ગુજરાતના દલિત-બહુજન સમાજની સામાજિક ન્યાયની લડતમાં હંમેશા અગ્રેસર રહેતા સંગઠન મહાગુજરાત SC-ST મહાસભાની ગઈકાલે અમદાવાદ ખાતે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં સમાજની દશા અને દિશા બદલવા માટે મહત્વના અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. શાહીબાગના જૂના સર્કિટ હાઉસ ખાતે 25-5-2025ના યોજાયેલી આ મિટીંગમાં ગુજરાતભરમાં મહાસભાના હોદ્દેદારો, કાર્યકરો અને સામાજિક અગ્રણીઓ ભાગ લીધો હતો.
બુદ્ધ વંદના સાથે કાર્યક્રમની શરૂઆત કરાઈ
કાર્યક્રમની શરૂઆત ડો.બાબાસાહેબ આંબેડકર, તથાગત બુદ્ધ, જ્યોતિબા ફૂલે, બિરસા મુંડાની તસવીરોને બહેનો દ્વારા ફુલહાર કરી કરવામાં આવી હતી. ત્યારબાદ રાજેશભાઈ કશ્યપ, નરેશભાઈ, નંદલાલ બૌદ્ધ, લલિતભાઈ બૌદ્ધ, રામજીભાઈ રાઠોડ, ભીમજીભાઈ બેડવા, રાઘવભાઈ સોંદરવા, પરીખ સાહેબ, ગોવિંદભાઇ, દાફડા સાહેબ, કાથડ સાહેબ, મોહનભાઇ લુહાર, સુહાસિની બહેન, અલ્પેશભાઈ સહીતના આગેવાનો દ્વારા બુદ્ધ વંદના કરવામાં આવી હતી.
અમરેલીના મૃતક નિલેશ રાઠોડને શ્રદ્ધાંજલિ અપાઈ
મીટીંગની શરૂઆતમાં અમરેલી ખાતે હત્યાનો ભોગ બનેલ નિલેશ કાંતિભાઈ રાઠોડને શ્રદ્ધાંજલિરૂપે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને આ બનાવને સખત શબ્દોમાં વખોડી કાઢી સરકાર સમક્ષ આરોપીઓ સામે દાખલારૂપ કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. માનવ અધિકાર કાર્યકર્તા કાંતિલાલ પરમાર દ્વારા કાર્યક્રમમાં ભાગ લેનાર તમામનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું અને મિટીંગનો હેતુ રજૂ કરાયો હતો.
આ પણ વાંચો: ‘માન્યવર’ બનવું સહેલું છે, ‘બહેનજી’ બનવું અઘરું છે
સમાજના વિવિધ પ્રશ્નો પર ચર્ચા કરવામાં આવી
કાર્યક્રમમાં SC -ST મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ નંદલાલ બૌદ્ધ, રાજ્ય અધ્યક્ષ કાંતિલાલ પરમાર, શિક્ષણવિદ રામજીભાઈ રાઠોડ, મેઘવાળ ન્યુઝના તંત્રી પ્રેમજીભાઈ દાફડા, સામાજિક કાર્યકર ભીમજીભાઈ બેડવા, લલિતભાઈ બૌદ્ધ, નિવૃત પોલીસ અધિકારી દિનેશભાઇ કાથડ, પરીખ સાહેબ, ભાનુભાઇ પરમાર સહિતના આગેવાનોએ પોતાના વિચારો રજૂ કર્યા હતા અને સમાજના તેમજ પોતાના વિસ્તારના પ્રશ્નો ઉપસ્થિત આગેવાનો સમક્ષ મૂકી તેના ઉકેલ અંગે ચર્ચા કરી હતી. એ દરમિયાન હરગોવિંદભાઈ પરમારે પોતાના પર થયેલા અત્યાચારની વાત કરી હતી.
સરકારી નોકરીઓમાં કાપ અને રાજકીય પ્રતિનિધિત્વ મુખ્ય મુદ્દા
માનવ અધિકાર કાર્યકર્તા અને ગુજરાત એસસી-એસટી મહાસભા ગુજરાતના અધ્યક્ષ કાંતિલાલ પરમારે બંધારણીય જોગવાઇઓ અને માનવ અધિકારોની વાત કરી બંધારણ બાબતે લોકોમાં જાગૃતિ કેળવવા, બંધારણનો પ્રચાર-પ્રસાર કરવા તેમજ બંધારણીય જોગવાઈ મુજબ સામાજિક, આર્થિક, રાજકીય અધિકારો માટે આગળ આવવા અને ગૌરવપૂર્ણ રીતે જીવન જીવવાના અધિકાર, આભડછેટ નાબૂદી, ઉચ્ચ શિક્ષણ, સરકારી નોકરીઓમાં બઢતી, રાજકીય પ્રતિનિધિત્વની જોગવાઈઓ અને આર્થિક અધિકારોની વિગતે વાત કરી હતી.
આ પણ વાંચો: પોલીસની હાજરી છતાં દલિત વરરાજાને મંદિરમાં ન ઘૂસવા દીધા
સાથે જ એટ્રોસિટી એક્ટ, તેની જોગવાઈઓ અને તેમાં સરકાર દ્વારા અસરકારક કાયદાની અમલવારી કેવી રીતે નથી કરવામાં આવતી, કેવી રીતે કાયદાની અમલવારીમાં સરકાર દ્વારા લાલિયવાડી દાખવવામાં આવે છે તેની સંપૂર્ણ માહિતી આપી હતી.
દરેક જિલ્લામાં ઈન્ચાર્જ-પ્રમુખની નિમણૂંક કરાશે
ચર્ચા દરમિયાન દરેક જિલ્લાના ઇન્ચાર્જ-પ્રમુખની નિમણુંક કરવી તેમજ ત્રણ ચાર જિલ્લાનો એક ઝોન બનાવવો અને સૌરાષ્ટ્ર ઝોન, મધ્ય ઝોન, ઉત્તર ઝોન, દક્ષિણ ઝોન, અને કચ્છ એમ પાંચ ઝોન બનાવવાની ચર્ચા કરવામાં આવેલ હતી. દરેક ગામોમાંથી સ્વયંસેવકો ઉભા કરી તેમને કાનૂની તાલીમ આપી નવા આગેવાનો સમાજમાં તૈયાર થાય સમાજની આગેવાની લે અને સ્થાનિક સવાલોમાં કામગીરી કરે તેવી ચર્ચા કરવામાં આવેલ હતી. આગામી દિવસોમાં પોતાના વિસ્તારોમાં કાર્યક્રમ કરવા અને સ્વયંસેવક બનવા તૈયાર હોય તેવા યુવા-આગેવાનોના નામો મોકલવા સૌને જણાવાયું હતું.
માનવ અધિકાર સમિતિ બનાવવામાં આવશે
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના બંધારણીય અને માનવ અધિકાર ભંગના સવાલોમાં કામગીરી કરવા માટે દરેક ઝોન અને જિલ્લામાંથી ઇન્ચાર્જ/પ્રમુખ અને સલાહકારની એક રાજ્ય માનવ અધિકાર સમિતિ બનાવવી તેમાં પ્રમુખ, ઉપપ્રમુખ, મહામંત્રી વગેરેની નિમણુંક કરવાનું પણ નક્કી કરાયું હતું. આ સમિતિ બાદમાં ગંભીર અત્યાચારોના બનાવોમાં સ્થળ મુલાકાત કરે અને સરકારમાં એક ફેક્ટ ફાઇન્ડિંગ ((સત્ય શોધક) રિપોર્ટ તૈયાર કરી ભલામણ મોકલાવે અને તેના પર કામગીરી કરવા સરકારને બંધારણીય અને માનવ અધિકારોની સુરક્ષા કરવા અનુરોધ કરે તેવું પણ નક્કી કરાયું છે. કાર્યક્રમના અંતે અધ્યક્ષ કાંતિલાલ પરમાર દ્વારા સૌનો આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને માર્ગદર્શન નંદલાલ બૌદ્ધ દ્વારા કરવામાં આવ્યું હતું.
(અહેવાલઃ કાંતિલાલ પરમાર)
આ પણ વાંચો: GPSCના ઇન્ટરવ્યુમાં SC-ST-OBC યુવકોને અન્યાય
Jay Bhim Namo Budhdhay