એ પુસ્તક જે વાંચીને Dr. Ambedkar ચોધાર આંસુએ રડ્યા હતા

Dr. Ambedkar જે ત્રણ પુસ્તકો વાંચીને ચોધાર આંસુએ રડી પડેલા તેમાંનું એક આ હતું. પુસ્તકનો અર્થ જ દુ:ખ, દરિદ્ર, ગરીબ, કંગાળ, ચીંથરેહાલ, પીડિત એવો થાય છે.
એ પુસ્તક જે વાંચીને ડો.આંબેડકર ચોધાર આંસુએ રડ્યા હતા - AI Image
એ પુસ્તક જે વાંચીને ડો.આંબેડકર ચોધાર આંસુએ રડ્યા હતા - AI Image

ચંદુ મહેરિયા

ફ્રાંસના વિખ્યાત નવલકથાકાર, કવિ અને રાજનીતિજ્ઞ વિકટર હ્યૂગો(Victor Hugo) ( જન્મ- ૨૬ ફેબ્રુઆરી ૧૮૦૨, અવસાન- ૨૨ મે-૧૮૮૫) ની અજોડ નવલકથા ‘લે મિઝેરાબ્લ’ – Les Misérables દોઢસો કરતાં વધુ વરસો પહેલાં (૧૮૬૨) પ્રકાશિત થઈ હતી. હ્યૂગોના શબ્દોમાં, ” અજ્ઞાન અને દારિદ્રય આ પૃથ્વી ઉપર જ્યાં લગી કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિઝ નિરુપયોગી નહીં બને” બાબાસાહેબ ડો.આંબેડકર(Dr. Ambedkar) જે ત્રણ પુસ્તકો વાંચીને ચોધાર આંસુએ રડેલા તેમાંનું એક ‘ લે મિઝેરાબ્લ’ હતું. ફ્રેન્ચ શબ્દ ‘ લે મિઝેરાબ્લ’નો અર્થ દુ:ખ, દરિદ્ર, ગરીબ, કંગાળ, ચીંથરેહાલ, પીડિત એવો થાય છે. ૧૯૪૭માં આ નવલકથાનો પ્રથમ ગુજરાતી અનુવાદ પ્રગટ થયો હતો. જે સિલસિલો આજે પણ ચાલુ છે. હ્યૂગોની આ કાલજયી નવલના વિવિધ ગુજરાતી અનુવાદોના નામો પણ રસપ્રદ છે: દુખિયારા, ગુનો અને ગરીબાઈ, ગુનેગાર..! તથા દરિદ્રનારાયણ.

આ પ્રશિષ્ઠ કૃતિ જીન વાલજીનના પ્રમુખપાત્રના ખભે ઊભી છે. એ ઉપરાંતના ૬૩ જેટલાં પાત્રો, અનેક સ્થળો અને ઉપકથાઓમાં ગૂંથાયેલી આ નવલકથામાં કથારસ બરાબર જળવાય છે. ‘ ડી. પરગણાના બિશપ’ ના પ્રથમ પ્રકરણથી આરંભાતી અને ‘ આટલું બધું અજવાળું શાનું?’ ના એકસો દસમા પ્રકરણે સમાપ્ત થતી નવલમાં બધું મંગળ જ મંગળ નથી. નવલકથાનો આરંભ આશાયેશ જગાડનારો અને અંત સુખમાં પરિણમનારો જરૂર છે પરંતુ તેની વચ્ચેનાં પ્રકરણોમાં જે અન્યાય, અભાવ, દરિદ્રતા, શોષણ અને દુ:ખનાં વર્ણનો છે તે નવાસવા ઔદ્યોગિકીકરણ તરફ જઈ રહેલા ફ્રાન્સના સામાજિક, રાજકીય અને સાંસ્કૃતિક જીવનનું બિહામણું ચિત્ર રજૂ કરે છે.

આ પણ વાંચોઃ જેને પિતાએ ‘કલંક’ કહ્યો તે છોકરો કેવી રીતે ઉત્ક્રાંતિવાદનો જિનિયસ બન્યો

“વૈદના ઘરનું બારણું કદી બંધ ન કરવું જોઈએ; અને પાદરીના ઘરનું બારણું હંમેશ ઉઘાડું રહેવું જોઈએ” એમ માનતા ડી.પરગણાના બિશપ અને તેમનું ઘર, તેમની સાદાઈ, ધાર્મિકતા, નૈતિકતા અને ઉચ્ચ વિચારોથી કૃતિનો ઉઘાડ થાય છે. ચારેકોરથી હાડેહાડે થતો, હડધૂત મુસાફર જીન વાલજીન ધર્માચાર્યના ઘરના મુખ્ય બારણે જોરથી લાકડી વડે ટકોરો મારે છે. ‘અંદર આવો’ ના આત્મીય આવકાર અને ‘ટેબલ ઉપર બીજી તાસક મૂકો’ ના આદેશ સાથે ‘પરોણો’ ઘરમાં પ્રવેશે છે. આ પરોણો પોતાનો પરિચય આપતાં પાદરીસાહેબને સ્પષ્ટ જણાવે છે: ‘મારું નામ જીન વાલજીન છે. લશ્કરી વહાણ ઉપર કેદી, ગુલામ તરીકે ઓગણીસ વર્ષ સજા ભોગવીને હું ચાર દિવસ ઉપર જ છૂટ્યો છું’
સાત બાળકોની મા એવાં વિધવા મોટી બહેન અને તેમના કુટુંબનું ગુજરાન ચલાવવાનો ભાર જીન વાલજીન પર ભરયુવાનીમાં આવી પડેલો. કઠિયારાનું કામ કરતા યુવાન વાલજીનના એક પછી એક આકરાં વરસો ‘કામ વિનાના તથા કુટુંબ રોટી વિનાનું’ થઈ જતાં એક દિવસ પાઉરોટી ચોરવાનો પ્રયત્ન કર્યો, નિષ્ફળ નિવડ્યો અને પકડાયો. ભારે કષ્ટદાયી અને લાંબી સજા પામ્યો. અંતે ‘ગુનેગાર’ ના પીળા પરવાના સાથે મુક્ત તો થયો પણ સમાજે તેને સ્વીકાર્યો નહીં.

આ પણ વાંચોઃ શું જ્ઞાતિસૂચક અટકોની નાબૂદીથી જ્ઞાતિ નિર્મૂલન શક્ય છે?

AI Image
એ પુસ્તક જે વાંચીને ડો.આંબેડકર રડી પડ્યા હતા. – AI Image

શારીરિક રીતે મજબૂત અને માનસિક રીતે ચપળ જીન વાલજીન મજૂરીમાં શોષાઈ રહ્યાનું જાણી ચૂક્યો હતો. પણ કંઈ કરી શકતો નથી. બિશપના ઘરેથી કે રસ્તામાં ગારુડી પાસેથી એ ચોરી કરે છે. ફરતો ફરતો નામરૂપ બદલતો બદલતો માલદાર બને છે. ગુનેગારમાંથી કારખાનાનો માલિક જ નહીં નગરનો નગરપતિ પણ બને છે. પ્રેમ મેળવી તો શકતો નથી પણ પોતે માનેલી દીકરીને પ્રેમ આપવામાં, ગરીબ-ગુરબાંને અભાવોમાંથી મુક્ત કરવામાં કોઈ કસર બાકી રાખતો નથી. એક નિર્ધન, અપરાધી જીન વાલજીન એક રાતના થોડા કલાકોના બિશપના સહવાસમાં જીવનમાં મોટું પરિવર્તન આણે છે. પોતાનું શોષણ અને ગરીબી સાવ ભૂલી જાય છે. અને એટલો તો ધર્માચાર્યના પ્રભાવમાં આવી જાય છે કે બિશપના અવસાનના ખબરે શોકનાં કપડાં પહેરેલો જોવા મળે છે.

આ નવલકથા ભૂખ, અભાવ, દારિદ્રયની કથા છે તેમ તે કર્તવ્ય અને પ્રેમની પણ કથા છે. નવલકથામાં પ્રેમનું પ્રતીક ફેન્ટાઈન અને તેની દીકરી કૉસેટ છે તો કર્તવ્યનું પ્રતીક પોલીસ ઈન્સ્પેકટર જાવર્ટ છે. ફેન્ટાઈન કાચી ઉંમરે પ્રેમ કરી બેસે છે અને એનો બેવફા પ્રેમી એને સગર્ભા બનાવી ભાગી જાય છે. ફેન્ટાઈનના જીવનના એ અંતિમો લેખકની કલમે આમ અવતર્યા છે. જુવાન ફેન્ટાઈનના રૂપ વિશે લેખક અદભૂત ઉપમા પ્રયોજે છે: તે સુંદર હતી, તેને માથે સુંદર વાળ હતા અને તેના દાંત ફૂટડા હતા. આમ સોનું અને મોતી એ બે વસ્તુઓ સ્ત્રીધન તરીકે તેની પાસે હતા: સોનું માથા પર હતું અમ્ને મોતી મોંમાં.. અને પછી? ફેન્ટાઈન દીકરીને જન્મ તો આપે છે પણ તેને સાથે રાખી શકતી નથી. પૈસાના લોભી, લુચ્ચા અને સ્વાર્થી એવા થેનારડિયરની વીશીમાં એ દીકરીને રાખે છે. થેનારડિયર ફેન્ટાઈનની મજબૂરી જાણીને વધુને વધુ છેતરે છે. પૈસે ટકે સાવ નિર્ધન બની ગયેલી ફેન્ટાઈન પાસે જ્યારે દીકરીને ઠંડીથી બચાવવા ફ્રોક માટે દસ ફ્રાંકની માંગણી આવે છે ત્યારે? ફેન્ટાઈન રાત પડે હજામની દુકાને ગઈ. ત્યાં જઈ તેણે માથાનો ચીપિયો ખેંચી લીધો. એટલે તેના ગૂછળાબંધ વાળ કેડ સુધી છૂટા પથરાઈ ગયા. ‘કેવા સુંદર વાળ!’ હજામ આભો થઈ બોલી ઊઠ્યો! ‘તું મને આ વાળનું શું આપીશ? ‘દસ ફ્રાંક’ , ‘ચાલ, કાપી લે..” ફેન્ટાઈન વિચારતી હતી કે મારી બચ્ચી હવે જરાય થથરશે નહીં. કારણ મેં મારા માથાના વાળથી તેને ઢાંકી છે.

આ પણ વાંચોઃ ડૉ.આંબેડકર અને ગાંધીજી પણ જેમની સલાહ લેતા એ કોણ?

એ પુસ્તક જે વાંચીને ડો.આંબેડકર રડી પડ્યા હતા. - AI Image

જીન વાલજીન નામપલટો, રૂપપલટો કરીને લખપતિ અને મેયર બને છે અને શાંતિથી છુપાઈને જીવે છે. પણ પોલીસ ઈન્સ્પેકટર જાવર્ટ એનું નામ-મૂળ-કૂળ શોધી કાઢે છે. જાવર્ટ એક રીતે તો રાજ્ય પ્રત્યેની પોતાની ફરજ અને કર્તવ્ય બજાવે છે તો એ રાજ્યનું વિકૃત રૂપ પણ છે. કેમ કે જીન વાલજીન નામના ગુનેગારને ઝબ્બે કરવાની લાયમાં એ એના ગુનાના સાચા કારણની અને એના ભૂતકાળની પરવા કરતો નથી.અંતે જાવર્ટને જીન વાલજીન બચાવે છે અને તે મંથન કરતો કરતો આત્મહત્યા કરે છે.

આ નવલકથામાં અપાર દુ:ખ અને દારિદ્રયનું વર્ણન છે પણ એના મૂળ કે ઉકેલ વિશેનો લેખકનો દ્રષ્ટિકોણ અલગ છે. હ્યૂગોના સમકાલીન કાર્લ માર્ક્સે (૧૮૧૮-૧૮૮૩) શોષિતોના દુ:ખનું મૂળ શોધ્યું છે પણ હ્યૂગો આ બાબતે સાવ સામા છેડાનું વિચારે છે. હા, નવલકથામાં ફ્રાન્સના ક્રાંતિકારીઓના એ.બી.સી. મિત્ર મંડળ અંગેનું પ્રકરણ-૪૪ જરૂર છે. જેમાં વિવિધ ક્રાંતિકારી લોકોનો સરસ પરિચય લેખક કરાવે છે.
પરંતુ આ નવલકથાનો પ્રધાનસૂર તો “માનવ હ્રદયની મંગલશક્તિ સત્ય ધર્મપાલન” જ છે. એ આજે આટલા વરસે જરૂર ખટકે છે. આ નવલકથા પ્રગટ થઈ ત્યારે પણ લેખકના આવા અભિગમનો વિરોધ અને વિવાદ થયાં હતાં. આજે જ્યારે રાજ્ય, ધર્મ અને મૂડી વિશે નવેસરથી વિચારવાની જરૂર છે ત્યારે વિકટર હ્યૂગોની નવલકથાનો આ સૂર વિચારણા માંગી લે છે.

maheriyachandu@gmail.com

(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)

આ પણ વાંચોઃ જ્યારે કચ્છના સવર્ણોએ ગાંધીજીને ‘આભડછેટ નાબૂદી’નું વચન આપીને છેતર્યા!

5 1 vote
Article Rating
Subscribe
Notify of
guest
1 Comment
Oldest
Newest Most Voted
Inline Feedbacks
View all comments
Soma parmar
Soma parmar
17 minutes ago

Super

પ્રેમલગ્નોમાં માતાપિતાની સહી ફરજિયાત કરવા વિશે તમે શું માનો છો?
1
0
Would love your thoughts, please comment.x
()
x