આદિલાબાદ: તેલંગાણાના મંચેરિયલ જિલ્લામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં જાતિવાદનું ઝેર એટલી હદે પ્રસરેલું જોવા મળ્યું કે એક દલિત યુવકે પોતાની પસંદગીની યુવતી સાથે લગ્ન કર્યા, તો બદલામાં તેને પોતાનું ઘર ગુમાવવું પડ્યું. ભીમરામ તાલુકાના દામપુર ગામમાં બનેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવી દીધી છે. પીડિત પરિવાર હવે ન્યાય અને સુરક્ષા માટે વહીવટીતંત્ર સામે નજર માંડીને બેઠો છે.
શું હતી ઘટના?

પીડિત યુવક સુરેન્દ્ર, જે દલિત સમાજનો છે, તેણે પછાત વર્ગ (BC) સમાજની એક યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. આ લગ્ન યુવતીના પરિવારજનોને મંજૂર નહોતા. સામાજિક મોભો અને જ્ઞાતિવાદના અહંકારમાં ચૂર યુવતીના પિતા અને ભાઈઓએ આ સંબંધનો વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. આ વિરોધ માત્ર શાબ્દિક બોલાચાલી સુધી સીમિત ન રહ્યો અને હિંસક સ્વરૂપ ધારણ કરી લીધું.
સુરેન્દ્રના જણાવ્યા મુજબ, જ્યારે તેના ઘરના સભ્યો બહાર ગયા હતા અને ઘર ખાલી હતું, ત્યારે તકનો લાભ લઈને યુવતીના પિતા ચેરુકુ લક્ષ્મણ અને તેના બે પુત્રો અંજી અને સંપતે સુરેન્દ્રના ઘર પર હુમલો કર્યો હતો. તેમણે આખા ઘર પર કેરોસીન છાંટ્યું અને તેને આગને હવાલે કરી દીધું. જોતજોતામાં સુરેન્દ્રનું ઘર અને તેમાં રહેલો તમામ સામાન રાખ થઈ ગયો હતો.

આ પણ વાંચો: ‘એ દલિત છે, તું એની સાથે લગ્ન કરવાનું વિચારી કેમ શકે?’
સુરેન્દ્ર અને તેનો પરિવાર રસ્તા પર આવી ગયો
ઘટના બાદ ભયભીત થયેલા સુરેન્દ્રએ મંચેરિયલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં તેણે જણાવ્યું કે, તેના સાસરી પક્ષના લોકોએ માત્ર તેનું ઘર જ નથી સળગાવ્યું, પરંતુ હવે તેને અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી રહી છે. આ ઘટનાને કારણે દલિત પરિવાર રસ્તા પર આવી ગયો છે અને તેઓ ભારે ગભરાટમાં જીવી રહ્યા છે.
પોલીસે એટ્રોસિટી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો
પોલીસે ઘટનાની ગંભીરતાને સમજીને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. સુરેન્દ્રની ફરિયાદના આધારે પોલીસે આરોપી ચેરુકુ લક્ષ્મણ અને તેના બે પુત્રો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો તેમજ SC-ST (અત્યાચાર નિવારણ) અધિનિયમ હેઠળ ગુનો દાખલ કર્યો છે. પોલીસે ત્રણેય આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને હાલ આ મામલે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો: રાજકોટમાં ભાજપના પૂર્વ સાંસદે 11 એકર જમીન પચાવી પાડી!
ઈન્ટરકાસ્ટ મેરેજ હજુ પણ અસ્વીકાર્ય
આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે આધુનિક યુગમાં પણ ગ્રામીણ વિસ્તારોમાં આંતરજ્ઞાતિય લગ્નોને સ્વીકારવા માટે સમાજ તૈયાર નથી. એક તરફ સરકાર આંતરજ્ઞાતિય લગ્નોને પ્રોત્સાહન આપી રહી છે, ત્યારે બીજી તરફ આવી હિંસક ઘટનાઓ દલિતો અને પછાત વર્ગોની સુરક્ષા સામે મોટા સવાલો ઊભા કરે છે.
સુરેન્દ્રએ પોલીસ રક્ષણની માંગ કરી
દામપુર ગામમાં હાલ ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. પીડિત સુરેન્દ્રએ પોલીસ પાસે રક્ષણની માંગ કરી છે. સ્થાનિક દલિત સંગઠનોએ પણ આ ઘટનાની આકરી નિંદા કરી છે અને આરોપીઓને સખત સજા થાય તેવી માંગણી કરી છે. પોલીસ અધિકારીઓએ ખાતરી આપી છે કે કાયદો તેનું કામ કરશે અને પીડિત પરિવારને સંપૂર્ણ ન્યાય અપાવવામાં આવશે. તપાસ બાદ કોર્ટ આ મામલે શું ચૂકાદો આપે છે તેના પર સૌની નજર રહેશે, પરંતુ હાલ તો એક દલિત પરિવારે માત્ર તેમની જાતિને કારણે પોતાનું ઘર ગુમાવ્યું છે.
આ પણ વાંચો: બારડોલીમાં પ્રેમ પ્રકરણમાં આદિવાસી પરિવારને બાંધીને સરઘસ કાઢ્યું










