JNUમાં VCના નિવેદન સામે ભારે રોષ, સેંકડો વિદ્યાર્થીઓ રસ્તા પર ઉતર્યા

JNU ના વાઇસ ચાન્સેલરની કથિત જાતિગત ટિપ્પણી બાદ કેમ્પસમાં વિરોધ પ્રદર્શન તેજ બન્યું છે. SC, ST અને OBC સમાજના હજારો વિદ્યાર્થીઓએ ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કર્યા.
JNU students take to the streets

દેશની પ્રતિષ્ઠિત જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) ફરી એકવાર ચર્ચામાં છે. આ વખતે વિવાદ કોઈ રાજકીય વિચારધારાને લઈને નહીં, પરંતુ સામાજિક સમાનતા અને બંધારણીય ગરિમાને લઈને છે. યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરે દલિતો પર વિક્ટીમ કાર્ડ રમતા હોવાનો આરોપ લગાવ્યા બાદ મામલો ગરમાયો છે. વીસીના આ કથિત જાતિગત નિવેદનને લઈને અહીંના જાગૃત વિદ્યાર્થીઓમાં ભારે રોષ ફેલાયો છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર વાયરલ થયેલા વીડિયો મુજબ જેએનયુમાં હજારો વિદ્યાર્થીઓ વાઈસ ચાન્સેલરના વિરોધમાં રસ્તા પર ઉતરી આવ્યા હતા અને વીસી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

જેએનયુના વિદ્યાર્થીઓમાં ભારે રોષ

આ વિરોધ પ્રદર્શનમાં મુખ્યત્વે અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) ના વિદ્યાર્થી સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા. પ્રદર્શનકારી વિદ્યાર્થીઓનો આરોપ છે કે વાઇસ ચાન્સેલરે એક જાહેર કાર્યક્રમ અથવા બેઠક દરમિયાન જે પ્રકારની ભાષાનો પ્રયોગ કર્યો છે, તે પછાત અને વંચિત સમાજ પ્રત્યેની તેમની માનસિકતા દર્શાવે છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે, “જો સર્વોચ્ચ શૈક્ષણિક પદ પર બેઠેલી વ્યક્તિ જ જાતિવાદને પ્રોત્સાહન આપશે, તો સામાન્ય વિદ્યાર્થીઓનું શું થશે? આ માત્ર શબ્દો નથી, પણ હજારો વર્ષોના સંઘર્ષ બાદ મેળવેલા આત્મસન્માન પર પ્રહાર છે.”

આ પણ વાંચો: પ્રો. જી.એન. સાંઈબાબાની પુણ્યતિથિ કાર્યક્રમ મુદ્દે 10 વિદ્યાર્થીઓ સામે FIR

ગોદી મીડિયા અને તેમના પત્રકારત્વ પર સવાલો ઉઠાવ્યા

આ આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓએ માત્ર યુનિવર્સિટી તંત્ર જ નહીં, પરંતુ દેશના મુખ્ય પ્રવાહના મીડિયા (Mainstream Media) પર પણ આકરા પ્રહારો કર્યા હતા. સોશિયલ મીડિયા પર યુઝર્સ અને વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે કે જ્યારે જેએનયુમાં 10-20 લોકોનું નાનું જૂથ કંઈક કરે છે ત્યારે મીડિયા તેને દિવસભર બતાવે છે, પરંતુ જ્યારે હજારોની સંખ્યામાં દલિત અને પછાત વર્ગના વિદ્યાર્થીઓ પોતાના અધિકારો માટે લડે છે, ત્યારે મીડિયા મૌન સેવી લે છે. પ્રદર્શનમાં ‘ગોદી મીડિયા’ જેવા શબ્દોનો પ્રયોગ કરીને પત્રકારોની નિષ્પક્ષતા પર સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. વાયરલ વીડિયોમાં દેખાતી પ્રચંડ ભીડ એ વાતની સાક્ષી પૂરે છે કે આ આંદોલન કેટલું વ્યાપક છે, છતાં નેશનલ ન્યૂઝ ચેનલો પર તેની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે.

વહીવટીતંત્રનું અકળ મૌન

હાલમાં યુનિવર્સિટી વહીવટીતંત્ર આ મુદ્દે કોઈ સ્પષ્ટતા આપવાથી બચી રહ્યું હોય તેમ લાગે છે. કેમ્પસમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને મુખ્ય ગેટ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જોકે, વિદ્યાર્થીઓએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જ્યાં સુધી વાઇસ ચાન્સેલર જાહેર માફી નહીં માંગે અથવા તેમના પદ પરથી રાજીનામું નહીં આપે, ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. આ લડત હવે માત્ર કેમ્પસ પૂરતી સીમિત રહી નથી, પરંતુ તેને દેશભરના અન્ય શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થી સંગઠનોનું પણ સમર્થન મળી રહ્યું છે.

આ પણ વાંચો: વર્ધા યુનિવર્સિટીએ 10 SC-OBC વિદ્યાર્થીને કાઢી મૂક્યા

મામલો શું હતો?

જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) ના વર્તમાન વાઇસ ચાન્સેલર શાંતિશ્રી ધુલીપુડી પંડિત (Santishree Dhulipudi Pandit) છે. તેઓ JNU ના પ્રથમ મહિલા વાઇસ ચાન્સેલર પણ છે. તેમણે હાલમાં જ એક પોડકાસ્ટ ઇન્ટરવ્યૂ દરમિયાન કરેલા નિવેદનને કારણે આ વિવાદ સર્જાયો છે. તેમણે દલિતોને વિક્ટિમ કાર્ડ રમતા હોવાનું જણાવીને કહ્યું હતું કે, “તમે કાયમી ધોરણે પીડિત બનીને અથવા ‘વિક્ટિમ કાર્ડ’ રમીને પ્રગતિ કરી શકતા નથી. તેમણે કથિત રીતે આ બાબતને “કામચલાઉ પ્રકારનો નશો” (Temporary type of drug) ગણાવી હતી. એટલું જ નહીં, તેમણે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) ના નવા ‘પ્રમોશન ઓફ ઇક્વિટી’ નિયમોને “બિનજરૂરી”, “તર્કહીન” અને “વોકિઝમ” (wokeism) ગણાવ્યા હતા.

વિવાદ વધતા શાંતિશ્રી પંડિતે સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને સંદર્ભની બહાર લેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતે બહુજન બેકગ્રાઉન્ડમાંથી આવે છે અને તેઓ માત્ર ‘વોકિઝમ’ નો વિરોધ કરનારાઓના વિચારો રજૂ કરી રહ્યા હતા. આ નિવેદનોને JNU ના વિદ્યાર્થી સંગઠનો (જેમ કે JNUSU, SFI, AISA) દ્વારા “જાતિવાદી” ગણાવીને તેમના રાજીનામાની માંગ સાથે મોટા પાયે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો: JNU ના વાઈસ ચાન્સેલરે દલિતોને ‘પીડિત માનસિકતા’થી ગ્રસ્ત ગણાવ્યા!

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x