ગુજરાતમાં છેલ્લાં 35 વર્ષના સાશનમાં ભાજપે સરકારી શિક્ષણની કેવી અધોગતિ નોતરી છે તેના વિશે જેટલું લખીએ તેટલું ઓછું પડે તેમ છે. ખાનગી શાળાઓના લાભાર્થે સરકારી શાળાઓને મર્જરના નામે બંધ કરી દેવી, સરકારી શાળાઓમાં શિક્ષકોની અછત રાખવી, શિક્ષકો પાસે શિક્ષણ સિવાયના 42 જાતના કામો કરાવવા, ઓરડાઓની અછત, જર્જરિત શાળાઓ જેવી અનેક સમસ્યાઓ ગુજરાતમાં પ્રવર્તે છે. આ બધાં વચ્ચે ભાજપના વિકાસની પોલ ખોલી નાખતી એક ઘટના અમદાવાદના કાંકરિયા વિસ્તારમાંથી સામે આવી છે. અહીંની એક સ્કૂલને 10 વર્ષ પહેલા ગુજરાતની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ જાહેર કરવામાં આવી હતી. પરંતુ આજે આ કહેવાતી સ્માર્ટ સ્કૂલના બાળકો પરતાં નીચે બેસીને ભણવા મજબૂર બન્યાં છે.
અમદાવાદના કાંકરિયા વિસ્તારમાં આવેલી શાળા નંબર 6ને 10થી 12 વર્ષ પહેલાં જ ‘સ્માર્ટ સ્કૂલ’ તરીકે જાહેર કરવામાં આવી હતી. પરંતુ આજે તે જર્જરિત થઈ જતાં બંધ કરી દેવી પડી છે. પરિણામે, વિદ્યાર્થીઓને પતરાં નીચે ખુલ્લી જગ્યામાં બેસીને ભણવાનો વારો આવ્યો છે, જ્યાં પંખા કે કુલર જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્કૂલ બોર્ડ દ્વારા કાંકરિયાની શાળા નંબર 6ને સૌપ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલ તરીકે જાહેર કરવામાં આવી હતી. અમદાવાદ પશ્ચિમ લોકસભાના તત્કાલિન સાંસદ ડો. કિરીટ સોલંકીની ગ્રાન્ટમાંથી આ સ્કૂલ બનાવવામાં આવી હતી. જોકે માત્ર એક દાયકામાં જ આ સ્માર્ટ સ્કૂલનું 60 વર્ષ જૂનું બિલ્ડીંગ જર્જરિત થઈ ગયું હતું, જેના કારણે તેને સલામતીના ભાગરૂપે બંધ કરી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ સ્કૂલના વિદ્યાર્થીઓને નજીકમાં આવેલી કાંકરિયા શાળા નંબર 8માં શિફ્ટ કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: SC ની 64 ટકા, ST ની 83 ટકા, OBCની 80 ટકા પ્રોફેસરોની જગ્યાઓ ખાલી
આ શાળામાં ત્રણથી ચાર ક્લાસરૂમ ખાલી હોવા છતાં તેમાં ભંગાર અને અન્ય સામાન મૂકી રાખવામાં આવ્યો છે અને સિનિયર કેજી, જુનિયર કેજી અને ધોરણ 1-2ના બાળકોને પતરાં નીચે બેસાડીને ભણાવવામાં આવે છે. આ ખુલ્લી જગ્યામાં પંખા કે કુલર જેવી કોઈ સુવિધા ન હોવાથી બાળકોને ગરમીમાં ભણવા માટે મજબૂર થવું પડે છે. એક સ્કૂલમાં અંદાજે 200થી વધુ બાળકો ભણતા હોય ત્યારે તમામ બાળકોને એક ચાલુ સ્કૂલમાં વધારાના બાળકો તરીકે મૂકવામાં આવતા ક્લાસરૂમની જરૂરિયાત ઊભી થઇ છે.
અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડના શાસનાધિકારી એલ.ડી. દેસાઈએ આ મામલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, “આ બાબતે મેં સૂચના આપી દીધી છે. સામાન હટાવી દેવાશે અને બાળકોને તેમાં બેસાડીને ભણાવવામાં આવશે. સૌપ્રથમ સ્માર્ટ બનાવવામાં આવેલી સ્કૂલનું બિલ્ડીંગ 60 વર્ષથી વધુ જૂનું છે અને 10 વર્ષ પહેલાં તેને સ્માર્ટ સ્કૂલ બનાવવામાં આવી હતી. બિલ્ડીંગનો કેટલોક ભાગ જર્જરિત જણાતા તેને સલામતીના ભાગરૂપે બાળકોને શિફ્ટ કરવામાં આવ્યા છે.”
આ આખો મામલો ગુજરાતના કહેવાતા સ્માર્ટ સ્કૂલો, સ્માર્ટ ક્લાસરૂમના દાવાઓની હવા કાઢી નાખે છે. સરકાર દ્વારા ખાનગી સ્કૂલોને પણ ટક્કર મારે તેવી સરકારી સ્કૂલો બનાવવામાં આવતી હોવાના દાવા કરાય છે પરંતુ તેની વાસ્તવિકતા શું છે તે રાજ્યની પ્રથમ સરકારી સ્માર્ટ સ્કૂલના કિસ્સા પરથી સમજી શકાય છે.
આ પણ વાંચો: 14 વર્ષની દલિત દીકરીએ આખી શિક્ષણ વ્યવસ્થાને હચમચાવી નાખી