Saksham Tate massacre: મહારાષ્ટ્રના સક્ષમ તાટે હત્યાકાંડનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં આંબેડકર જયંતિ પર આંચલના પિતાએ સક્ષમ સાથે ડાન્સ કર્યો હતો. આ વીડિયો જોયા પછી અનેક લોકોને વિશ્વાસ નથી આવી રહ્યો કે, આંચલના પિતા આટલી ક્રૂર રીતે સક્ષમની હત્યા કરી નાખશે.
આંચલ અને તેના પિતા ગજાનન મામિલવાડનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તેમાં તેઓ સક્ષમ સાથે ડાન્સ કરતા જોવા મળે છે. આ વીડિયો સક્ષમ ટેટની હત્યા પહેલાનો છે. સક્ષમ તેની ગર્લફ્રેન્ડ આંચલ મામિલવાડ સાથે જોવા મળે છે અને તેમની સાથે આંચલના પિતા ગજાનન મામિલવાડ પણ છે, જેના પર સક્ષમની હત્યાનો આરોપ છે. હત્યાના સંબંધમાં ગજાનન, તેના પુત્ર અને અન્ય એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ગજાનનની પુત્રી આંચલે હત્યા બાદ સક્ષમના મૃતદેહ સાથે “લગ્ન” કર્યા હતા.
આ પણ વાંચો: દલિત મહિલાને રસોઈ બનાવતી રોકનાર 6 ને જેલમાં ધકેલી દેવાયા
સક્ષમ તાટેનો વીડિયો વાયરલ થયો
આ ઘટનાને લઈને ચાલી રહેલા હોબાળા વચ્ચે, સક્ષમ, આંચલ અને ગજાનનનો આ વીડિયો સામે આવ્યો છે. તેમાં બધા ખુશ દેખાય છે. આંચલ તેના પિતાને ગળે લગાવી રહી છે. તેના પિતા હસતા હોય છે અને સક્ષમ નાચી રહ્યો છે. આ જૂના વીડિયોને જોતાં એવું લાગતું નથી કે બંને વચ્ચે કોઈ ઘર્ષણ થયું હોય. જોકે, તેમના પ્રેમ સંબંધની જાણ થયા પછી, ગજાનન સહિત બંનેના પરિવારોના સંબંધો બગડી ગયા હતા.
મીડિયા રિપોર્ટ મુજબ, આ વીડિયો 14 એપ્રિલનો છે. દેશભરમાં એ દિવસે ડૉ.બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. સક્ષમ તાટેના વિસ્તારમાં એક શોભાયાત્રા પણ કાઢવામાં આવી હતી. રિપોર્ટ મુજબ, આંચલ અને તેના પિતાએ પણ આ શોભાયાત્રામાં ભાગ લીધો હતો.
વાઈરલ વીડિયોમાં ગજાનન મામિલવાડ, આંચલ અને સક્ષમ શોભાયાત્રામાં સાથે નાચતા દેખાય છે. હસતા-હસતા ગજાનન તેની પુત્રીને ગળે લગાવે છે અને પછી ફરી નાચવા લાગે છે. પછી, સક્ષમના કેટલાક મિત્રો ગજાનનને પોતાના ખભા પર બેસાડે છે, અને તેઓ બધા ફરી નાચવાનું શરૂ કરે છે.
આ પણ વાંચો: બ્રાહ્મણ યુવતી સાથે પ્રેમલગ્ન કરનાર દલિત યુવકની સાસરિયાઓએ હત્યા કરી
પરંતુ પછી 27 નવેમ્બરનો દિવસ આવે છે. ગજાનન, તેના બે પુત્રો અને એક મિત્ર સાથે મળીને સક્ષમની હત્યા કરે છે. અહેવાલો અનુસાર, તેઓ પહેલા સક્ષમને ગોળી મારે છે, પછી તેનું માથું મોટા પથ્થરથી છુંદી નાખે છે. પોલીસે આંચલના માતાપિતા અને બે ભાઈઓ સહિત આઠ લોકો સામે હત્યાનો કેસ દાખલ કર્યો છે. બધા નામજોગ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે.
આંચલે તેના પિતા અને ભાઈઓ માટે ફાંસીની સજાની માંગ કરી છે. તેણીએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેનો પરિવાર તેને ધમકી આપી રહ્યો હતો અને સક્ષમને ટાર્ગેટ કરી રહ્યો હતો. આંચલના જણાવ્યા અનુસાર, તેનો ભાઈ તેને સક્ષમ પર ખોટો કેસ કરવા માટે પોલીસ સ્ટેશન પણ લઈ ગયો હતો, કારણ કે સક્ષમ દલિત સમાજમાંથી હતો, જય ભીમવાળો હતો.
મહારાષ્ટ્રના સક્ષમ તાટે હત્યાકાંડમાં મુદ્દે એક વીડિયો વાયરલ થયો છે. જેમાં મૃતક સક્ષમ તેની પ્રેમિકા આંચલના પિતા ગજાનન સાથે 14મી એપ્રિલની રેલીમાં ડાન્સ કરતો જોવા મળે છે. જો કે, બંને વચ્ચે પ્રેમ હોવાની જાણ થતા ગજાનને સક્ષમની હત્યા કરી નાખી છે.#maharastra #sakshamtate #anchal pic.twitter.com/JESVskbpFE
— Naresh Makwana (@nareshmakwana) December 2, 2025
અહેવાલો અનુસાર, સક્ષમ અને આંચલ ત્રણ વર્ષથી પ્રેમ સંબંધમાં હતા. સક્ષમ આંચલના ભાઈઓ વચ્ચે મિત્રતા હતી, જેના લીધે તે તેમના ઘરે આવતો-જતો હતો. જો કે, બંને વચ્ચે પ્રેમસંબંધ હોવાની જાણ છતા આંચલના પરિવારે સક્ષમની હત્યા કરી નાખી હતી. જેણે સમગ્ર દેશને હચમચાવી નાખ્યો હતો.
આ પણ વાંચો: ‘મેરા સક્ષમ મર કે ભી જીત ગયા, મેરે પિતા-ભાઈ હાર ગયે..’











