ચંદુ મહેરિયા
બિહારના પાટનગર પટણાથી આશરે સવાસો અને બોધગયાના મહાબોધિ મંદિર કે મહા વિહારથી બેએક કિલોમીટર દૂરનું ગામ દોમુહાં. પંચશીલ ધ્વજથી ઢંકાયેલા કામચલાઉ માંડવા નીચે ચીવર ધારણ કરેલા ઘણાં બૌધ્ધ ભિખ્ખુઓ અને લોકો બેઠેલા છે. ગરમ લૂ ને આવતી અટકાવે તેવી કોઈ આડશ નથી. આ જગ્યાએ છેલ્લા બે મહિનાથી ધરણા ઉપવાસ આંદોલન ચાલે છે. મંડપ નીચે શાંત અને અહિંસક રીતે બેઠેલા ભિખ્ખુઓના હાથમાં પ્લે કાર્ડ છે. બેનર્સ અને પોસ્ટર્સ ઉપરાંત ગૌતમ બુધ્ધ, ડો. આંબેડકર અને ભારતીય બંધારણના ફોટા પણ નજરે ચઢે છે.
બુધ્ધને ‘સમ્મા સંબોધિ’ કહેતાં બોધિ જ્ઞાન જ્યાં પ્રાપ્ત થયું હતું તે મહાબોધિ મંદિરના વહીવટમાં બૌધ્ધોની પૂર્ણ સ્વતંત્રતા અને સ્વાયત્તતા માટે અડચણરૂપ બિહાર સરકારનો ૧૯૪૯નો બોધગયા ટેમ્પલ એકટ રદ કરવાની તેમની માંગ છે. મહાબોધિ મંદિર બૌધ્ધોને સોંપવાના છેક ઓગણીસમી સદીના અંત ભાગથી આરંભાયેલા આંદોલનનો આ નિર્ણાયક અધ્યાય છે.
બૌધ્ધો માટે ચાર મહત્વના તીર્થસ્થાનો છેઃ ગૌતમ બુધ્ધનું જન્મ સ્થળ લુમ્બિની(નેપાળ), તેમને જ્યાં પૂર્ણ જ્ઞાન પ્રાપ્તિ થઈ હતી તે મહાબોધિ મહાવિહાર (બિહાર), પ્રથમ ઉપદેશ સ્થાન સારનાથ( ઉત્તરપ્રદેશ) અને નિર્વાણ સ્થળ કુશીનગર (યુ.પી.). બુધ્ધના જન્મ સ્થળ લુમ્બિની જેટલું જ મહાબોધિ મંદિર બૌધ્ધો માટે મહત્વનું આસ્થાસ્થાન છે. જો લુમ્બિની રાજકુમાર સિધ્ધાર્થનું જન્મસ્થળ છે તો રાજકુમાર સિધ્ધાર્થનો બુધ્ધ રૂપે અવતાર બિહારના બોધગયા સ્થિત મહાબોધિમાં થયો હતો. એટલે તે પણ તેમના જન્મસ્થળ જેટલું જ અગત્યનું છે.
આ પણ વાંચો: Chhattisgarh માં 400 આદિવાસીઓની હત્યા થઈ, જેમાં 140 મહિલાઓ
આશરે અઢી હજાર વરસો પહેલાં બોધગયાના પીપળાના વૃક્ષ નીચે ધ્યાનસ્થ સિધ્ધાર્થને બોધિજ્ઞાન પ્રાપ્ત થયું હતું અને તે બુધ્ધ બન્યા હતા.સમ્રાટ અશોકે ઈ.સ પૂર્વેની ત્રીજી સદીમાં ત્યાં એક મહા વિહાર બંધાવ્યું હતું. તેરમી સદી સુધી તેનું નિયંત્રણ અને સંચાલન બૌધ્ધો કરતા હતા. ઈ.સ ૧૫૯૦માં એક હિંદુ મહંતે ત્યાં મઠ સ્થાપતાં તે હિંદુ મઠ બની ગયું. હિંદુ મહાબોધિને હિંદુ ધાર્મિક સ્થળ કહેતા હતા. બુધ્ધને વિષ્ણુનો નવમો અવતાર, મંદિરમાં આવેલી મૂર્તિઓને પાંચ પાંડવ ગણાવતા હતા. ત્યાં હિંદુ વિધિથી હોમ હવન અને પિંડદાન થાય છે અને બૌધ્ધ તીર્થ સ્થળ તરીકે તેનો એકડો ભૂંસી નાંખવાના પ્રયાસો થતા હોવાનો બૌધ્ધોનો આરોપ છે.
બૌધ્ધો જેને મહાવિહાર કહે છે તે મહાબોધિ મંદિરનું નિયંત્રણ બૌધ્ધો હસ્તક હોવું જોઈએ તેવી માંગણી દાયકાઓ પહેલાં શ્રીલંક્ન બૌધ્ધ સાધુ અનાગારિક ધમ્મપાલે સૌ પ્રથમ વખત કરી હતી. ૧૯૨૨માં કોંગ્રેસના ગયા અધિવેશનમાં પણ આ માંગ ઉઠી હતી. એટલે સ્વતંત્રતા પછી ૧૯૪૯માં બિહાર સરકારે બોધગયા મંદિર અધિનિયમ ઘડ્યો હતો. આ કાયદા હેઠળ સરકારે સૌ પ્રથમ ૧૯૫૩માં બોધગયા મંદિર વહીવટી સમિતિની રચના કરી હતી. કાયદાકીય જોગવાઈ મુજબ ગયાના કલેકટર હોદ્દાની રૂએ મેનેજમેન્ટ કમિટીના અધ્યક્ષ અને કમિટીમાં ચાર હિંદુ અને ચાર બૌધ્ધ મેમ્બર છે. સરકારે મહાબોધિ મંદિરના વહીવટ માટે બૌધ્ધો અને હિંદુઓની સંયુક્ત સમિતિ એટલે બનાવી હતી કે તે આ તીર્થને સાંઝી વિરાસત કે બૌધ્ધો અને હિંદુઓનો મઝિયારો ધાર્મિક વારસો ગણી કોઈને નારાજ કરવા માંગતી નહોતી.વળી ૧૯૪૯ના એકટમાં ગયાના કલેકટર હિંદુ ન હોય તો સમિતિના અધ્યક્ષ સભ્યોમાંથી કોઈ હિંદુ જ હોય તેવી જોગવાઈ કરી હતી!
બૌધ્ધો માટે આ મહત્વનું બુધ્ધ તીર્થ સ્થળ હિંદુ બની રહ્યું હતું તે અસહ્ય હતું. તેમણે સમયે સમયે લોકશાહી ઢબે રજૂઆતો અને શાંત અહિંસક આંદોલનો પણ કર્યા છે. ૧૯૯૫માં પંચ્યાસી દિવસ ચાલેલા આંદોલનના અંતે તત્કાલીન મુખ્યમંત્રી લાલુ પ્રસાદ યાદવે કાયદામાં સુધારો કરીને હિંદુ બહુમતીની શરત કાઢી નાંખી પણ બૌધ્ધોને વહીવટ ન સોંપ્યો. આંદોલનકારી પૈકીના એકાદ બૌધ્ધ ભિખ્ખુને મેનેજમેન્ટ કમિટીમાં સમાવી લેવાયા ખરા.
આ પણ વાંચો: શા માટે ‘સમ્રાટ અશોક’ ભારતની કથિત ઉચ્ચ જાતિઓ માટે અસ્પૃશ્ય છે?
મહાબોધિ મંદિરના પ્રબંધનમાં બૌધ્ધોની કોઈ અસરકારક ભાગીદારી નથી એટલે બૌધ્ધો ૧૯૪૯નો બોધગયા ટેમ્પલ એકટ જ રદ કરવા માંગણી કરી રહ્યા છે. ગૌતમ બુધ્ધે આ સ્થળે જ્ઞાન પ્રાપ્તિ કરી હતી તેને અનુલક્ષીને યુનેસ્કોએ ૨૦૦૨માં મહાબોધિ મંદિરને વર્લ્ડ હેરિટેજમાં સ્થાન આપ્યું છે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે તે આકર્ષણનું કેન્દ્ર છે. પરંતુ બૌધ્ધ અને હિંદુ બંનેના મિશ્રણથી બૌધ્ધો નારાજ છે. બૌધ્ધો આ સ્થાને ધ્યાન અને તપસ્યા માટે આવે છે પરંતુ હિંદુઓના ઢોલ-નગારાના ઘોંઘાટ તેમને ત્રાસરૂપ છે. વિશ્વ ધરોહર બન્યા પછી મહાબોધિ મંદિરમાં કેમેરા પણ લઈ જઈ શકાતા નથી પરંતુ હિંદુઓ પિંડદાનની સામગ્રી લઈ જઈ શકે છે. બૌધ્ધ વિચાર અને આચારનું પાલન આ સાંઝી વિરાસતમાં થતું નથી. મંદિરને મળેલ દાનનો ઉપયોગ બૌધ્ધ ધર્મના પ્રચાર પ્રસાર માટે થઈ શકતો નથી તેવી પણ બૌધ્ધોની ફરિયાદ છે.
ગઈ તારીખ બારમી ફેબ્રુઆરીએ મહાબોધિ મંદિરમાં આરંભાયેલા અનુષ્ઠાન સામે મંદિર પરિસરમાં જ બૌધ્ધ ભિખ્ખુઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું હતું. મહાબોધિ મંદિર પર નિયંત્રન માટે નિર્ણાયક આંદોલન તેમણે છેડ્યું છે. ગયાના કલેકટરે આ નીતિ વિષયક નિર્ણય છે અને તેના ઉકેલ માટે તેઓ કંઈ કરી શકે તેમ નથી તેમ જણાવી હાથ અધ્ધર કરી દીધા હતા. પંદરેક દિવસ પછી બિહાર સરકારના અધિકારીઓએ આંદોલનકારીઓ સાથે બેઠક યોજી પણ તેનું કોઈ પરિણામ ન આવતાં શાંત અને અહિંસક આંદોલનને અટકાવવા મહાબોધિ મંદિર પરિસરથી ધરણા સ્થળને રાતોરાત બે કિલોમીટર દૂરના દોમુહાં ગામે ખસેડી નાંખ્યું. જોકે આંદોલનને સમગ્ર દેશના દલિતો અને નવબૌધ્ધોનું સમર્થન મળી રહ્યું છે. તેમના ટેકામાં દેશવિદેશમાં ધરણા આંદોલનો પછી બારમી મેના રોજ બોધગયામાં લાખો દલિતોની વિશાળ રેલી યોજાવાની છે.
ધાર્મિક વિવિધતા ધરાવતા આપણા દેશમાં ધાર્મિક અસહિષ્ણુતા પણ એટલી જ છે. અનેક ધર્મોના લોકો અહીં વસે છે પણ તેઓ એક બીજાના ધર્મોના આદર સાથે સહજીવન વિતાવી શકે છે ખરા? દેશની મસ્જિદો નીચે મંદિરો અને શિવલિંગો શોધાય છે. બહુમતીના ધર્મની લાગણી લઘુમતી ધર્માવલંબીઓ સમજે તેવું ધાર્મિક જ્ઞાન પિરસાય છે. પરંતુ હળીમળીને સાથે રહેવાનું બનતું નથી.
યુનિફાઈડ વકફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, એફિશયન્સી એન્ડ ડેવલપમેન્ટ એક્ટ ૨૦૨૫ના વિરોધમાં થતી એક દલીલ સરકાર દ્વારા વકફ બોર્ડમાં બે બિન મુસ્લિમ સભ્યોની નિમણૂકની જોગવાઈથી વકફ બોર્ડમાં મુસ્લિમોની સ્વતંત્રતા અને સ્વાયત્તતા જોખમાવાની છે. મહાબોધિનો વર્તમાન વિવાદ જોતાં લાગે છે કે વકફ કાનૂનના વિરોધની આ દલીલમાં વજૂદ છે.
બોધગયાના મઠ પાસે લાખો એકર જમીનો હતી અને તેના જમીનદાર મહંત ગ્રામીણ દલિત ખેતમજૂરોના શોષક હતા તે તો નજીકનો ભૂતકાળ છે. જયપ્રકાશ નારાયણ અને છાત્ર યુવા સંઘર્ષ વાહિનીએ બોધગયાના ગરીબ દલિત ખેતકામદારોને મઠની જમીન અપાવવા લાંબી લડતો કરી હતી. એ સમયે બૌધ્ધ ભિખ્ખુઓની ભૂમિકા શું હતી તે સવાલ છે.
મહાબોધિ મહાવિહાર આંદોલન સામે પણ તે નાગપુર-દાર્જિલિંગના બૌધ્ધ ભિખ્ખુઓનું આંદોલન હોવાનો સ્થાનિક લોકોનો આરોપ છે. સ્થાનિક દલિતો અને મેનેજમેન્ટ કમિટીના બૌધ્ધ મેમ્બર્સનો પણ તેમને સાથ નથી. બોધગયા વિસ્તારના ઘણાં ગામોમાં ૬૦ ટકા કરતાં વધુ વસ્તી દલિતોની છે પરંતુ દોઢસો ગામોના દલિતોને સંગઠિત કરી આંદોલનના માર્ગે વાળી બોધગયા મઠના મહંતના કબજામાંથી જમીનો અપાવવાનું મુશ્કેલ કામ ગાંધી સર્વોદયવાદીઓએ કર્યું હતું. બૌધ્ધ ભિખ્ખુઓ નવ બૌધ્ધોને માત્ર ધર્મ જ આપશે કે તેમના રોજિંદા જીવનના સવાલોના હલમાં પણ કંઈક કામ લાગશે?
બાબાસાહેબ આંબેડકરની એક ઓર જન્મ જયંતીની ઉજવણીના શોરગુલમાંથી મુક્ત થયા પછી જાતને પૂછવાનું છે તે તો એ છે કે બૌધ્ધ વિહારો ઠાલા ધર્મસ્થાનો બની રહેશે કે દલિત ચેતના કેન્દ્રો પણ બનશે? આ સવાલના જવાબમાં જ મહાબોધિ મહાવિહાર આદોલનની સફળતા રહેલી છે.
maheriyachandu@gmail.com
(લેખક વરિષ્ઠ પત્રકાર, રાજકીય વિશ્લેષક અને બહુજન સમાજના પ્રશ્નોના તલસ્પર્શી અભ્યાસુ છે.)
આ પણ વાંચો: અહીં ગામ શરૂ થાય એટલે દલિત મહિલાએ ચંપલ હાથમાં લઈ લેવા પડે છે