વિપક્ષો શા માટે ચૂંટણી પંચને ભાજપનો 12મો ખેલાડી ગણાવે છે?

છેલ્લાં એક દાયકાથી ચૂંટણી પંચ વિવાદોમાં છે. વિપક્ષો તેને નિષ્પક્ષ રેફરી કે અમ્પાયરને બદલે સત્તા પક્ષના 12મા ખેલાડી તરીકે ઓળખે છે. કારણ શું?
election commission of india

ચંદુ મહેરિયા

સ્વચ્છ, સ્વતંત્ર, નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીઓના આયોજન માટે ભારતના ચૂંટણી પંચનો દુનિયામાં ડંકો વાગે છે. પરંતુ આજકાલ તેની એ જ સાખ પર પ્રશ્નો ઉઠી રહ્યા છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પાર્લામેન્ટરી સ્પીચ, પ્રેસ કોન્ફરન્સ અને હવે આર્ટિકલ(MATCH-FIXING MAHARASHTRA) દ્વારા મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ઈલેકશન કમિશનની ભૂમિકા સામે સવાલો ઊઠાવ્યા છે. કોંગ્રેસ નેતાએ મહારાષ્ટ્રના ચૂંટણી વિજયને મતોની ચોરી ગણાવી ચૂંટણી પૂર્વેના છ માસમાં મતદારોમાં થયેલા વધારાને અસાધારણ અને પંચની સત્તા પક્ષ સાથેની મિલીભગતથી થયેલો ગોટાળો કહ્યો છે.

અઢાર લોકસભા અને સંખ્યાબંધ વિધાનસભાઓની ચૂંટણીઓનું મુશ્કેલ, પડકારજનક અને ગંજાવર કામ ચૂંટણી પંચે પાર પાડ્યું છે. બંધારણના અનુચ્છેદ ૩૨૪ પ્રમાણે બંધારણીય સંસ્થા તરીકે સ્થાપિત ચૂંટણી પંચનું કાર્ય મતદાર યાદી તૈયાર કરવાથી માંડીને ચૂંટણીનું પરિણામ જાહેર કરવા સુધીનું છે. ભારતની ભૌગોલિક, સાંસ્કૃતિક અને ભાષાકીય વિવિધતા વચ્ચે પ્રથમ ચૂંટણી કમિશનર સુકુમાર સેનથી વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારે સરાહનીય કાર્ય કર્યું છે. દેશના દુર્ગમ વિસ્તારોના મતદાન મથકો પર ચૂંટણી અધિકારીઓ તથા કર્મચારીઓ અને ચૂંટણી સામગ્રીને પગપાળા, બોટ અને હાથી-ઊંટ સવારીથી પહોંચાડી ચૂંટણીઓ પાર પાડી છે. ચૂંટણી પંચની નિમણૂક સંપૂર્ણ સરકાર હસ્તક હોવા છતાં પંચની નિષ્પક્ષતા મુદ્દે ઝાઝા વિવાદો થયા નથી.

જોકે છેલ્લા એકાદ દાયકાથી ચૂંટણી પંચ વિવાદોના ઘેરામાં છે. વિપક્ષો તેને નિષ્પક્ષ રેફરી કે એમ્પાયરને બદલે ખેલાડી (અને એય બારમો) તરીકે ઓળખે છે. ઈલેકશન કમિશન સરકારના કહ્યાગરા તરીકે વર્તતું હોવાની છાપ ઊભી થઈ રહી છે. સરકારી તંત્ર સાથેના મેળાપીપણાથી વિપક્ષોને વેઠવું પડે છે અને જીતની બાજી હારમાં પલટાઈ જાય છે. મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીઓમાં વિપક્ષી મહાયુતિ વિજય માટે આશાવાદી હોવા છતાં સત્તાધારી મહા વિકાસ અઘાડી ભારે બહુમતીથી પુન: સત્તામાં આવી ત્યારે વિરોધ પક્ષોના ગઠબંધને ચૂંટણી પંચની વિશ્વસનીયતા પર ભારે શંકાઓ વ્યક્ત  કરી છે.

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પૂર્વે લોકસભાની ચૂંટણી થઈ હતી. લોકસભા ચૂંટણીમાં સત્તાધારી બીજેપી ગઠબંધન કરતાં વિરોધ પક્ષોના ગઠબંધનને વધુ લોકસભા બેઠકો પર જીત મળી હતી. તેના  છ જ મહિના પછી થયેલી વિધાનસભા ચૂંટણીમાં વિપક્ષોનો સફાયો થઈ ગયો હતો. જે લોકસભા બેઠક વિપક્ષ જીત્યો હતો તેના હેઠળની વિધાનસભા બેઠકોમાં પણ તેની હાર થવી તે ચિંતા અને વિવાદનો વિષય છે. આ કારણે ચૂંટણી પંચ પર સત્તા પક્ષના પક્ષધર અને કઠપૂતળી હોવાના આરોપ લગાવવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચો: બંધારણમાંથી ‘સમાજવાદી-ધર્મનિરપેક્ષ’ શબ્દો દૂર કરાય તો શું થાય?

લોકસભા અને વિધાનસભા ચૂંટણી વચ્ચેના માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં મતદારોમાં થયેલો આઠ થી દસ ટકાનો( 40 લાખ મતદારોનો) વધારો સૌથી મોટો વિવાદનો મુદ્દો છે. રાહુલ ગાંધીના દાવા પ્રમાણે મહારાષ્ટ્રમાં 2019 થી 2024 ના પાંચ વરસોમાં 32 લાખ મતદારો વધ્યા હતા. પરંતુ વિધાનસભા ચૂંટણીના છેલ્લા છ જ માસમાં 40 લાખ મતદારો વધ્યા હતા. આ વૃધ્ધિ અભૂતપૂર્વ અને અસાધારણ તો છે જ, શંકા પણ જન્માવે છે. રાહુલ ગાંધીના આરોપ પ્રમાણે ભાજપ અને સાથી પક્ષો લોકસભા ચૂંટણીમાં જ્યાં નબળા હતા તે જ વિસ્તારોમાં મતદારોમાં અને છેલ્લા કલાકોમાં મતદાનમાં વૃધ્ધિ મતોની ચોરી માટે ઘડાયેલો પ્લાન છે. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસના મતક્ષેત્ર નાગપુરમાં પણ ત્રીસ હજાર મતદારો વધ્યાનું જણાવ્યું છે.

ઈલેકશન કમિશન રાહુલ ગાંધીના આરોપના પ્રત્યુત્તરમાં મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં તમામ રાજકીય પક્ષોની સામેલગીરી સાથેની પારદર્શી પ્રક્રિયાનું વિગતે વર્ણન કરે છે. મતદારોમાં થયેલ વધારા-ઘટાડા સામે કોઈએ જે તે સમયે કોઈ વાંધો ન લીધો હોવાનું ગાણું ગાયે રાખે છે. વિરોધપક્ષોની માંગ છે કે પંચ લોકસભા અને વિધાનસભા ઈલેકશનની ડિજિટલ મતદાર યાદીઓ પૂરી પાડે કે જાહેર કરે. જેથી તેમના આરોપના આધારો આપી શકાય. પરંતુ પંચ આ માટે તૈયાર નથી.

વિપક્ષનો બીજો આરોપ તેથી પણ વધુ ગંભીર છે. મતદાનના છેલ્લા એક બે કલાકોમાં થયેલા આઠ ટકા જેટલા વધારાને તેઓ અપ્રત્યાશિત કહે છે. અને આ મતદાન વૃધ્ધિના પંચે જણાવેલા કારણો તેમને પ્રતીતિકર લાગતા નથી કે સંતોષી શકતા નથી. એટલે તેઓ મતદાન કેન્દ્રના ફૂટેજ અને બીજા ઈલેકટ્રોનિક દસ્તાવેજોની માંગણી કરે છે.

મતદાનના છેલ્લા કલાકોમાં મતદાનની ટકાવારીમાં થયેલા અસામાન્ય વધારાના વાજબી કારણો અને આધારો પૂરા પાડવાને બદલે ચૂંટણી પંચની ભલામણથી ભારત સરકારે ૧૯૬૧ના ચૂંટણી પ્રક્રિયા સંબંધી નિયમોના નિયમ ૯૩માં સુધારો કર્યો છે. આ સુધારા પ્રમાણે ઈલેકટ્રોનિક ડોક્યુમેન્ટસ( સીસીટીવી ફૂટેજ, વેબ કાસ્ટિંગ ફૂટેજ અને વીડિયો રેકોર્ડિંગ) જાહેર કરવા કે જાહેર નિરીક્ષણ માટે આપવા પર પ્રતિબંધ મૂક્યો છે. પંચ અને સરકારનું આ પગલું વિરોધપક્ષના આરોપોને સાચા ઠેરવવા લેવાયું હોવાનું પ્રથમ નજરે લાગે છે.

ઈલેકટ્રોનિક્સ ડોક્યુમેન્ટ્સ પરની બંધી પછી ઈલેકશન કમિશને દેશના તમામ ચૂંટણી અધિકારીઓને જો તેમના મતવિસ્તારની ચૂંટણીને અદાલતમાં પડકારવામાં આવી ન હોય તો 45 દિવસ પછી તમામ ઈલેકટ્રોનિક્સ ડોક્યુમેન્ટ્સનો નાશ કરવા જણાવ્યું છે. આ આદેશ પણ વિપક્ષના ચૂંટણી પંચની તટસ્થતા સામેના આરોપોને સાચા ઠેરવે છે.

રાહુલ ગાંધી સહિતના ઘણાં વિપક્ષી નેતાઓ જ્યારે પંચની  નિષ્પક્ષ ભૂમિકા સામે સવાલ કરે છે ત્યારે પંચનું વલણ તટસ્થતા દર્શાવવાનું કે સંવાદનું નથી પણ આક્રમક અને વિરોધનું છે. ઈલેકશન કમિશન માટે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારો એક સમાન હોવા જોઈએ. તેને બદલે  જો પંચ ખુદ તેમને વિરોધી માને તો તે સ્વસ્થ લોકતંત્ર માટે સારી બાબત નથી.

ચૂંટણી પંચની કાર્યપ્રણાલી અને ચૂંટણી કમિશનરોની નિયુક્તિ બાબતે સરકારના વલણ સંદર્ભે અદાલતી પડકાર અને રાજકીય વિવાદ થયા છે. એક વ્યક્તિના ચૂંટણી પંચને નવમી લોકસભા પૂર્વે, ૧૯૮૯માં તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ ત્રણ સભ્યોનું બનાવ્યું હતું. એનું દેખીતું કારણ તો એ સમયના ચૂંટણી કમિશનર આરવીએસ પેરીશાસ્ત્રી પર સરકારી અંકુશનું હતું. રાજીવ ગાંધી પછીના વડાપ્રધાન વી.પી.સિંઘે એટલે જ તેને કમિશનમાંથી કમિશનરમાં ફેરવી નાખી એક વ્યક્તિનું બનાવ્યું હતું. ૧૯૯૩માં પી.વી. નરસિંહરાવે તેમના પ્રધાનમંત્રી કાળમાં ફરી તેને ત્રણ સભ્યોનું બનાવ્યું હતું.

આ પણ વાંચો: જ્યારે રાજ કપૂરે કહ્યું, ‘ડો.આંબેડકર મારા પ્રેરણાસ્ત્રોત છે’

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી ૨૦૦૨ના ગોધરા, અનુગોધરાકાંડ પછી વિધાનસભાની ચૂંટણીઓ જલદી ઈચ્છતા હતા પરંતુ તત્કાલીન મુખ્ય ચૂંટણી કમિશનર લિંગદોહ તેમાં સંમત નહોતા. એટલે ચૂંટણી સભાઓમાં મોદી જેમ્સ માઈકલ લિંગદોહના પૂરા નામ સાથે ચૂંટણી કમિશનર પર આક્ષેપો કરતા હતા.  આ હકીકતો દર્શાવે છે કે ગઈકાલની અને આજની સરકારો ચૂંટણી પંચ તેમની મનમરજી મુજબ વર્તે તેવા પ્રયાસો કરે છે.

ચૂંટણી પંચના સભ્યો અને તેમની સંખ્યા બાબતે કોઈ સ્પષ્ટ કાયદો ન હોવાથી ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે કાયદો ન ઘડાય ત્યાં સુધી વડાપ્રધાન, વિરોધ પક્ષના નેતા અને સીજેઆઈની સમિતિ પંચના સભ્યોની પસંદગી કરે તેવો આદેશ કર્યો હતો. હાલની સરકારને તે માફક આવે તેવો ન લાગ્યો એટલે તેણે વડાપ્રધાન, કેબિનેટ મિનિસ્ટર અને વિપક્ષી નેતાની પસંદગી સમિતિ બનાવી છે. એ રીતે તેણે સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસની બાદબાકી કરીને અને કેબિનેટ મિનિસ્ટરને સામેલ કરીને સમિતિમાં પોતાની બહુમતી ઉભી કરી દીધી છે.

ટી.એન. શેષન અને જે.એમ. લિંગદોહ જેવા અપવાદોને બાદ કરતાં ભાગ્યે જ કોઈ ચૂંટણી કમિશનર તેમની નિષ્પક્ષતા અને રાજકીય પક્ષો પર ધાકની કાયમી છાપ છોડી શક્યા છે. ભારત જેવા વિશાળ દેશમાં લોકતંત્રની આધારશિલા નિષ્પક્ષ, ન્યાયી અને સ્વતંત્ર ચૂંટણીઓ છે. તેના માટે ચૂંટણી પંચનું તટસ્થ હોવું અને તટસ્થ દેખાવું જરૂરી છે.

રાહુલ ગાંધીએ એમના તાજેતરના લેખમાં ઈલેકશનની કમિશનની તટસ્થ ભૂમિકા હંમેશા અને બધે જ નહીં પણ ઘણીવાર શંકા પેદા કરનારી હોવાનું જણાવ્યું છે. પંચે આ બાબતને વિપક્ષો હારે છે એટલે પંચ પર દોષનો ટોપલો ઢોળે છે એ રીતે જોવાને બદલે હકારાત્મક ગણી વિરોધ પક્ષો સામે હલ્લાબોલની ભૂમિકાને બદલે સંવાદની ભૂમિકા રચી તેનો તટસ્થતા પુરવાર કરવાનો વર્તમાન કસોટી કાળ વધુ ન લંબાય તેમ કરવું જોઈએ.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે)

આ પણ વાંચો: સાવરકુંડલામાં હિન્દુ વૃદ્ધાનું અવસાન થતા મુસ્લિમ યુવાને અંતિમવિધિ કરી

5 2 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે બહુજન સમાજ માટે સૌથી મહત્વના મુદ્દા ક્યા છે?
0
Would love your thoughts, please comment.x
()
x