નેતા-અધિકારીઓ, બિઝનેસમેનની ત્રિપુટી જૂનાગઢને લૂંટે છે: જિગ્નેશ મેવાણી

જૂનાગઢમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સ્વાભિમાન સંમેલન યોજી તંત્રના ભ્રષ્ટાચાર અને રાજકોટ પોલીસની દમનકારી નીતિ વિરુદ્ધ ૧૪મી એપ્રિલે મહાસંમેલનની ચેતવણી આપી છે.
junagadh statement for jignesh mevani

જૂનાગઢમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ઉપસ્થિતિમાં ‘સ્વાભિમાન સંમેલન’ અને ‘લોક દરબાર’નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય દલિત સમાજ અને સામાન્ય જનતા પર થઈ રહેલા અન્યાયને વાચા આપવાનો હતો. સંમેલન બાદ મેવાણી 26 જેટલા પડતર પ્રશ્નો અને ગંભીર ફરિયાદો સાથે કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે જૂનાગઢનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે જાતિવાદી વલણ અપનાવી રહ્યું છે.

માત્ર દલિત સમાજને ટાર્ગેટ કરીને તેમની વિરુદ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે, જ્યારે સત્તાધારી પક્ષના લોકો અને ભૂ-માફિયાઓ સામે તંત્ર મૌન સેવી રહ્યું છે. કલેક્ટર કચેરીએ રજૂઆત સમયે મીડિયાને પ્રવેશતા અટકાવવા બદલ પણ તેમણે તંત્રની માનસિકતા પર સવાલો ઉઠાવ્યા હતા અને લોકશાહીના ચોથા સ્તંભને દબાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.

અધિકારીઓ, નેતાઓ, બિઝનેસમેનો જૂનાગઢને લૂંટે છેઃ મેવાણી

લોક દરબારમાં સંબોધન કરતા જીગ્નેશ મેવાણીએ જૂનાગઢ જિલ્લા કલેક્ટર તંત્ર, મહાનગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં ચાલી રહેલા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે અત્યંત આક્રમક શબ્દોમાં જણાવ્યું કે અધિકારીઓ, નેતાઓ અને મોટા બિઝનેસમેનોની ત્રિપુટી મળીને જૂનાગઢની જનતાને ખરા અર્થમાં લૂંટી રહી છે. ખનીજ માફિયાઓ પાસેથી 44 કરોડ રૂપિયા જેવી માતબર રકમ વસૂલવાની બાકી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવતા નથી, જે સાબિત કરે છે કે સરકારના આશીર્વાદથી જ ભૂ-માફિયાઓ ફૂલ્યા-ફાલ્યા છે.

આ પણ વાંચો: જૂનાગઢમાં 11 થી 14 એપ્રિલ દરમિયાન બહુજન સાંસ્કૃતિક મેળો યોજાશે

મેવાણીએ વધુમાં ઉમેર્યું કે જનતાના ટેક્સના પૈસે ‘થાર’ જેવી લક્ઝુરિયસ ગાડીઓ અધિકારીઓ માટે ખરીદાય છે પરંતુ ગરીબ જનતાની સુવિધાના નામે મીંડું છે. તેમણે પડકાર ફેંક્યો કે જો ભાજપના કાર્યાલય ‘કમલમ’ની તટસ્થ રીતે DLR માપણી કરવામાં આવે તો ત્યાં પણ મોટા પાયે સરકારી જમીન પરના દબાણો બહાર આવશે.

મેવાણીના કલેક્ટર પર ગંભીર આક્ષેપો

મેવાણીએ જૂનાગઢ કલેક્ટર પર સીધો હુમલો કરતા જણાવ્યું કે જે લોકો અગાઉ ‘ગુજસીટોક’ જેવા ગંભીર ગુનાના આરોપી રહી ચૂક્યા છે, તેમને તંત્ર દ્વારા હથિયારના લાયસન્સ લહાણીની જેમ આપવામાં આવ્યા છે. અન્ય જિલ્લાના ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સોને જૂનાગઢના રહેવાસી હોવાના ખોટા દાખલાના આધારે લાયસન્સ ફાળવવામાં આવ્યા છે, જે સુરક્ષા વ્યવસ્થા સામે મોટો પ્રશ્નચિન્હ છે. તેમણે ગંભીર ચેતવણી આપી કે જો ભવિષ્યમાં જિલ્લામાં કોઈ હિંસા કે અનિચ્છનીય ઘટના બનશે તો તેની સંપૂર્ણ જવાબદારી કલેક્ટરની રહેશે. દામોદર કુંડ અને નરસિંહ મહેતા સરોવરના બ્યુટિફિકેશનના કામમાં પણ ટેન્ડર પ્રક્રિયાથી લઈને કામગીરી સુધી કરોડોની ગેરરીતિ થઈ હોવાનો દાવો તેમણે કર્યો હતો. ગરીબ ખેત મજૂરો જમીન ખેડે તો તેમના પર લેન્ડ ગ્રેબિંગના કેસ કરી જેલમાં ધકેલી દેવાય છે, પરંતુ સત્તાના જોરે બેઠેલા માલેતુજારોના દબાણો સામે તંત્ર લાચાર દેખાય છે.

14મી એપ્રિલ સુધીનું અલ્ટિમેટમ અપાયું

રાજકોટના દલિત અગ્રણી ડી.ડી. સોલંકી વિરુદ્ધ થયેલા કથિત ખોટા કેસો અને રાજકોટ ડીસીપી જગદીશ બાંગરવાની કાર્યપદ્ધતિ સામે મેવાણીએ ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. તેમણે આક્ષેપ કર્યો કે પોલીસ કસ્ટડીમાં આરોપીઓ પાસે અકુદરતી કૃત્યો કરાવવામાં આવે છે અને માનવાધિકારનો ઘોર ભંગ કરવામાં આવે છે. આરોપીઓના પગ ભાંગી નાખવા જેવી બર્બરતા સામે તેમણે સવાલ ઉઠાવ્યા હતા.

આ પણ વાંચો: ‘હું ભાજપ પ્રમુખ છું, એટ્રોસિટીની ફરિયાદ ખેંચી લે નહીંતર પત્તો નહીં લાગે!’

જો જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરવામાં નહીં આવે તો આગામી 14મી એપ્રિલ એટલે કે ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતીના રોજ રાજકોટમાં એક લાખથી વધુ દલિતો ઉમટી પડશે અને સરકારને પોતાની તાકાત બતાવશે. ગીર સોમનાથના એક બાળકનો પગ અકસ્માતમાં કપાઈ જવા છતાં 4 મહિના સુધી પોલીસે ફરિયાદ ન નોંધી હોવાની વિગતો જાણી મેવાણીએ પરિવારને સાંત્વના આપી ન્યાય અપાવવા માટે મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવાની ખાતરી આપી હતી.

જૂનાગઢની જનતાને ભ્રષ્ટાચારીઓ સામે અવાજ ઉઠાવવા હાકલ

સંમેલનના સમાપન સમયે જીગ્નેશ મેવાણીએ જાહેરાત કરી કે આ લડત માત્ર દલિત સમાજ પૂરતી સીમિત નથી, પરંતુ આગામી દિવસોમાં તમામ શોષિત સમાજના લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકે તેવો વ્યાપક કાર્યક્રમ યોજવામાં આવશે. તેમણે જૂનાગઢની જનતાને જાગૃત થવા આહવાન કર્યું કે જો અત્યારે અવાજ નહીં ઉઠાવવામાં આવે તો ભ્રષ્ટ અધિકારીઓ શહેરને પાયમાલ કરી દેશે.

આ સ્વાભિમાન સંમેલન દ્વારા તેમણે સરકારને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સત્તાના જોરે સામાન્ય માણસનો અવાજ દબાવી શકાય નહીં. અધિકારીઓની જોહુકમી અને નેતાઓની મિલીભગત સામે હવે બહુજન સમાજ સંગઠિત થઈને સડક પર ઉતરવા તૈયાર છે. અન્યાય સામેની આ લડાઈ હવે આવનારા દિવસોમાં ગુજરાતના રાજકારણમાં નવો વળાંક લાવશે તેવું ચોક્કસપણે દેખાઈ રહ્યું છે.

આ પણ વાંચો: ઉનાકાંડના ચૂકાદાને સરકાર ઉપલી કોર્ટમાં પડકારે, નહીંતર અમે પડકારીશું’

0 0 votes
Article Rating
Subscribe
Notify of
guest
0 Comments
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
0
Would love your thoughts, please comment.x
()
x