શું રામાયણ મહિલાઓની વિરુદ્ધ છે? જાણો પેરિયારના ધારદાર તર્ક

સામાજિક ક્રાંતિના પ્રણેતા પેરિયાર રામાયણને કેમ પિતૃસત્તાક વ્યવસ્થાનું પ્રતીક ગણાવે છે તે તેમના ધારદાર તર્કથી સમજો.
Ramayana Periyars sharp arguments

વીસમી સદીના ભારતીય સામાજિક ઇતિહાસમાં ઈ.વી. રામાસામી, જેમને આપણે ‘પેરિયાર’ તરીકે ઓળખીએ છીએ, તેમનું નામ આદર અને ક્રાંતિના પ્રતીક તરીકે લેવામાં આવે છે. દક્ષિણ ભારતમાં જન્મેલા પેરીયારે આજીવન જાતિવાદ, પિતૃસત્તાક માનસિકતા અને ધાર્મિક રૂઢિચુસ્તતા સામે ક્રાંતિનું રણશિંગું ફૂંક્યું હતું. જ્યારે દેશમાં રામને આદર્શ માનવામાં આવતા હતા, ત્યારે પેરીયારે ‘સચ્ચી રામાયણ’ (ધ ટ્રુ રામાયણ) લખીને મનુવાદીઓને ચોંકાવી દીધા હતા. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય એ હતો કે સમાજનો જે વર્ગ વર્ષોથી દબાયેલો રહ્યો છે, ખાસ કરીને દલિતો, દ્રવિડો અને સ્ત્રીઓ, તેઓ સમજે કે ધાર્મિક ગ્રંથોમાં તેમની છબી કેવી રીતે કંડારવામાં આવી છે. પેરીયાર માનતા હતા કે રામાયણ એ માત્ર એક પુસ્તક નથી, પરંતુ સ્ત્રીઓ પર પુરુષ પ્રધાન સમાજનું વર્ચસ્વ સ્થાપિત કરવાનું એક વ્યવસ્થિત હથિયાર છે.

રામાયણ: એક પિતૃસત્તાક માળખું

પેરીયાર રામાયણ અને મહાભારતને ઐતિહાસિક પુરાવાઓ માનવાને બદલે તેને આર્ય સંસ્કૃતિ દ્વારા દ્રવિડ સંસ્કૃતિ પર થોપવામાં આવેલા કાલ્પનિક ગ્રંથો ગણાવતા હતા. તેમણે રામ અને કૃષ્ણને દેવતા નહીં, પરંતુ પૃથ્વી પરના સામાન્ય મનુષ્યો તરીકે જોયા, જેમની ભૂલો અને પક્ષપાતી વલણને ધર્મના નામે છુપાવવામાં આવ્યું છે. પેરીયારના મતે, આ ગ્રંથોમાં સ્ત્રીઓની ભૂમિકા માત્ર પુરુષોની જરૂરિયાતો પૂરી કરવા અથવા તેમની પ્રતિષ્ઠામાં વધારો કરવા પૂરતી સીમિત રાખવામાં આવી છે. સ્ત્રીનું પોતાનું અસ્તિત્વ, તેની ઈચ્છાઓ કે તેની ગરિમાનું અહીં કોઈ સ્થાન નથી.

આ પણ વાંચો: રામજી સકપાલ: ભીમરાવને ‘ડૉ.આંબેડકર’ બનાવનાર પ્રજ્ઞાવાન પિતા

પેરીયારના 5 મુખ્ય તર્ક જે રામાયણને સ્ત્રી વિરોધી સાબિત કરવા માટે અત્યંત મહત્વના છે તે સમજીએ.

સ્ત્રીના અસ્તિત્વનો ભોગઃ શાંતા અને અહલ્યાનો પ્રસંગ

પેરીયાર તર્ક આપે છે કે રામાયણમાં સ્ત્રીના અસ્તિત્વનો ઉપયોગ માત્ર પુરુષોના વંશ કે યજ્ઞની સિદ્ધિ માટે જ કરવામાં આવ્યો છે. રાજા

દશરથની પુત્રી શાંતાને માત્ર એક સાધન તરીકે જોવામાં આવી. દશરથને પુત્ર ન હોવાથી, તેમણે પોતાની પુત્રી શાંતાને લોમપાદ ઋષિને દત્તક આપી દીધી અને બાદમાં ઋષિ પત્ની બનાવી દીધી જેથી પુત્રકામેષ્ટિ યજ્ઞ સફળ થઈ શકે.

બીજો દાખલો અહલ્યાનો છે. અહલ્યાના કિસ્સામાં ઇન્દ્રએ કપટ કર્યું હોવા છતાં, ગૌતમ ઋષિએ સજા અહલ્યાને આપી. પેરીયાર પ્રશ્ન ઉઠાવે છે કે અહલ્યા જેવી નિર્દોષ સ્ત્રીને પથ્થર બનાવી દેવામાં આવી, પરંતુ ગુનેગાર ઇન્દ્ર સામે કોઈ કડક પગલાં કેમ ન લેવાયા? શું સ્ત્રીનું માન સન્માન એટલું સસ્તું છે કે પુરુષની ભૂલનો દંડ પણ સ્ત્રીએ જ ભોગવવો પડે? આ ઘટના સ્ત્રીને ન્યાય આપવાને બદલે તેને દબાવવાની માનસિકતા દર્શાવે છે.

શૂર્પણખાની જાતીય સ્વતંત્રતા પર ઘાતક પ્રહાર

રામાયણનો એક વિવાદાસ્પદ કિસ્સો એટલે શૂર્પણખાનો પ્રસંગ. પેરીયાર મુજબ, શૂર્પણખાએ માત્ર રામ કે લક્ષ્મણ સમક્ષ વિવાહનો પ્રસ્તાવ મૂક્યો હતો. લોકશાહી કે નૈતિક દ્રષ્ટિએ કોઈને પસંદ કરવા કે પ્રેમનો પ્રસ્તાવ મૂકવો એ ગુનો નથી. તેમ છતાં, લક્ષ્મણ દ્વારા શૂર્પણખાનું નાક અને કાન કાપી નાખવામાં આવ્યા. પેરીયાર પૂછે છે કે શું કોઈ રાજકુમારી કે સ્ત્રી પોતાની ઈચ્છા વ્યક્ત કરે તો તેનું અંગવિચ્છેદન કરવું એ વીરતાનું લક્ષણ છે? આ ઘટના સ્ત્રીની શારીરિક ગરિમા પરનો મોટો હુમલો છે. તેને ‘રાક્ષસી’ કહીને સમાજમાં તેની ઈચ્છાઓનું દમન કરવાનું આ કાવતરું છે.

આ પણ વાંચો: શું આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ(AI) ‘જાતિવાદી’ છે?

સીતા: એક રાજકુમારી કે પુરુષની મિલકત?

પેરીયાર સીતાના પાત્રનું વિશ્લેષણ કરતા જણાવે છે કે સીતા જેવી સક્ષમ સ્ત્રીને હંમેશા રામની પાછળ ચાલતા અને તેમના પર નિર્ભર રહેતા પાત્ર તરીકે જ દર્શાવવામાં આવી છે. વનવાસ દરમિયાન પણ સીતાની રક્ષા રામની પ્રતિષ્ઠા સાથે જોડાયેલી હતી. પેરીયારના મતે, રામાયણમાં સીતાને એક જીવંત વ્યક્તિ તરીકે નહીં પરંતુ રામની ‘વ્યક્તિગત મિલકત’ તરીકે રજૂ કરાયા છે. જ્યારે રાવણ દ્વારા સીતાનું અપરણ થયું, ત્યારે રામનું દુઃખ એક પત્ની ગુમાવ્યા કરતા પોતાની મિલકત છીનવાઈ ગઈ હોય તેવું વધુ હતું. પેરીયાર મુજબ, રામાયણ સ્ત્રીને પરાવલંબી બનવાનું શિક્ષણ આપે છે.

સીતાની અગ્નિપરીક્ષા: પવિત્રતાનો એકતરફી માપદંડ

રામાયણમાં સીતાની અગ્નિપરીક્ષા એ પેરીયાર માટે સ્ત્રી વિરોધી વિચારધારાનું સૌથી મોટું પ્રમાણ હતું. રાવણની લંકામાં રહ્યા બાદ જ્યારે સીતા પરત ફરે છે, ત્યારે રામ તેમની પવિત્રતા પર શંકા કરે છે. પેરીયાર પૂછે છે કે અગ્નિપરીક્ષા માત્ર સીતાએ જ કેમ આપવી પડી? શું રામની પવિત્રતાની કોઈ કસોટી થઈ હતી? આ પરંપરાએ ભારતીય સમાજમાં ‘સતીત્વ’ નો એક એવો ખતરનાક વિચાર વાવ્યો છે કે સ્ત્રીએ હંમેશા પુરુષો દ્વારા નક્કી કરાયેલા ધારાધોરણો પર જ પોતાની જાતને સાબિત કરવી પડે છે. આ સ્ત્રીની આઝાદી અને તેના આત્મસન્માન પર નખાયેલી સૌથી મજબૂત સાંકળ છે.

સીતાનો ત્યાગ: સામાજિક પ્રતિષ્ઠા અને સ્ત્રીનું બલિદાન

રામાયણના અંતિમ ભાગમાં રામ જ્યારે એક ધોબીની વાતોમાં આવીને ગર્ભવતી સીતાનો ત્યાગ કરે છે, ત્યારે પેરીયાર આકરા પ્રહારો કરે છે. તેમના મતે, આ કોઈ આદર્શ રાજાનું લક્ષણ નથી, પરંતુ એક પિતૃસત્તાક પુરુષના ખોખલા અહંકારનું પ્રદર્શન છે. જે સ્ત્રીએ અગ્નિપરીક્ષા આપીને પોતાની પવિત્રતા સાબિત કરી હતી, તેને માત્ર એક અજાણ્યા પુરુષની વાતોને કારણે રઝળતી મૂકી દેવી એ સ્ત્રી જાતિનું અપમાન છે. અહીં ધોબી પણ પુરુષ છે અને રામ પણ પુરુષ છે, જ્યારે પીડા ભોગવનાર પાત્ર સીતા છે. આ કિસ્સો સાબિત કરે છે કે પુરુષ પ્રધાન સમાજમાં સ્ત્રીની લાગણીઓ અને તેના અસ્તિત્વ કરતા પુરુષો દ્વારા રચાયેલા ‘લોકલાજ’ ના નિયમો વધુ મહત્વના છે.

આ પણ વાંચો: ડૉ.આંબેડકરે ‘મનુસ્મૃતિ’ને મહિલાઓ માટે ક્રૂર ગ્રંથ કેમ કહ્યો હતો?

પેરિયારના તર્ક સ્ત્રીઓને સ્વતંત્ર બનાવે છે

પેરીયારના આ તર્કો ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવા માટે નહીં, પરંતુ સમાજમાં પ્રવર્તતા અસમાનતાના મૂળિયાંઓને ઉખાડવા માટે હતા. તેઓ માનતા હતા કે રામાયણ જેવા ગ્રંથો સ્ત્રીઓને આદર્શ પત્ની બનવાના નામે ગુલામ બનાવવાનું શીખવે છે.

‘સચ્ચી રામાયણ’ દ્વારા તેમણે સ્ત્રીઓને આહવાન કર્યું હતું કે તેઓ તેમના પર પડેલી બેડીઓને ઓળખે અને પિતૃસત્તાક પરંપરાઓનો ત્યાગ કરીને સ્વતંત્ર બને. પેરીયારના વિચારો આજે પણ સ્ત્રીવાદી ચળવળો માટે પ્રેરણારૂપ છે, જે આપણને ધર્મ અને સંસ્કૃતિને તર્કની એરણ પર ચકાસવાની મજબૂત સમજ પુરી પાડે છે.

આ પણ વાંચો: અંગ્રેજી વિશે ડો.આંબેડકર, જ્યોતિબા ફૂલે, પેરિયાર શું માનતા હતા?

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
તમારા મતે ગુજરાતમાં દારૂબંધી કેટલી સફળ છે?
0
Would love your thoughts, please comment.x
()
x