કૃતિઓમાં આવતા અસંખ્ય જાનપદી – તળપદી બોલીના શબ્દો – સંદર્ભોના અનુવાદનું કામ તેમના માટે અત્યંત પડકારજનક બની રહ્યું હતું પણ લેખક સાથેની સુદીર્ઘ બેઠકો અને ચર્ચા-વિમર્શ પછી એનો હલ નીકળી શક્યો હતો તેમ જણાવી, આ બંને અનુવાદકોએ મૂળ કૃતિ અને અનુવાદિત કૃતિના મહત્વના અંશોને શ્રોતાઓ વચ્ચે રજૂ કરીને ભારે દાદ મેળવી હતી.
આ પણ વાંચો: ‘સવાયા દલિત સાહિત્યકાર’ પ્રવીણ ગઢવીની અણધારી વિદાય
અનેક દલિત કૃતિઓનો અંગ્રેજી અનુવાદ કરનારા અને અહીં વિમોચિત અનુવાદિત દલિત કાવ્યસંગ્રહની કવિતાઓના જાનપદી બોલીના અનુવાદમાં પોતાની સામે ઊભા થયેલા પડકારો અને એમાં મૂળ લેખકોના મળેલા સહકારની વિગતે વાત કરતા જાણીતા અનુવાદક અને અંગ્રેજી સાહિત્યના અભ્યાસુ ઈન્તાજ મલેકે પણ દલિત સાહિત્યના અંગ્રેજી અનુવાદના એમના અનુભવો રજૂ કર્યા હતા.
શ્રોતાઓ ત્યારે તો અત્યંત પ્રભાવિત થયા જ્યારે, હરીશ મંગલમ્ – અરવિંદ વેગડાની કેટલીક કવિતાઓને ભાવક જગદીશ શાહે એમની વિશિષ્ટ શૈલીના લય અને લહેકા સાથે પહેલા ગુજરાતીમાં રજૂ કરી કે તે પછી તુરત ઈન્તાજ મલેકે તેના અંગ્રેજી અનુવાદનું વાંચન કરીને, એ અનુવાદની યોગ્યતા નક્કી કરવાનું ભાવકો પર છોડ્યું!
જગદીશ શાહ અને ઈન્તાજ મલેકની કવિતાવાંચનની આ જુગલબંધી શ્રોતાઓએ મન ભરીને માણી હતી.
આજે જ્યારે સરેરાશ સમાજમાં સંવેદનશીલતાની ઓટ વર્તાઈ રહી છે ત્યારે, સશક્ત દલિત અભિવ્યક્તિ દ્વારા ભારતીય દલિત સાહિત્યમાં મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા ડો. સિવાકામીના સર્જન અને આજના એમના બેજોડ વક્તવ્યથી મને પોતાને ઘણી નવી જાણકારી પ્રાપ્ત થઈ છે, એમ જણાવી પોતાના અધ્યક્ષીય વક્તવ્યમાં ડો.પી.ડી.વાઘેલાએ આ ‘અકાદમી’ના અધ્યક્ષ અને ખ્યાતિપ્રાપ્ત દલિત સર્જક – પૂર્વ સનદી અધિકારી પ્રવીણ ગઢવીની દલિત સાહિત્ય અને સમાજસેવાને સંભારીને એમને ભાવસભર શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.
આ પણ વાંચો: ગાંધીનગરમાં ગુજરાતના SC-ST સમાજના પત્રકારોનું સ્નેહમિલન યોજાયું
શ્રી વાઘેલાએ પ્રવીણ ગઢવીની પ્રચલિત કવિતા અને એમાં એમણે વ્યક્ત કરેલો એવા અંદેશો કે, આજનું ઉન્માદી વાતાવરણ શું માનવીઓ માનવીના પડછાયાથી અભડાતા હતા એવા દિવસો પાછા તો નથી લાવી રહ્યું ને? તેનો ઉલ્લેખ કરીને તેમના સર્જક કર્મને એક આર્ષદષ્ટાના સર્જન તરીકે ઓળખાવ્યું હતું.
આવા માહોલમાં દલિત સાહિત્યના સર્જન દ્વારા સમાજ જાગૃતિનું આંબેડકરીય કામ કરી રહેલા સૌ દલિત સાહિત્યકારોને ધન્યવાદ આપતા શ્રી વાઘેલાએ કહ્યું કે, આજે દલિત સાહિત્યમાં સંશોધનાત્મક સાહિત્ય વિપુલ પ્રમાણમાં પ્રકાશિત થઈ રહ્યું છે તે પણ દલિત સાહિત્યકારોની સક્રિયતાનું જ પ્રમાણ છે.
દલિતો માટે વિપરિત સંજોગો હોવા છતાં, બાબાસાહેબ આંબેડકરે ચિંધેલા માર્ગને કારણે દલિત સમાજ ઘણો જાગૃત થયો છે અને આજના સોસ્યલ મિડિયાએ આ જાગૃતિમાં અનેક ઘણો ઉમેરો કર્યો છે, એવો મત વ્યક્ત કરતા શ્રી વાઘેલાએ કહ્યું કે, કાયદાઓ હોવા છતાં આ સમાજને પુરતું રક્ષણ મળતું નથી ત્યારે સોસ્યલ મિડિયા દ્વારા સામા સવાલો કરવાની સમાજમાં આવેલી હિંમત પણ એક નવી ક્રાન્તિ લાવી રહી છે.
આ પણ વાંચો: બહુજન-મૂળનિવાસી સાહિત્યમાં સર્જનાત્મક લેખન પર કાર્યશિબિર યોજાઈ
આર્થિક અગવડો વચ્ચે પણ સ્વબળે દલિત સાહિત્ય અને સમાજની સેવામાં ભગીરથ કામ કરી રહેલ ‘ગુજરાતી દલિત સાહિત્ય અકાદમી’ના મેન્ટર હરીશ મંગલમ અને સાથીઓના મક્કમ મનોબળ અને મહેનતને બિરદાવતાં શ્રી વાઘેલાએ કહ્યું કે, પ્રતિબધ્ધતા સાથે સાહિત્યસેવા કરતા કેવી કેવી અડચણોનો દલિત અધિકારીઓએ સામનો કરવો પડે છે તેનું એક ઉદાહરણ એક સમયના અધિક ક્લેક્ટર એવા મંગલમ પોતે છે. એમના જીવનસંઘર્ષથી હું સુપેરે પરિચિત છું.
કાર્યક્રમનું સુંદર સંચાલન ગુજરાત વિદ્યાપીઠના અધ્યાપક ડો. અતુલ પરમારે અને આભારદર્શન માંડલ કોલેજના પ્રિન્સિપાલ ડો. હર્ષદ પરમારે કરી હતી. આ કાર્યક્રમમાં સર્વશ્રી ડો.કેશુભાઈ દેસાઈ, ઈન્દિરા નિત્યાનંદમ્, ડો. રાજન પ્રિયદર્શી (IPS), ડો. દિનુ ભદ્રેસરિયા, ડો.આનંદ વસાવા, ભૂપેન્દ્ર શ્રીમાળી(પૂર્વ GST અધિકારી), દલપત ચૌહાણ, ‘ચરજ’ ના સંપાદક રણજીત ગઢવી, ‘દિશા’ ના તંત્રી મૂળજીભાઈ ખુમાણ, રમણ વાઘેલા, પ્રવીણ શ્રીમાળી, નટુભાઈ પરમાર, રસીલાબેન પરમાર, ડો.હસમુખ પરમાર, સાહિલ પરમાર, સોમ વાઘેલા, આસવ પ્રવીણ ગઢવી,લંકેશ ચક્રવર્તી, પદ્મરાજ હિતેચ્છુ, પ્રિતેશ અમીન સહિત મોટી સંખ્યાના ચાહકો – ભાવકો ઉપસ્થિત રહ્યા હતા.
આ અવસરે ‘સમર્થ સર્જક પ્રવીણ ગઢવી’ સ્મૃતિગ્રંથ, ‘પ્રમાણ’ અને ‘સર્જક અને વિવેચક – અરવિંદ વેગડા’ ( બંને ડો. રતિલાલ રોહિત), ‘दलित वैचारिकी के नये आयाम’ (ડો. ધીરજ વણકર), ‘Forgotten Sorrows’ (અરવિંદ વેગડા – અનુ. ઈન્તાજ મલેક), ‘अगनझाल’ (હરીશ મંગલમ્ – અનુ.ડો.પારૂલ સિંહ), ‘Untouched Harvest’ (હરીશ મંગલમ્ – અનુ. ઈન્તાજ મલેક), ‘Indian Short Stories’ (હરીશ મંગલમ્ ), ‘ચોકી – Sentinella’ (હરીશ મંગલમ્ – અનુ. ઈન્તાજ મલેક ), ‘તિરાડ -The Chasm’ (હરીશ મંગલમ્ – અનુ. ઈન્તાજ મલેક) જેવા ગ્રંથોનું લોકાર્પણ થયું હતું.
(અહેવાલઃ નટુભાઈ પરમાર – ગાંધીનગર)
આ પણ વાંચો: Wikipedia ની ‘ગુજરાતી સાહિત્યકારોની યાદી’માં દલિતો ગાયબ













Users Today : 1724