યોગી આદિત્યનાથ જ્યારથી ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી બન્યાં છે ત્યારથી ત્યાં દલિતો પર જાતિવાદી તત્વોના હુમલા વધ્યાં છે. જાતિવાદી ગુંડાઓ દલિતો પર ઈચ્છા થાય ત્યારે હુમલા કરે છે, માર મારે છે અને છતાં પોલીસ કશું કરતું નથી. અહીંના હમીરપુર જિલ્લાના એક ગામમાં તો જાતિવાદી તત્વોએ પોલીસની પણ પરવા ન કરી અને પોલીસની હાજરીમાં જ દલિત ખેડૂત પર હુમલો કરી દીધો અને બંદૂક બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી. એટલું જ નહીં, આ લુખ્ખા તત્વોએ દલિત ખેડૂતની જમીન પરનો ઉભો પાક પણ નષ્ટ કરી નાખ્યો. આ બધું પોલીસની હાજરીમાં થયું અને છતાં પોલીસે આરોપીઓને તેમ કરતા રોક્યા નહોતા.
ઘટના હમીરપુર જિલ્લાના સુમેરપુર પાસેની છે. અહીં જાતિવાદી ગુંડાઓએ પોલીસની હાજરીમાં દલિત ખેડૂત રામપાલ અને તેના પરિવાર પર ક્રૂરતાપૂર્વક અત્યાચાર ગુજાર્યો હતો. આ ઘટના સુમેરપુર શહેરની સેન્ટ્રલ સ્કૂલ પાસેના ખેતરમાં બની હતી, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
હમીરપુરના કૈથી ગામના દલિત ખેડૂત પર હુમલો
સુમેરપુરના કૈથી ગામના રહેવાસી દલિત ખેડૂત રામપાલ તેના પરિવાર સાથે ખેતરમાં કામ કરવા ગયા હતા. ત્યારે તે જ ગામનો માન સિંહ, તેનો પુત્ર આશિષ સિંહ, વિકાસ સિંહ અને દસ અન્ય લોકો હથિયારો સાથે ત્યાં પહોંચ્યા હતા અને હંગામો શરૂ કર્યો હતો. ગુંડાઓએ રામપાલ અને તેના પરિવાર સાથે દુર્વ્યવહાર કર્યો અને ક્રૂર રીતે માર માર્યો. એટલું જ નહીં, ખેતરમાં વાવેલા પાક પર ટ્રેક્ટર ફેરવીને નાશ કરવામાં આવ્યો અને ખેતરમાં બનેલી ઝૂંપડી પણ તોડી પાડવામાં આવી.
આ પણ વાંચો: આણંદના સુંદણમાં 5 શખ્સોએ દલિત યુવકને જાતિ પૂછી માર માર્યો
પોલીસની હાજરીમાં દલિત ખેડૂતને બંદૂક બતાવી હુમલો કર્યો
માહિતી મળતાં જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી, પરંતુ ગુંડાઓએ પોલીસની હાજરીમાં જ દલિત ખેડૂત રામપાલ પર હુમલો કરવાનું ચાલુ રાખ્યું. હદ તો ત્યારે થઈ, જ્યારે આ ગુંડાઓએ રામપાલ પર બંદૂક તાકી અને તેને પોલીસની હાજરીમાં જ જાનથી મારી નાખવાની ધમકી આપી. રામપાલ પોતાનો જીવ બચાવવા ખેતરોમાં દોડી ગયો, પરંતુ ગુંડાઓ બંદૂકો સાથે તેનો પીછો કરતા રહ્યા. પોલીસે કોઈક રીતે વધારાની ફોર્સ બોલાવીને પરિસ્થિતિને કાબુમાં લીધી અને બધા આરોપીઓને કસ્ટડીમાં લીધા.
ઘટનાનો વીડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો
ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. પીડિત રામપાલની ફરિયાદ પર સુમેરપુર પોલીસ સ્ટેશને માન સિંહ, આશિષ સિંહ, વિકાસ સિંહ અને અન્ય લોકો સામે કેસ નોંધ્યો છે. સુમેરપુર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અનૂપ સિંહે જણાવ્યું હતું કે આરોપીઓના કબજામાંથી બે બંદૂકો મળી આવી છે. સદરના સીઓ રાજેશ કમલની સૂચના પર, કેસની તપાસ શરૂ કરવામાં આવી છે અને ઝડપી કાર્યવાહી કરવામાં આવી રહી છે.
દલિતોની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા પર સવાલો ઉઠ્યાં
પોલીસની હાજરીમાં ગુંડાઓએ દલિત ખેડૂત પર હુમલો કરીને બંદૂક તાકી હોવાની ઘટનાએ યોગીના રાજમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા કર્યા છે. વાયરલ વીડિયોમાં ગુંડાઓ પોલીસની સામે દલિત ખેડૂત પર દાદાગીરી કરતા અને તેને ધમકાવતા સ્પષ્ટપણે જોવા મળે છે. આ ઘટનાએ સ્થાનિક વહીવટીતંત્રને મુશ્કેલીમાં મુકી દીધું છે.
हमीरपुर – पुलिस की मौजूदगी में दबंगों ने दलित किसान पर तानी बंदूके @Uppolice @hamirpurpolice pic.twitter.com/HRpYl0x7Gj
— Bundeli Varta बुंदेली वार्ता (@BundeliVarta) July 14, 2025
આ મામલાને ગંભીરતાથી લેતા પોલીસે આરોપીઓ સામે કડક કાર્યવાહી શરૂ કરી છે. જપ્ત કરાયેલા હથિયારોની તપાસ અને FIRના આધારે આગળની કાનૂની પ્રક્રિયા ચાલી રહી છે. સ્થાનિક લોકોએ આ ઘટનાની નિંદા કરી છે અને પીડિત પરિવારને ન્યાય આપવાની માંગ કરી છે.
આ પણ વાંચો: ગૌરક્ષકોએ બે મુસ્લિમ યુવકોને આખી રાત પુરીને માર માર્યો, એકનું મોત