કોંગ્રેસ અને તેના નેતા રાહુલ ગાંધી દલિતો, આદિવાસીઓને તેમના બંધારણીય હકો, નોકરીઓ અપાવવાની વાતો કરે છે. પરંતુ તેમની જે રાજ્યમાં સરકાર છે તે કર્ણાટકમાં દલિત-આદિવાસીઓ માટે ફાળવવામાં આવેલું રૂ. 11,896 કરોડનું ભંડોળ સિદ્ધારમૈયા સરકારે તેની ગેરંટી યોજનામાં ડાયવર્ટ કરવાનું નક્કી કર્યું છે. આ મામલે હવે વિપક્ષ ભાજપે સરકારને ઘેરી છે. ભાજપે આ પગલાને દલિત અને આદિવાસી સમાજના અધિકારોનું ઉલ્લંઘન ગણાવ્યું છે.
કર્ણાટકમાં કોંગ્રેસ સરકારના એક નિર્ણય પર ભારતીય જનતા પાર્ટી (ભાજપ) એ સત્તાધારી કોંગ્રેસને ઘેરી છે. કોંગ્રેસની સિદ્ધારમૈયા સરકારે અનુસૂચિત જાતિ/જનજાતિ (SC/ST) કલ્યાણ માટે ફાળવવામાં આવેલા ભંડોળને અન્ય યોજનામાં વાપરવાનો નિર્ણય લીધો છે. સરકાર દલિતો, આદિવાસીઓના ભંડોળની રકમમાંથી 11896 કરોડ રૂપિયા તેની ગેરંટી યોજનાઓ પુરી કરવા માટે વાપરવા માટે યોજના બનાવી રહી છે. જેને લઈને હોબાળો મચી ગયો છે.
આ પણ વાંચો: વિપક્ષો શા માટે ચૂંટણી પંચને ભાજપનો 12મો ખેલાડી ગણાવે છે?
SC/ST રાજ્ય વિકાસ પરિષદની બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ બાબતે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાની અધ્યક્ષતામાં 5 ઓગસ્ટના રોજ એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજાવાની છે. વર્ષ 2025-26 માટે ફાળવવામાં આવેલી રકમમાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ 29,991 કરોડ રૂપિયા અને આદિજાતિ પેટા યોજના હેઠળ 12,000 કરોડ રૂપિયાનો સમાવેશ થાય છે. હવે સરકારે આમાંથી 11,896 કરોડ રૂપિયા તેમની અન્ય ગેરંટી યોજનાઓને પૂરી કરવા ડાયવર્ટ કરવાનું નક્કી કર્યું છે. એ મુજબ અન્ન ભાગ્ય યોજના માટે 1,670 કરોડ રૂપિયા, યુવા નિધિ માટે 162 કરોડ રૂપિયા, શક્તિ યોજના માટે 1,537 કરોડ રૂપિયા, ગૃહ જ્યોતિ માટે 2,626 કરોડ રૂપિયા અને ગૃહ લક્ષ્મી યોજના માટે 7,438 કરોડ રૂપિયા ડાયવર્ટ કરાશે.
ಕಾಂಗ್ರೆಸ್ ಸರ್ಕಾರಕ್ಕೆ ಹಾಗೂ ರಾಜ್ಯದ ಮುಖ್ಯಮಂತ್ರಿ @siddaramaiah ನವರಿಗೆ ಈ ನಾಡಿನ ರೈತರ ಬಗ್ಗೆ ಕಿಂಚಿತ್ತೂ ಕಾಳಜಿ ಇಲ್ಲ, ರೈತರೆಂದರೆ ತಾತ್ಸಾರ, ಈ ನಾಡಿನ ರೈತರಿಗೆ ಒಳಿತಾಗುವ ಒಂದೇ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮಗಳನ್ನಾಗಲಿ, ಯೋಜನೆಗಳನ್ನಾಗಲಿ ತೆಗೆದುಕೊಂಡಿಲ್ಲ.
ಈ ಹಿಂದೆ ಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾಗಿದ್ದ ಮಾನ್ಯ ಯಡಿಯೂರಪ್ಪನವರೆಂದರೆ ರೈತನಾಯಕ ಎಂದು… pic.twitter.com/TdPI7YyMVf
— Vijayendra Yediyurappa (@BYVijayendra) July 27, 2025
સરકારી આંકડાઓ મુજબ, છેલ્લા બે નાણાકીય વર્ષોમાં કલ્યાણ ભંડોળની આ જ રીતે પુનઃફાળવણી કરવામાં આવી છે. 2023-24માં, SCSP/TSP ફાળવણીમાંથી 11,114 કરોડ રૂપિયા ગેરંટી યોજનાઓ પુરી કરવા માટે ઉપયોગમાં લેવાયા હતા. 2024-25માં ફરીથી આ જ હેતુ માટે 14282 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા હતા.
કર્ણાટક ભાજપના અધ્યક્ષ બી.વાય. વિજયેન્દ્રએ કોંગ્રેસ સરકાર પર હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજો સાથે દગો કરવાનો આરોપ લગાવ્યો છે. તેમણે X પર લખ્યું, “કોંગ્રેસ સરકારે સત્તા મેળવવા માટે સતત દલિત સમાજોનું શોષણ કર્યું છે. હવે તે નાણાકીય વર્ષ 2025-26માં તેની પાંચ ગેરંટી યોજનાઓના અમલીકરણ માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના કલ્યાણ માટે ફાળવવામાં આવેલા 11,896.84 કરોડ રૂપિયાનો ઉપયોગ કરી રહી છે. કલ્યાણકારી યોજનાઓનો ઉપયોગ પોતાના રાજકીય એજન્ડાના આગળ ધપાવવા માટે કરવામાં આવી રહ્યો છે. આ દલિતો સાથે વિશ્વાસઘાત અને સામાજિક ન્યાયના મૂળમાં ઘા છે.”
મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પર કટાક્ષ કરતા વિજયેન્દ્રએ કહ્યું, “મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઘણીવાર પછાત વર્ગોના નેતા અને દલિતોના મસીહા હોવાનો દાવો કરે છે. તેમણે હવે દલિત કલ્યાણ માટે અનામત ભંડોળને તેમની ગેરંટી યોજનાઓમાં ડાયવર્ટ કરવાનું નિંદનીય પગલું ભર્યું છે. આ એક એવો નિર્ણય છે જેની સખત નિંદા થવી જોઈએ.”
ભાજપના નેતાએ ગયા વર્ષે થયેલા આ જ પ્રકારના વિવાદોનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું, “ગયા વર્ષે, કર્ણાટક સરકારે અનુસૂચિત જનજાતિ કલ્યાણ માટે ફાળવવામાં આવેલા તમામ ભંડોળનો દુરુપયોગ કર્યો હતો. તેણે મહર્ષિ વાલ્મીકિ વિકાસ નિગમના અનામત ભંડોળની પણ લૂંટ ચલાવી હતી. હવે ગેરંટી યોજનાઓ પુરી કરવા માટે ફરીથી SC/ST કલ્યાણ ભંડોળને ડાયવર્ટ કરવામાં આવશે. સરકારે રાજ્યના હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમાજોને વિકાસથી વંચિત રાખ્યા છે.” વિજયેન્દ્રએ ચેતવણી આપી હતી કે જો આ નિર્ણય પાછો ખેંચવામાં નહીં આવે તો ભાજપ વિધાનસભાની અંદર અને બહાર વિરોધ કરશે.
આ પણ વાંચો: કોંગ્રેસના દલિત પ્રમુખને મંદિરમાં જતા રોક્યા, ભાજપ પ્રમુખનું સ્વાગત કરાયું