આપણી સ્વાતંત્ર્ય ચળવળમાં સત્યાગ્રહોનું વિશિષ્ટ સ્થાન છે. લોકજાગૃતિ માટે આ સત્યાગ્રહોએ ખૂબ મોટી ભૂમિકા ભજવેલી. દાંડી, બારડોલી, ચંપારણ વગેરે જેવા સત્યાગ્રહોને અર્વાચીન ઇતિહાસમાં મહત્વપૂર્ણ સ્થાન મળ્યું છે. જનતા પણ આ સત્યાગ્રહો વિશે સારી એવી માહિતગાર છે. આપણા દેશના અર્વાચીન ઇતિહાસના બે સત્યાગ્રહો એવા છે કે જે માનવઅધિકારો માટે લડાયેલા પણ એ ઇતિહાસમાં કે લોકજીવનમાં એટલા યાદ કરાતા નથી કે એના વિશે અભ્યાસક્રમોમાં પણ એટલું ભણાવાતું નથી. આ બંને સત્યાગ્રહોનું નેતૃત્વ બાબાસાહેબે (Dr. Ambedkar) કરેલું અને બંને મહારાષ્ટ્રમાં થયેલા. એમાંથી એક મહાડ – ચવદાર તળાવમાંથી દલિતોને પાણી પીવા માટેના અધિકાર માટે કરવામાં આવેલો અને બીજો નાસિકના કાલારામ મંદિરમાં પ્રવેશ (Kalaram Temple Entry Satyagraha) માટે.
1930માં 2 જી માર્ચના દિવસે રાજનૈતિક આઝાદી મેળવવા સવિનય કાનૂનભંગની ચળવળ ચાલુ કરવા અંગે ગાંધીજીએ વાઇસરૉયને પત્ર લખીને દેશભરમાં આંદોલનનો પ્રારંભ કર્યો હતો. જ્યારે બાબાસાહેબ અસ્પૃશ્યોને સામાજિક આઝાદી મળે એ માટે મથતા હતા. આ દિવસે નાસિકમાં બાબાસાહેબના નેતૃત્ત્વમાં મોટી સભા થઇ જેમાં અહીંના કાલારામ મંદિરમાં પ્રવેશ મેળવવા માટે સત્યાગ્રહ કરવાનું નક્કી કરવામાં આવ્યું અને એ માટે ત્રીજી માર્ચનો દિવસ નક્કી થયો.
મંદિરના ટ્રસ્ટીઓ અને પૂજારીઓને પહેલાંથી જ સત્યાગ્રહની સૂચના આપી દેવાઇ હતી કે જેથી તેઓ નિર્ણય કરી શકે. ધર્મ સમાનતા શીખવતો હોય તો મંદિરમાં દરેકને પ્રવેશ હોય. અને જો ચોક્કસ વર્ગને પ્રવેશ ન હોય તો એ કલંક ગણાવું જોઇએ. બાબાસાહેબના નેતૃત્વમાં અસ્પૃશ્યો પોતાના અધિકારની પ્રાપ્તિ માટે સજ્જ હતા. બાબાસાહેબ સનાતનીઓના હ્રદય પરિવર્તન દ્વારા મંદિર પ્રવેશ ઇચ્છતા હતા. આ અગાઉ 1929માં પુનાના પાર્વતી મંદિર અને મુંબઇના મુંબાદેવી મંદિર પ્રવેશના પ્રસંગો બાબાસાહેબના નેતૃત્વમાં સફળ રહ્યા હતા.
આ પણ વાંચો: જ્યારે વડના ઝાડ નીચે બેસીને ડૉ. આંબેડકર ચોધાર આંસુએ રડેલાં…
ત્રીજી માર્ચના રોજ બપોરે ત્રણ વાગે મંદિર પ્રવેશ માટે વિશાળ સરઘસ ચાર-ચારની હરોળમાં ગોઠવાઈ ગયું. નાસિક ભાઉરાવ ગાયકવાડની કર્મભૂમિ હોઈ બાબાસાહેબના અનુયાયીઓ વિશેષ સંખ્યામાં હતા, એટલે 20-25 હજાર માણસો ભેગા થયા હતા. કાયદો વ્યવસ્થા જળવાય એટલા માટે સમગ્ર નાસિકમાં પોલીસ ખડકી દેવાઇ હતી. બાબસાહેબની આગેવાનીમાં એક માઇલ લાંબું સરઘસ મંદિર પ્રવેશ માટે નીકળ્યું. સરઘસની આગળ સૈનિક બેન્ડ ચાલતું હતું જ્યારે પાછળ સ્કાઉટ એન્ડ ગાઇડની ટુકડી હતી. તેની પાછળ 500 સત્યાગ્રહીઓની ટુકડી હતી. બધાનાં મનમાં હતું કે, મંદિરના દરવાજા ખુલ્લા હશે, પૂજારીઓ સામેથી સ્વાગત કરશે. પણ સરઘસ જોઈને પૂજારીઓએ દરવાજા બંધ કરી દીધા. સંચાલકોના મનમાં એમ હતું કે, મંદિરના દરવાજા બંધ જોઇને સરઘસમાં રહેલા માણસો દરવાજા પર હુમલો કરશે જેથી ધાંધલ-ધમાલ થશે અને વ્યવસ્થા જાળવવા આવેલી પોલીસ બળપ્રયોગ કરશે. જેથી મંદિર પ્રવેશની જગ્યાએ અસ્પૃશ્યો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થશે.
પણ, બાબાસાહેબના નેતૃત્વમાં રહેલા લોકો બિલકુલ શાંત રહ્યા. બાબાસાહેબ એમને ગોદાવરીના ઘાટ પર દોરી ગયા. ત્યાં સભા ભરાઈ અને નક્કી થયું કે જ્યાં સુધી મંદિરના દરવાજા ના ખૂલે ત્યાં સુધી મંદિરના દરેક દરવાજે બેસીને શાંત ધરણાં કરવાં. લોકોએ સત્યાગ્રહ ચાલુ રાખવાની પ્રતિજ્ઞા લીધી. આ રીતે સત્યાગ્રહ ચાલુ રખાયો. 125 પુરૂષો અને 25 સ્ત્રીઓ મંદિરના દરવાજે ઘેરો ઘાલીને બેઠાં હતાં. મંદિરની ચારેબાજુ પોલીસ ગોઠવી દેવાઈ હતી. સત્યાગ્રહીઓની એક ટૂકડી જાય એટલે બીજી ટૂકડી ધરણાં માટે આવતી. પણ મંદિરના દરવાજા ના ખૂલ્યા તે ના જ ખૂલ્યા. આમને આમ એક મહિનો વિત્યો. સમગ્ર દેશમાં મંદિર સત્યાગ્રહ ચર્ચામાં હતો.
દેશભરમાંથી ઘણાં લોકોએ બાબાસાહેબને સમર્થન આપ્યું. મંદિર બંધ હતું અને રામનવમી નજીક આવતી હતી. નગરયાત્રા કાઢવાનો સમય આવી ગયો હતો. એવામાં સત્યાગ્રહીઓએ સંચાલકોને વિનંતી કરી કે જે રીતે મંદિરનો રથ હિંદુ યુવાનો ખેંચે છે એવી રીતે જ રથ ખેંચવાની છૂટ અસ્પૃશ્યોને પણ આપવી જોઇએ. સીટી મેજીસ્ટ્રેટે બંને પક્ષોને સાથે રાખીને એક બાજુ હિંદુ યુવાનો રથ ખેંચે અને એક બાજુ અસ્પૃશ્ય યુવાનો રથ ખેંચે એવું સમાધાન કરાવ્યું.
આ પણ વાંચો: Periyarનું ‘સાચી રામાયણ’ – બ્રાહ્મણવાદ સામેનું સૌથી ઘાતક હથિયાર
આ દરમિયાન બાબાસાહેબના કાર્યકર્તાઓને એવું જાણવા મળ્યું કે, ભીડમાં અંધાધૂંધીનો લાભ લઇને કેટલાક લોકો બાબાસાહેબની હત્યા કરવાનું આયોજન કરી રહ્યા છે. દાદાસાહેબ ગાયકવાડે જ્યારે આ વાત જણાવી બાબાસાહેબને કહ્યું કે, “ગાડી તૈયાર છે આપ નીકળી જાઓ.” ત્યારે બાબાસાહેબે કહ્યું કે, “હું સૈનિકનો દીકરો છું એમ જીવ બચાવવા ભાગું નહીં. એના કરતાં તો મૃત્યુ સારું.”
આ નગરયાત્રા જોવા માટે લગભગ એક લાખની મેદની એકઠી થઇ હતી. આ બાજુ હિંદુ યુવાનોએ સમાધાનનો ભંગ કરીને અસ્પૃશ્ય યુવાનો પર હુમલો કર્યો. જેના પરિણામે ધાંધલ- ધમાલ થઇ જેનો લાભ લઇ બીજા હિંદુઓ રથને લઇને દોડ્યાં અને રથ એક સાંકડી ગલીમાં ઊભો કરી દીધો. જ્યાં સશસ્ત્ર પોલીસ તૈયાર હતી. અસ્પૃશ્ય યુવાનો રથ ખેંચવાની રસમ પૂરી કરવા માગતા હતા. પણ જેવા એ રથની નજીક જાય કે તરત તેમના પર હુમલો થતો. આમ, હુલ્લડની સ્થિતિ પેદા થઈ.
બાબાસાહેબને આ ખબર પડતાં તેઓ ભીડમાંથી માર્ગ કરતા ઘટનાસ્થળે આવ્યા. એમને જોઇને તોફાનીઓએ પથ્થરમારો કર્યો. બાબાસાહેબ લોહીલુહાણ થઇ ગયા. અસ્પૃશ્ય યુવાનોએ બાબાસાહેબને ચારેબાજુથી ઘેરીને એમનું રક્ષણ કર્યું. બાબાસાહેબને હોસ્પીટલ પહોંચાડવામાં આવ્યા. રામનવમી લોહીયાળ બની ગઇ. નાસિકમાં અસ્પૃશ્યો અને રૂઢિચુસ્ત હિંદુઓ વચ્ચે હુલ્લડ ફાટી નીકળ્યું. રામનવમી પૂરી થઈ. બીજે દિવસે પણ સત્યાગ્રહ ચાલુ થઈ ગયો.
અસ્પૃશ્યો મંદિર પ્રવેશ માટે જ્યારે રૂઢિચુસ્તો મંદિરમાં અસ્પૃશ્યો ન પ્રવેશે તે માટે મક્કમ હતા. રોજે રોજ સત્યાગ્રહીઓની ટુકડીઓ મંદિરના બંધ દરવાજે આવી જતી. પોલીસ આવીને એમની ધરપકડ કરતી તો બીજી ટુકડી આવતી. સરકાર સજા કરતી એમ સત્યાગ્રહીઓ વધુ મજબૂત બનતા. આમને આમ એક વર્ષ સુધી મંદિરના દરવાજા બંધ રહ્યા. આખરે રથયાત્રાની પ્રથા જ બંધ કરી દેવામાં આવી કારણ કે બાબાસાહેબના અનુયાયીઓ સત્યાગ્રહની ઘોષણા કરી દેતા હતા.
સમય વીતતો ગયો બાબાસાહેબ બીજા કામોમાં વ્યસ્ત રહેતા હોવાથી નાસિક સત્યાગ્રહને પૂરતો સમય આપી શકતા નહોતા. આખરે 1935ના ઑક્ટોબર માસમાં મંદિર પ્રવેશનો કાયદો બનતાં મંદિરના દરવાજા અસ્પૃશ્યો માટે ખૂલ્યા. બાબાસાહેબે હિંદુઓના હ્રદય પરિવર્તન દ્વારા મંદિર પ્રવેશ મેળવવા સત્યાગ્રહ આરંભેલો. હ્રદય પરિવર્તન તો ના થયું પણ કાયદો થયો એટલે દ્વાર ખૂલ્યાં. સત્યાગ્રહમાં હ્રદય પરિવર્તન મુખ્ય ગણાય પણ પોતાના જ દેશબાંધવો માટે અન્ય દેશબાંધવોનું હ્રદય પરિવર્તન ન થયું એ કેટલું દુઃખદ!
બે મહિના પહેલાં નાસિકની મુલાકાત લીધેલી. ત્રિરશ્મિ ગુફાઓ જોયા બાદ ખાસ કાલારામ મંદિરે ગયેલા. મંદિરના પટાંગણની દીવાલ પર મંદિર અને તે ક્ષેત્રનું મહત્વ દર્શાવતી વિગતો છે. પણ એમાં આ સત્યાગ્રહનો ઉલ્લેખ ના જ હોય ને! હા, મંદિરના પટાંગણની બહારની દીવાલ પર કર્મવીર દાદાસાહેબ ગાયકવાડની જન્મશતાબ્દી(2001-2) ના ઉપલક્ષ્યમાં ઇ.સ. 2008માં તત્કાલિન સરકાર દ્વારા એક શિલાલેખ કોતરાવવામાં આવ્યો છે. જેમાં સત્યાગ્રહ સમિતીના તમામ સભ્યોનાં નામ છે. કાલારામ મંદિર સત્યાગ્રહ અને મહાડ-ચવદાર તળાવ સત્યાગ્રહ માનવ અધિકારો અને દેશના વંચિતોના ઇતિહાસનાં સુવર્ણપૃષ્ઠ તરીકે કાયમ યાદ રહેશે.
લેખકઃ વિરાગ સુતરિયા
આ પણ વાંચો: અમોલ પાલેકરને ડૉ.આંબેડકર અને નામદેવ ઢસાળ કેમ ગમે છે?