ભારતમાં કોણે કોની સાથે લગ્ન કરવા તે હવે કાયદા મુજબ નહીં પરંતુ હિંદુત્વવાદીઓ દ્વારા નક્કી કરવામાં આવતું હોય તેવી સ્થિતિ પેદા થઈ રહી છે. દેશના અલગ અલગ શહેરોમાં એવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં મુસ્લિમ યુવક અને હિંદુ યુવતીએ જો પ્રેમ લગ્ન કર્યા હોય તો હિંદુત્વવાદી સંગઠન અને તેના કાર્યકરો દ્વારા યુવકને માર મારવામાં આવ્યો હોય અથવા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હોય.
આવો જ વધુ એક કિસ્સો હરિયાણામાંથી સામે આવ્યો છે. અહીંના ચરખી દાદરીમાં એક મુસ્લિમ યુવકે હિન્દુ યુવતી સાથે લગ્ન કર્યા હતા. જ્યારે આ સમાચાર સામે આવ્યા તો હોબાળો મચી ગયો. જિલ્લાના ત્રણ ગામના લોકોએ એકસાથે પંચાયત બોલાવી અને યુવક-યુવતીના સંબંધો તોડી નાખવાનો આદેશ આપવામાં આવ્યો. સાથે એવો પણ નિર્ણય લેવામાં આવ્યો કે મુસ્લિ યુવકને ફરીથી ગામમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. એટલું જ નહીં, યુવકના પરિવારનો પણ બહિષ્કાર કરવામાં આવ્યો છે.
મીડિયા રિપોર્ટ મુજબ, મામલો ચરખી દાદરી જિલ્લાના પાટુવાસ ગામનો છે. અહીં 3 જુલાઈના રોજ ગામના શાહિદ અને પ્રીતિના લગ્ન થયા હતા. ૬ જુલાઈના રોજ જ્યારે ગામના હિંદુઓને આ લગ્નની જાણ થઈ, ત્યારે વિરોધ પ્રદર્શન શરૂ થઈ ગયા. આરોપ છે કે આ કારણે આ વિસ્તારના મુસ્લિમોની દુકાનો બળજબરીથી બંધ કરાવી દેવામાં આવી હતી.
આ પણ વાંચો: નડિયાદમાં 180 સફાઈકર્મીઓને આઉટસોર્સિગમાં ફેરવી દેવાતા ઉગ્ર વિરોધ
અહેવાલ મુજબ, તણાવ વધતો જોઈને, નવપરિણીત યુગલ અલગ રહેવા સંમત થયું અને લેખિત નિવેદન પર સહી કરી. ગામના રહેવાસી ધરમપાલે જણાવ્યું હતું કે બંને વચ્ચે અલગ થવાની પ્રક્રિયા પહેલાથી જ ચાલી રહી હતી. પરંતુ, ગામના કેટલાક યુવાનોમાં ગુસ્સો યથાવત રહ્યો. જેના કારણે, ૨૦ જુલાઈના રોજ પંચાયત બોલાવવામાં આવી હતી.
ચાર કલાક સુધી ચાલેલી આ બેઠકમાં પટુવાસ, મહરાણા અને ખેરી સંવાલ ગામના લોકોએ ભાગ લીધો હતો. પંચાયતની અધ્યક્ષતા કરી રહેલા સરપંચ કપૂર સિંહ અને ધરમપાલે કહ્યું હતું કે શાહિદને ગામમાં પાછો ફરવા દેવામાં આવશે નહીં. તેમણે એમ પણ કહ્યું કે બંને અલગ થઈ જશે. શાહિદના દાદા સંમત થયા છે કે તેમનો પૌત્ર ગામમાં પાછો નહીં ફરે. પંચાયતે શાહિદના પરિવાર સાથે કોઈપણ પ્રકારના સામાજિક સંબંધો રાખવા પર પ્રતિબંધ મૂક્યો હતો.
મીડિયા રિપોર્ટ મુજબ, શાંતિ જાળવવા માટે પોલીસે શાહિદના પરિવારના ઘરે સુરક્ષા કર્મચારીઓ તૈનાત કર્યા છે. તેમણે કહ્યું કે તણાવ ઓછો કરવાના પ્રયાસો ચાલુ છે. ગામના વડા ધર્મપાલના નેતૃત્વમાં સ્થાનિક નેતાઓ આ મામલે મધ્યસ્થી કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, આ ઘટનાએ ફરી એકવાર હરિયાણામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઈને સવાલો ઉભા કર્યા છે. એક પુખ્ય વયના યુવક-યુવતીને દેશનું બંધારણ પોતાની મરજી મુજબ લગ્ન કરવાની પરવાનગી આપે છે. ત્યારે તેમના પર દબાણ લાવી તેમને અલગ કરવા મજબૂર કરનાર લોકો પર કાર્યવાહી કરવાને બદલે તંત્ર તેમને છાવરી રહ્યું હોય તેવી છાપ ઉભી થઈ છે.
આ પણ વાંચો: 9 વર્ષના દલિત બાળકની હત્યા કરી લાશ બાવળે લટકાવી દીધી