આભડછેટનો અનુભવઃ હું કાંતિલાલ પરમાર. અમરેલીના જશવંતગઢ નામના અંતરિયાળ ગામમાં જન્મેલો, નાનપણમાં આંખોમાં ભણીગણીને આગળ વધવાના સપના સાથે શાળામાં પ્રવેશ મેળવનાર એક ગભરુ વિદ્યાર્થી. પણ મારી ઓળખ માત્ર એક વિદ્યાર્થી પુરતી મર્યાદિત નહોતી. મારી જાતિ મને વારંવાર યાદ કરાવવામાં આવતી. મારા પૂર્વજોએ સદીઓ સુધી જે અન્યાય અને અપમાન મૂંગા મોઢે સહન કર્યા હતા, તેને તોડવા માટે મેં શિક્ષણનો માર્ગ પકડ્યો હતો. પણ શાળાના એ ઉંબરે પગ મૂકતાની સાથે જ મને અહેસાસ કરાવવામાં આવ્યો કે હું અહીં ભણવા માટે નહીં, પણ અપમાનિત થવા માટે આવ્યો છું.
હાઈસ્કૂલમાં અભ્યાસ કરતો ત્યારે એક અંગ્રેજીના શિક્ષક હતા. હું વર્ગખંડમાં પ્રવેશું એટલે તેઓ વ્યંગ સાથે કહેતા — “આ આવ્યા સરકારના જમાઈ! સ્કોલરશીપ મળે છે, મફતમાં ભણે છે!” તેમના આ કટાક્ષ પર આખા ક્લાસમાં હાસ્યનું હુલ્લડ ફાટી નીકળતું. છોકરા-છોકરીઓ સૌ હસી પડતા. એ હાસ્ય મારા આત્માને ઘાયલ કરતું. સ્કોલરશીપ — જે બંધારણીય હક છે, જે શૈક્ષણિક સમાનતા માટેનું સાધન છે — તેને ઉપકાર કે ભિક્ષા તરીકે બતાવી મને નીચું બતાવવાનો પ્રયત્ન થતો. એ શબ્દો માત્ર મજાક નહોતા; એમાં જાતિવાદી શિક્ષકની સદીઓની ઘૃણા છુપાયેલી હતી. ક્લાસરૂમનું એ હાસ્ય મારા કાનમાં ગરમ સીસાની જેમ ઉતરતું અને મારું લોહી ઉકળી ઉઠતું. એ મજાક નહોતી, એ મારી ગરીબી અને મારી જાતિ પર કરવામાં આવેલો જીવલેણ હુમલો હતો.

એ વખતે મને સમજાતું કે આભડછેટ માત્ર ગામના કૂવે કે મંદિરના પગથિયે નથી, પણ આ ‘શિક્ષિત’ કહેવાતા લોકોના મગજમાં ઊંડે સુધી સડેલી પડી છે. એ કટાક્ષ પાછળની ઘૃણા મને માનસિક રીતે તોડી નાખવા માંગતી હતી, મને એવું ઠસાવવા માંગતી હતી કે હું ગમે તેટલું ભણું તો પણ રહીશ તો ‘નીચ’ જ. પણ મેં મનોમન નક્કી કર્યું કે, જવાબ શબ્દોથી નહિ, સિદ્ધિથી આપવો.
આ પણ વાંચો: ’25 વર્ષ પહેલા મારા ગાલ પર પડેલી આભડછેટની એ થપ્પડો ભૂલાતી નથી’

મેં મારી પીડાને જ તાકાત બનાવી. રાતના અંધારામાં ઘાસલેટના દીવા પાસે બેસીને મેં વાંચ્યું. ખેતરમાં મજૂરી કરી, અડધા ભૂખ્યા રહીને પણ અભ્યાસ ચાલુ રાખ્યો. જે શિક્ષકો મને ‘લાયકાત વગરનો’ ગણતા હતા, એમને મારે બતાવવું હતું કે શિક્ષણ કોઈ ચોક્કસ જાતિના લોકોની જાગીર નથી.
આખરે ધોરણ 10ના પરિણામનો એ ઐતિહાસિક દિવસ આવ્યો. પરિણામ જોઈને આખી શાળા સ્તબ્ધ હતી. હું માત્ર પાસ જ નહોતો થયો, પણ આખી શાળામાં પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો હતો. એ ક્ષણે મને લાગ્યું કે મેં જાતિવાદની એ ઊંચી દીવાલોને મારા પરિણામથી તોડી પાડી છે. મને લાગ્યું કે હવે તો આ શિક્ષકોની આંખો ખુલશે, હવે તો મને એક માણસ તરીકેનું સન્માન મળશે. પણ હું ભૂલતો હતો, જાતિવાદ તો હજુ વધુ ક્રૂર સ્વરૂપ ધારણ કરવાનો હતો.
અમારી શાળાની દાયકાઓ જૂની પરંપરા હતી કે જે વિદ્યાર્થી શાળામાં પ્રથમ આવે, તેને વાર્ષિક ઉત્સવમાં સ્ટેજ પર બોલાવી, આખા ગામ અને મહેમાનોની હાજરીમાં મોમેન્ટો અને ₹ 501નું રોકડ ઇનામ આપી સન્માનિત કરવામાં આવતો. હું એ દિવસની આતુરતાથી રાહ જોતો હતો—એ ₹501ના લોભમાં નહીં, પણ પેલા જાતિવાદી શિક્ષકની આંખોમાં મારી સફળતાનો સ્વીકાર જોવા માટે. મારે એ સ્ટેજ પર ઉભા રહીને સાબિત કરવું હતું કે જે વિદ્યાર્થીને તમે ‘સરકારના જમાઈ’ કહીને તમે હડધૂત કરતા હતા, તેણે જ આજે તમારી શાળાનું નામ રોશન કર્યું છે.
આ પણ વાંચો: દૂધરેજ વડવાળા મંદિરના પૂજારીએ કરડી નજરે પૂછ્યું, ‘તમે કેવા?’
પરંતુ એ વર્ષે કંઈ જ ન થયું. દિવસો વીતતા ગયા પણ ના કોઈ વાર્ષિક કાર્યક્રમની જાહેરાત થઈ, ના કોઈ સ્ટેજ બંધાયું, ના કોઈ મોમેન્ટો કે ઇનામની વાત થઈ. શાળામાં એક અજીબ પ્રકારનું મૌન છવાઈ ગયું હતું. મને અભિનંદન આપવાને બદલે શિક્ષકો મારાથી નજર ચોરતા હતા. તપાસ કરતા જે સત્ય બહાર આવ્યું તે અત્યંત કમકમાટીભર્યું હતું: શાળાના ઇતિહાસમાં પહેલીવાર કોઈ ‘દલિત’ છોકરો પ્રથમ આવ્યો હતો. બિન-દલિત પ્રિન્સિપાલ અને એ સવર્ણ શિક્ષકોને એક દલિત વિદ્યાર્થીને સ્ટેજ પર બોલાવી હારતોરા કરી માન આપવું મંજૂર નહોતું. મારી કાબેલિયત સામે હારી ગયેલા એ લોકોએ આખરે કાર્યક્રમ જ રદ કરી નાખ્યો! મારી એક સિદ્ધિને કારણે આખી શાળાના અનેક વિદ્યાર્થીઓનો મહોત્સવ કચડી નાખવામાં આવ્યો, માત્ર એટલા માટે કે એક દલિત છોકરાને સ્ટેજ પર ચડતા અટકાવવો હતો.
એ દિવસે ઘરે પહોંચીને હું આખો દિવસ રડ્યો. મને જે પીડા થઈ તે કોઈ પણ શારીરિક અત્યાચાર કરતા ભયાનક હતી. મને સમજાયું કે આભડછેટ કેટલી જલદ અને ઝેરી હોઈ શકે છે. મારી વર્ષોની મહેનત પર જાતિનો કાળો પડછાયો પાડીને મને ઈતિહાસમાંથી અદ્રશ્ય કરી દેવાનો આ હીન અને સંગઠિત પ્રયાસ હતો. એ ઇનામ ન મળ્યું તેનો મને રંજ નહોતો, પણ મારી સફળતાને જે રીતે ‘અસ્પૃશ્ય’ ગણીને નકારી દેવામાં આવી, એ પીડા અસહ્ય હતી. એ દિવસે મને ખાતરી થઈ ગઈ કે શિક્ષણમાં પણ મનુવાદનું ઝેર છે અને એક દલિત બાળકની પ્રતિભા એમના માટે ‘નકામી’ છે.
મારી મહેનત પર જાતિનો પડછાયો પાડવાનો પ્રયાસ થયો. પણ સત્ય એ છે કે, પ્રતિભા જાતિ પૂછતી નથી. આ ઘટના મારી માટે વળાંક બની. મેં આ અપમાનને મારી તાકાત બનાવી, મેં નક્કી કર્યું કે જીવન માત્ર પોતાની પ્રગતિ માટે નહીં, પરંતુ સમાજમાં સમાનતા માટે જીવવું છે. આજે હું સામાજિક કાર્યકર્તા તરીકે કાર્યરત છું. કારણ કે હું જાણું છું કે, જ્યારે શાળામાં બાળકને તેની જાતિના આધારે અપમાનિત કરવામાં આવે, ત્યારે માત્ર એક વિદ્યાર્થી નહીં, સમગ્ર બંધારણની આત્માને ઠેસ પહોંચે છે.
આ પણ વાંચો: ‘એ રાત્રે મને ઉંઘ ન આવી, 10 ની નોટ પર છંટાયેલું પાણી તરવરતું રહ્યું’
આ મારી વ્યક્તિગત કથા નથી. આ એ દરેક વિદ્યાર્થીની કથા છે જેને “સરકારના જમાઈ” કહીને હલકો પાડવામાં આવ્યો છે. સમય આવી ગયો છે કે આપણે પૂછીએ — શિક્ષણ સંસ્થાઓએ શું સાચે સમાનતા સ્વીકારી છે? કે હજુ પણ વર્ગખંડોમાં આભડછેટનું હાસ્ય ગૂંજી રહ્યું છે? મારો સંદેશ સ્પષ્ટ છે — સિદ્ધિ કોઈની જાગીર નથી. અને ગૌરવ કોઈની મોનોપોલી નથી. મારી જાતિવાદી માનસિકતા સામે લડત ચાલુ રહેશે. કારણ કે શિક્ષણમાં સમાનતા વિના સમાજમાં પણ બંધુતા અને એકતા શક્ય નથી.
આજે હું સામાજિક કાર્યકર્તા તરીકે લડી રહ્યો છું, કારણ કે હું નથી ઈચ્છતો કે બીજો કોઈ ‘કાંતિલાલ’ સ્કોલરશીપના નામે અપમાનિત થાય કે તેની સફળતાને જાતિવાદની આગમાં હોમવામાં આવે. જ્યારે કોઈ બાળકની પ્રતિભાને તેની જાતિના ત્રાજવે તોળવામાં આવે છે, ત્યારે હકીકતમાં આ દેશના બંધારણના આત્માની હત્યા થાય છે. મારી આ લડાઈ એ દરેક તેજસ્વી દલિત બાળક માટે છે જેના સપનાઓને આ સિસ્ટમ ગૂંગળાવી નાખે છે.
મારો સંદેશ બહુ જ સ્પષ્ટ છે: તમે અમારું સન્માન રોકી શકો છો, પણ અમારો સંઘર્ષ નહીં. તમે ઇનામ વિતરણના કાર્યક્રમો રદ કરી શકો છો, પણ અમારા મગજમાં પ્રજ્વલતી જ્ઞાનની જ્યોતને બુઝાવી નહીં શકો. સિદ્ધિ કોઈના બાપની જાગીર નથી. જાતિવાદી માનસિકતા સામેની આ લડત હવે મારા જીવનનો મકસદ છે, કારણ કે ગૌરવ કોઈની મોનોપોલી નથી અને સ્વાભિમાનથી જીવવું એ મારો અને મારા સમાજનો જન્માધિકાર છે.
લેખક: કાંતિલાલ પરમાર (જશવંતગઢ-ચિત્તલ, તાલુકો-જિલ્લો અમરેલી. લેખક સામાજિક કાર્યકર છે અને નવસર્જન ટ્રસ્ટ સાથે જોડાઈને જમીની સ્તરે સતત કાર્યરત છે.)
આ પણ વાંચો: ઉઠાવો કલમ! અને લખો તમારો ‘આભડછેટનો અનુભવ’










