બળાત્કાર અને હત્યા જેવા જઘન્ય ગુનાઓનો દોષી ગુરમીત રામ રહીમ ફરી એકવાર 40 દિવસના પેરોલ પર જેલમાંથી બહાર આવી ગયો છે. આ પેરોલ સાથે જ ગુરમીત રામ રહીમ વર્ષ 2025માં 91 દિવસ જેલની બહાર રહેશે. ત્યારે લોકો પ્રશ્ન કરી રહ્યા છે કે આ કેવો કાયદો છે કે, એક ડબલ મર્ડર અને ડબલ બળાત્કાર કેસનો આરોપી દર બીજા મહિને ‘રજા’ માણવા માટે બહાર આવી જાય છે. શું આ જેલ છે કે હોલીડે ટ્રીપ? અગાઉ એપ્રિલની શરૂઆતમાં તેને 21 દિવસની ફર્લો આપવામાં આવી હતી.
વર્ષ 2025માં રામ રહીમ 91 દિવસ જેલની બહાર રહ્યો
વર્ષ 2025માં આ 14મી પેરોલને ઉમેરીએ તો રામ રહીમ 91 દિવસ માટે જેલની બહાર રહી ચૂક્યો હશે. તેને પેરોલ એક-બે દિવસ કે અઠવાડિયું નહીં પરંતુ ક્યારેક એક મહિના માટે સળંગ હોય છે. વર્ષની શરૂઆતમાં જ, રામ રહીમ 28 જાન્યુઆરીથી 28 ફેબ્રુઆરી સુધી એમ આખા મહિના માટે પેરોલ પર બહાર આવ્યો હતો. જ્યારે તે જેલમાં પાછો ફર્યો ત્યારે તેને 40 દિવસની અંદર બીજી વાર ફર્લો મળી. વર્ષના 7 મહિના વીતી ગયા છે અને એ દરમિયાન રામ રહીમ 91 દિવસ જેલની બહાર રહ્યો છે. એટલે કે, પૂરા ત્રણ મહિના.
5 વર્ષમાં 366 દિવસ પેરોલ પર આઝાદી ભોગવી
દોષિત સાબિત થયા પછી રામ રહીમ કુલ 326 દિવસ જેલની બહાર રહ્યો છે. ઓગસ્ટમાં મંજૂર કરાયેલા આ પેરોલ પછી આ દિવસો વધીને 366 થઈ જશે. યાદી પર એક નજર નાખતા પહેલા, એક વાત યાદ રાખો કે રામ રહીમને વર્ષ 2017માં બે અનુયાયીઓ પર બળાત્કારના કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. આ પછી, 2019 માં તેને પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો.
આ પણ વાંચો: ‘હું દલિત હોવાથી સ્વામિનારાયણની દીક્ષા ન આપી!’
આ ઉપરાંત 2002 માં તેને તેના જ મેનેજરની હત્યાના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યો અને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.
રામ રહીને અત્યાર સુધીમાં આટલી વખત પેરોલ મળ્યાં છે
– 20 ઓક્ટોબર 2020: માતાને મળવા માટે એક દિવસનો પેરોલ.
– 12 મે 2021: બીપી ચેક કરાવવા માટે એક દિવસનો પેરોલ.
– 17 મે 2021: માતાને ફરીથી મળવા માટે એક દિવસનો પેરોલ.
– 3 જૂન 2021: પેટમાં દુખાવાને કારણે સાત દિવસનો પેરોલ મળ્યો.
– 13 જુલાઈ 2021: એઈમ્સમાં સારવાર કરાવવા માટે પેરોલ.
– 7 ફેબ્રુઆરી 2022: 21 દિવસની રજા.
– 17 જૂન 2022: 30 દિવસની પેરોલ.
– ઓક્ટોબર 2022: 40 દિવસની પેરોલ.
– 21 જાન્યુઆરી 2023: 40 દિવસના પેરોલ.
– 20 જુલાઈ 2023- 30 દિવસના પેરોલ.
– 20 નવેમ્બર 2023: 21 દિવસના પેરોલ.
– 19 જાન્યુઆરી 2024: 50 દિવસના પેરોલ.
– 13 ઓગસ્ટ 2024: 21 દિવસની ફર્લો.
– 01 ઓક્ટોબર 2024: 20 દિવસનો ફર્લો.
– 28 જાન્યુઆરી 2025: 30 દિવસના પેરોલ.
– 09 એપ્રિલ 2025 : 21 દિવસની ફર્લો
– 04 ઓગસ્ટ 2025 : 40 દિવસના પેરોલ.
ચૂંટણી વખતે જ પેરોલ મળતા અનેક સવાલો ઉભા થયા
સૌથી ધ્યાન ખેંચે તેવી બાબત એ છે કે, રામ રહીમને હરિયાણા, પંજાબ, દિલ્હી અને રાજસ્થાનમાં ચૂંટણી દરમિયાન પેરોલ અને ફર્લો આપવામાં આવ્યા છે. આ રાજ્યોમાં, ખાસ કરીને હરિયાણાના ઘણા મતવિસ્તારોમાં ડેરા સચ્ચા સૌદાના અનુયાયીઓની સંખ્યા નોંધપાત્ર છે. વિપક્ષી પાર્ટીઓએ સરકાર પર આરોપ લગાવ્યો છે કે સરકાર રાજકીય લાભ માટે વારંવાર રામ રહીમને પેરોલ આપી રહી છે. જોકે, આવા તમામ રાજકીય દબાણ અને ટીકા છતાં રામ રહીમ મોજ કરી રહ્યો છે.
આ પણ વાંચો: કડીના બુડાસણમાં 21 વર્ષના દલિત MBA યુવક પર 5 રબારીઓનો હુમલો