Homebound Oscar: નીરજ ઘાયવાનની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ આમીર ખાનની ‘લગાન’ પછી બીજી ફિલ્મ બની છે, જેને ઓસ્કારમાં બેસ્ટ ઈન્ટરનેશનલ ફિલ્મની કેટેગરીમાં નોમિનેશન મળ્યું છે. લગભગ 24 વર્ષ પછી કોઈ ભારતીય ફિલ્મને આ તક મળી છે. વિવિધ આંતરરાષ્ટ્રીય પ્લેટફોર્મ પર પોતાની છાપ છોડી ચૂકેલી આ ફિલ્મમાં એવું શું છે કે ઓસ્કાર જેવી પ્રતિષ્ઠિત સંસ્થાએ તેને નોમિનેશન આપ્યું છે? ચાલો સમજીએ.
વર્ષ 2020 માં, કાશ્મીરી લેખક અને પત્રકાર બશરત પીરનો “ટેકિંગ અમૃત હોમ” નામનો લેખ ન્યૂ યોર્ક ટાઇમ્સમાં પ્રકાશિત થયો હતો. આ લેખ કોરોનાવાયરસ રોગચાળાને કારણે અચાનક લોકડાઉનથી પીડાતા બે મિત્રોની વાર્તા હતી. આ મિત્રો કોઈ સામાન્ય મધ્યમ વર્ગના કે ખાતા-પીતા ઘરના નહોતા જેમની પ્રવૃત્તિઓ લોકડાઉનને કારણે તેમના ઘર સુધી મર્યાદિત હતી. બંને મિત્રો ઉત્તર પ્રદેશના બસ્તી જિલ્લાના દેવારી ગામના વતની હતા અને ગુજરાતના સુરતમાં નજીવા પગારે કામ કરતા સ્થળાંતરિત મજૂરો હતા. તેઓ એવા પ્રવાસી મજૂરો હતા, જેમને ન તો સિસ્ટમ રોજગારી આપી શકે છે, ન તો સમાજનો ધર્મ અને જાતિવાદ તેમના માટે જગ્યા કરી શકે છે.
આ પણ વાંચો: Phule Review: શું ફિલ્મ ખરેખર બ્રાહ્મણ વિરોધી છે?
24 વર્ષીય દલિત યુવાન અમૃત અને ૨૨ વર્ષીય શોએબની કહાની કોવિડ-19 રોગચાળાની એવી અસંખ્ય કહાનીઓ પૈકીની એક હતી, જેમાં અચાનક લાદવામાં આવેલા લોકડાઉને અચાનક લાખો સ્થળાંતરિત કામદારોને નિરાધાર અને બેરોજગાર બનાવી દીધા હતા. રોજીરોટી કમાવા માટે દેશના વિવિધ ભાગોમાં સ્થાયી થયા પછી આ બંને મિત્રો પાસે જ્યાંથી આવ્યા હતા ત્યાં પાછા ફરવા સિવાય કોઈ વિકલ્પ નહોતો. ટ્રેન અને બસ સેવાઓ બંધ થઈ જતાં તેઓ ફક્ત ચાર હજાર રૂપિયા લઈને ઘરે પાછા ફરવા નીકળ્યા, પરંતુ પરિવહનના કોઈ સાધન નહોતા. ક્યારેક પગપાળા, ક્યારેક ટ્રક દ્વારા… મુસાફરી વધુને વધુ મુશ્કેલ બનતી ગઈ, અને અમૃતને તાવ આવ્યો.
કોરોના વાયરસથી ડરી ગયેલા લોકોએ તેમને સાથી મુસાફર બનાવવાની શક્યતાઓ પર ખતમ કરી નાખી. પરંતુ શોએબે અમૃતનો સાથ ન છોડ્યો. અમૃતનું મૃત્યુ ઘરથી લગભગ ત્રણસો માઇલ દૂર એક હોસ્પિટલમાં થઈ જાય છે અને શોએબને કોરોનાના કારણે ક્વોરન્ટાઇન કરી દેવામાં આવે છે. જોકે, બંનેનો કોરોના ટેસ્ટ નેગેટિવ આવે છે. અમૃતનું મોત સરકારની ટૂંકી દ્રષ્ટિને કારણે સર્જાયેલી મુશ્કેલીઓના કારણે થયું હતું. સમજ્યા વિચાર્યા વિના લાદવામાં આવેલું લોકડાઉન, જેમાં સમાજના આ વર્ગ વિશે વિચારવામાં જ આવ્યું નહોતું, ન તેમના માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી.
બશરત પીરના લેખને નીરજ ઘાયવાન દ્વારા ફિલ્મમાં રૂપાંતરિત કરવામાં આવ્યો હતો, જેમણે ફિલ્મ ‘મસાન’થી પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરી હતી. તેમને કરણ જોહરના ધર્મા પ્રોડક્શન્સનો ટેકો મળ્યો. અમૃત અને શોએબના પાત્રો ચંદન વાલ્મિકી અને મોહમ્મદ શોએબના પાત્રો પરથી ઘડવામાં આવ્યા હતા. પડદા પર દર્શાવવામાં આવેલી વાર્તા ફક્ત એક સ્ક્રિપ્ટ સુધી મર્યાદિત નથી; તે ભારતીય સમાજમાં કાળજીપૂર્વક વણાયેલા ભેદભાવના સ્તરોને પણ ઉજાગર કરે છે. ફિલ્મમાં ઇશાન ખટ્ટર મોહમ્મદ શોએબ તરીકે છે, જ્યારે વિશાલ જેઠવા અમૃતની ભૂમિકા ભજવે છે. ફિલ્મમાં જાહ્નવી કપૂર પણ છે. આખી ફિલ્મમાં નીરજ ઘાયવાનની છાપ સતત જોવા મળે છે, સંવાદો પણ તેમણે જ લખ્યા છે.
આ પણ વાંચો: મારા પિતાએ જે વેઠ્યું તે હું ફિલ્મોમાં બતાવું છુંઃ મારી સેલ્વરાજ
એક ઉદાહરણ લઈએ, પોલીસ યુનિફોર્મ પહેરવા ઉત્સુક ચંદન વાલ્મીકિ ઓફિસમાં પોતે “જનરલ” કેટેગરીનો હોવાનું જણાવે છે. તેની ઓફિસનો કર્મચારી તેની જાતિ વિશે શંકાસ્પદ છે અને તેની ખાતરી કરવા માટે તે તેનું ગોત્ર પૂછે છે. તે દ્રશ્ય પછી, ચંદનના ચહેરા પર એક વિચિત્ર અસ્વસ્થતા દેખાય છે. એક એવો ભય, જેમાં તેનો કોઈ દોષ ન હોવા છતાં એક અપરાધનો ભાવ છે. જાણે તેણે દલિત થઈને કોઈ ગુનો કર્યો હોય.
ચંદનનું તેના મિત્ર શોએબની નારાજગી વહોરીને ‘જનરલ’ કેટેગરીમાં ફોર્મ ભરવું, પોતાની ઓળખનો સ્વીકાર ન થવો વગેરે આ કહેવાતા સભ્ય સમાજમાં કહેવાતી નીચલી જાતિમાં જન્મ લેવાનો ભય, શરમ અને પીડાvs વ્યક્ત કરે છે. ઉલ્લેખનીય છે કે, ભારતમાં જાતિવાદ એક ગેરકાયદે કૃત્ય છે.
છેલ્લા કેટલાક દાયકાઓથી હિન્દુ-મુસ્લિમ વિભાજન અને ઉગ્ર કટ્ટરતાથી પ્રેરિત રાજકારણ કેવી રીતે સામાન્ય નાગરિકોને નુકસાન પહોંચાડે છે, તે શોએબના પાત્ર દ્વારા જોઈ શકાય છે. શોએબ એક સેલ્સ કંપનીમાં પટાવાળા તરીકે કામ કરે છે. તેની ઓફિસના કર્મચારીઓ તેના હાથેથી પાણી પીવાનો ઇનકાર કરે છે, અને તેના માતાપિતાના આધાર કાર્ડની માંગણી કરવામાં આવે છે. જ્યારે ભારત ભારત-પાકિસ્તાન સામેની મેચ જીતે છે, ત્યારે તેને પાકિસ્તાનના નામે ગાળો ભાંડવામાં આવે છે, અને જ્યારે તે વિરોધ કરે છે, ત્યારે તેને મજાક ગણાવી દેવાય છે.
આ ફિલ્મ ફક્ત સ્ક્રીન પરની વાર્તા નથી, પરંતુ લાખો વણકહ્યાં અવાજોનો દસ્તાવેજ છે, જેનો લોકો દરરોજ સામનો કરે છે. ફિલ્મનો સાર તેની કડવી વાસ્તવિકતામાં રહેલો છે. તમામ સંઘર્ષો અને સામાજિક અસલામતી છતાં, શોએબ માટે ચંદન જરૂરી છે. રાજકારણ પ્રેરિત કોઈપણ કટ્ટરતા તેમની મિત્રતામાં તિરાડ પાડી શકતી નથી. કોરોના રોગાચાળાનો ભય પણ તેમને અલગ કરી શકતો નથી.
આ પણ વાંચો: Pa. Ranjith એ તમિલનાડુ સરકાર પર દલિતો મુદ્દે નિશાન સાધ્યું
“હોમબાઉન્ડ” નો અસલ મર્મ આ સવાલ છેઃ શું ખરેખર આપણે ક્યારેય ઘરે પાછા ફરી શકીએ? આ ફિલ્મ સુંદર રીતે દર્શાવે છે કે કેવી રીતે સિસ્ટમ, જાતિ અને આર્થિક મજબૂરીઓ માણસને તેના જ દેશમાં પરદેશી બનાવી દે છે. અહીં, ‘હોમબાઉન્ડ’ થવાનો અર્થ ફક્ત ઘરે પાછા ફરવાનો નથી, પરંતુ વ્યક્તિના મૂળ અને ઓળખને ફરીથી શોધવા માટેનો એક પીડાદાયક સંઘર્ષ છે.
‘હોમબાઉન્ડ’ જેવી એક ખૂબ જ જરૂરી ફિલ્મનું ઓસ્કાર માટે શોર્ટલિસ્ટ થવું માત્ર એક ઝળહળતી સિદ્ધિ જ નથી, પરંતુ એ સમસ્યાને વૈશ્વિક રૂપે ઓળખવાનો પ્રયત્ન છે, જેને ભારતમાં વારંવાર અવગણવામાં આવે છે.
આ પણ વાંચો: નીરજ ઘાયવાનની ફિલ્મ ‘Homebound’ Oscar માટે શોર્ટલિસ્ટ થઈ












