ચંદુ મહેરિયા
land ownership issue for dalits in india after freedom: જમીન સરકાર માટે મહેસૂલની આવકનું સાધન, સ્થાપિત હિતો-ઉધ્યોગકારો માટે નવું આર્થિક ક્ષેત્ર અને નફો, પર્યટકો માટે નવું પર્યટન સ્થળ, તો જમીનદારો માટે ગામમાં સ્ટેટસ સિમ્બોલ છે. પણ દલિત,આદિવાસી, વંચિત,પછાત, ગરીબ માટે તે જીવન છે, રોટલો રળવાનો એકમાત્ર આધાર છે. સરકારસહિતના સ્થાપિત હિતો જમીનો ઝૂંટવતા રહે છે. જમીનદારો માટે તે ગરીબોના શોષણનું સાધન છે. એટલે જમીનવિહોણાઓને જમીન મેળવવા કે મળેલી જમીન ટકાવવા સતત ઝૂઝવું-ઝઝૂમવું પડે છે.
સ્વતંત્ર ભારતમાં સરકારે જમીનદારી-ગિરાસદારી નાબૂદ કરી હતી. ૧૯૪૮માં અસ્તિત્વમાં આવેલા સૌરાષ્ટ્ર રાજ્યમાં મુખ્યમંત્રી ઉચ્છંગરાય ઢેબરની ઈચ્છાશક્તિ અને સમજાવટને લીધે ભૂમિસુધાર કાયદાનો દ્રઢતાપૂર્વક અમલ થયો હતો. તેથી એ સમયે ‘કણબી’ કે ‘ભોંયખોદિયા’ તરીકે ઓળખાતા ઘણાં પાટીદાર ગણોતિયાઓ જમીનમાલિકો બન્યા હતા. ૧,૭૨૬ ગામોના ૫૧, ૨૭૮ ગરાસદારોની ૨૨.૫૦ લાખ એકર જમીન પટેલ ગણોતિયાઓને મળી હતી. આજે સર્વક્ષેત્રે પટેલોના વર્ચસના મૂળમાં તેમની આ જમીન માલિકી છે.
જોકે સૌરાષ્ટ્ર રાજ્યમાં કોઈ દલિત ગણોતિયાને આ કાયદા હેઠળ જમીનો મળી નહીં, તેનું રહસ્ય સમજવું અઘરું છે. રિપબ્લિકન પાર્ટીના ૧૯૫૮ના કાનપુર અધિવેશને ઠરાવ્યા મુજબ ગુજરાતમાં ભૂમિહીન દલિતોને સરકારી પડતર જમીનો આપવા પક્ષે આંદોલન ઉપાડ્યું હતું. એ વખતની સરકારે આશ્વાસનો આપ્યાં, પણ અમલ ન કર્યો. ૧૮મી ઓગસ્ટ, ૧૯૬૦ના દિવસે નવરચિત ગુજરાત વિધાનસભાના પ્રથમ સત્રના પ્રથમ દિવસે રાજ્યભરના દલિતોએ અમદાવાદમાં વિધાનસભા સમક્ષ દેખાવો કર્યા હતા. સૌરાષ્ટ્રમાં ઠેરઠેર આંદોલન ચાલ્યું હતું. ફેબ્રુઆરી, ૧૯૬૧માં ભાવનગરમાં ભરાયેલા કોંગ્રેસના રાષ્ટ્રિય અધિવેશન સામે પણ દલિતોએ દેખાવો કર્યા હતા. સતત સંઘર્ષ અને સત્યાગ્રહો પછી સૌરાષ્ટ્રના દલિતો સરકારી પડતર જમીનો મેળવવામાં સફળ થયા હતા.
આ પણ વાંચોઃ ભૂદાન આંદોલનમાં ગુજરાતમાં જે જમીનો મળી તેનું શું થયું?
ગુજરાત રાજ્યની કુલ ખેડાણલાયક જમીનમાં દલિતોનો હિસ્સો નગણ્ય જ છે. એ સંજોગોમાં તેમને ભિન્ન ભિન્ન ભૂમિ સુધાર કાયદાઓ હેઠળ જમીનો મળવી જોઈતી હતી. ૧૯૪૮ના ગણોતધારા અને ૧૯૬૧ના જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ગણોતિયા અને જમીનવિહોણાને જમીન આપવાની જોગવાઈ છે. સરકારી માલિકીની જમીન ચોક્કસ રકમનું ભાડું(સાંથ) લઈને ભૂમિવિહોણા ખેતકામદારને ચોક્કસ સમય માટે ફાળવવાની, આવી સાંથણીની જમીન અમુક વરસોના ખેડ હક પછી તે ખેડનારને આપવાની જોગવાઈ છે.
રાજાશાહી કે અમલદારશાહીના જમાનાની વેઠના બદલામાં કે ગામના જમીન દફતર પરની પડતર જમીન ભૂમિહીનોને આપવાની પણ કાયદામાં જોગવાઈ છે. પરંતુ જમીન અંગેની કાયદાકીય જોગવાઈઓ કરતાં જમીની વાસ્તવિકતા સાવ જ જુદી છે. દલિતોને આવા નિયમો કે કાયદાઓ તળે જમીનો મળતી જ નથી કે પછી જ્યાં મળી છે ત્યાં તેઓ કાયદેસરની વિઘોટી ભરતા હોવા છતાં જમીનોનો કાયદેસરનો કબજો તેમની પાસે નથી. ઘણાં ગામોમાં સાંથણીની જમીનોની કાં તો માપણી જ નથી થઈ કે માત્ર કાગળ પર ફાળવણી થઈ છે. વાસ્તવિક કબજો અપાતો નથી. ગુજરાતમાં જેતલપુર, ગોલાણા, સોઢાણા અને અન્ય દલિત હત્યાકાંડોના મૂળમાં દલિતોનો જમીનનો સવાલ રહેલો હતો.
આ પણ વાંચોઃ શું સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિ અને રાજ્યપાલને આદેશ કરી શકે?
જંગલ સાથે આદિવાસીનો અભિન્ન નાતો છે.તેઓ પરંપરાગત રીતે પેઢીઓથી જંગલની જમીનો ખેડે છે અને વનપેદાશો પણ મેળવે છે. પરંતુ અંગ્રેજોના પગલે દેશી સરકારે પણ જંગલ જમીનો ખેડવા પર બંધી ફરમાવી હતી. ગુજરાતના આશરે ૧૮,૦૦૦ માંથી ૪૭૩૨ ગામો વનવિસ્તારમાં આવેલા છે. પૂર્વપટ્ટીના આદિવાસી જિલ્લામોમાં જંગલ જમીન નામે કરવા લાંબો સંઘર્ષ ચાલ્યો હતો. તેના પરિણામે ઘણા આદિવાસીઓને જંગલ જમીનની સનદો આપવી પડી હતી. ગુજરાત ઉપરાંત છત્તીસગઢ, ઓરિસ્સા, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પશ્ચિમબંગાળ અને ત્રિપુરામાં જંગલ જમીનો નામે કરવાનો સવાલ હતો.કેન્દ્ર સરકારના વન અધિકારોની માન્યતા અધિનિયમ-૨૦૦૬ અને નિયમો-૨૦૦૭ના આધારે જંગલ જમીન ખેડનારાઓને જમીન અધિકારો આપવામાં આવ્યા છે. પરંતુ અમલના પ્રશ્નો તો છે જ.
જમીન માલિકીમાં ભારે અસમાનતા પ્રવર્તે છે અને તે વધતી રહે છે. ૨૦૦૧માં દેશમાં ૪૪.૭ ટકા દલિતો જમીનો ધરાવતા હતા.તે ૨૦૧૧માં ઘટીને ૩૪.૫ ટકા થયા હતા. ૨૦૦૧માં જમીનવિહોણા દલિતો ૩૬.૯ ટક હતા તે ૨૦૧૧માં વધીને ૪૪.૫ ટકા થયા હતા. ગુજરાતમાં ૬૩.૨૪ ટકા દલિતો ભૂમિહીન છે. આ હકીકતો દર્શાવે છે કે વધુને વધુ દલિતો જમીનવિહોણા થઈ રહ્યા છે. ગરીબી અને જમીન માલિકીને સીધો સંબંધ છે. એટલે જમીન વિહોણા લોકો વધુ ગરીબ બને છે. એક અભ્યાસ મુજબ જો જમીન સુધાર કાયદાઓનો અમલ થાય અને માત્ર ૫ ટકા જમીનોનું જ પુનર્વિતરણ થાય તો પણ ૩૦ ટકા ગરીબી ઘટી શકે છે. તેથી જ કહેવાયું છે કે પેટ માટે રોટલો અને રોટલા માટે જમીન.
બંગાળના દીર્ઘ ડાબેરી શાસનને બાદ કરતાં દેશમાં કોઈ રાજ્યે ભૂમિ સુધાર કાનૂનોનો અસરકારક અમલ કર્યો નથી. બિહારમાં મઠો અને મંદિરો પાસે સેંકડો એકર જમીનો છે. પરંતુ તે ભૂમિવિહોણા માટે નથી. ગુજરાતમાં જમીન ટોચમર્યાદા ધારા હેઠળ ફાજલ થયેલી જમીનો ખેત સહકારી મંડળીઓને આપવાની સરકારની અગ્રતા નીતિને લીધે વ્યવસાયી દલિત રાજકીય આગેવાનોની બેનામી મંડળીઓએ તે મેળવી લીધી છે અને તેના ખરા હકદાર ભૂમિહીન દલિતોએ તો જમીન માટે ઝૂઝવાનું જ રહ્યું છે.
આ પણ વાંચોઃ મનરેગાના બે દાયકા: પડકારો અને પ્રાસંગિકતા
આ પણ વાંચોઃ સંસદ વિધાનસભામાં જનપ્રતિનિધિઓનું બેમર્યાદ વર્તન ચલાવી લેવાય?
નવી અર્થનીતિ , વધતા શહેરીકરણ-ઔધ્યોગિકરણ , સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન અને વિકાસની રાજનીતિના વર્તમાન માહોલમાં જમીન સુધારાની વાત સાવ હાંસિયામાં મૂકાઈ ગઈ છે. હવે તો ખુદ સરકાર નવતર પ્રકારના ભૂમિ કાયદા કરી રહી છે. ખેતીની સમૃધ્ધ જમીનો વિકાસ અને જાહેર હિતના નામે અધિગૃહિત કરી મોટા ઉધ્યોગગૃહોને આપી દેવામાં આવે છે. ભલે ભારત સરકારને વિપક્ષી દબાણ સામે ઝૂકીને ભૂમિ અધિગ્રહણ બિલ પડતું મૂકવું પડ્યું પણ રાજ્ય સરકારોએ આવા કાયદા ઘડ્યા જ છે ને? આ કાયદાઓ થકી જમીનો ભૂમિહીનોને નહીં ઉધ્યોગોને મળી છે.
આ સ્થિતિમાં ભૂમિહીનોનો જમીન મેળવવાનો સંઘર્ષ વધુ આકરો થઈ રહ્યો છે. ડો.બાબાસાહેબ આંબેડકરે જમીન સુધારા સંદર્ભે સંસદને ચેતવતાં કહ્યું હતું કે, ” જમીનના મુદ્દે આ સંસદની બહાર આગ સળગી રહી છે. એની ઝાળ આપણને પણ દઝાડી શકે છે. જમીનના મુદ્દે દલિતો અને બીજા જમીનવિહોણાઓ ઝંડો લઈને નીકળી પડશે ત્યારે આપણે અને આપણું બંધારણ બધું જ ઝૂકી જશે. કશું જ નહીં બચે.” બાબાસાહેબની આ ચેતવણીની અવગણના સંસદ, વિધાનગૃહો, સરકારો અને સમાજ પોતાના અસ્તિત્વના ભોગે જ કરી રહી છે.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આ પણ વાંચોઃ સરપંચ પતિપ્રથા મહિલા અનામતના હેતુને નબળો પાડે છે